જ્ઞાન-વિજ્ઞાન:ડાયાબિટીસ: એક સાયલન્ટ કિલર કે જીવનશૈલીનો પડકાર?
ડો. વિજય દવે ડાયાબિટીસના નિર્ધારણ, સારવાર અને નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવનાર શરીરના અંગ સ્વાદુપિંડ કહેતા પેન્ક્રીઆસનાં આંતરિક ભાગ આઇલેટસ ઓફ લેંગહેન્સને ઓળખીએ.
તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ અતિ મહત્ત્વના આ અંગનાં શોધક જીવવિજ્ઞાની પોલ લેંગરહેન્સના નામ પરથી સ્વાદુપિંડના એ ભાગને આઇલેટસ (ટાપુ=કોષ સમુહ) ઓફ લેંગરહેન્સ કહે છે.
આ કોષ સમુહમાં ત્રણ પ્રકારનાં કોષો છે.
{ આલ્ફા- (ગ્લુકાગોન હોર્મોન ઉત્પન્ન કરી શરીરમાં સાકરનું પ્રમાણ ઓછું થાય ત્યારે તેને વધારે છે.)
{ બીટા સેલ્સ- (ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શરીરમાં વધેલી સાકરને ઓછી કરી ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસમાં આ બીટા સેલ્સ ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ કરી દેતા ગોળીઓ/ઇન્જેકશન રૂપે શરીરમાં ઇન્સ્યુલિન દાખલ કરી ડાયબિટીસને નિયંત્રિત કરાય છે.)
{ ગામા સેલ્સ- (સોમેટોટેસ્ટિન હોર્મોન ઉત્પન્ન કરી ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનના પ્રમાણને નિયંત્રિત કરે છે.)
આ ત્રણે સેલ્સ આઇલેટ્સ ઓફ લેંગર હેન્સમાં જ આવેલા છે. ડોકટર જયારે કહે કે, તમને ડાયાબિટીસ છે ત્યારે જ બીટા સેલ્સ ક્ષતિગ્રસ્ત/નિષ્ક્રિય થઈ ચુક્યા હોય છે. એ કોઈ ખાસ જાતનાં લાકડાના મગમાં રાખેલું પાણી પીવાથી, કોઈ ભળતી સળતી વનસ્પતિનાં પાંદડાવાળા પાણીમાં પગ પલાળી રાખવાથી કે તાવીજ પહેરવાથી સક્રિય ન થાય.
માટે ડોકટરે સૂચવેલી દવાઓ, ખોરાક અને જીવન પ્રણાલીને અનુસરો.
મુખ્ય બે પ્રકારનાં ડાયાબિટીસમાં...
ટાઇપ-1 ડાયાબિટીસ: એક ઓટો ઈમ્યુન સ્થિતિ છે. તેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી બીટાસેલ્સનો નાશ કરે છે. જેથી શરીરમાં ઇન્સ્યુલિન બિલ્કુલ બનતું નથી અથવા અપૂરતું બનતા વ્યક્તિએ શરીરમાં ગ્લુકોઝનું ઇચ્છનીય પ્રમાણ જાળવવા બહારથી ઇન્સ્યુલિન ઇન્જેકશન રૂપે લેવું પડે છે.
ટાઇપ-2 ડાયાબિટીસ બીટાસેલ્સ ઇન્સ્યુલિન તો બનાવે છે પણ તે કાં તો અપૂરતું હોય અથવા કોષો તેનો યોગ્ય ઉપયોગ ન કરી શકે.
(ઈન્સ્યુલિન રેઝીસ્ટન્સ) લાંબો સમય આ પરિસ્થિતિ રહે તો બીટાસેલ્સ નબળા પડી જાય અને ડાયાબિટીસ અનિયંત્રિત થઈ જાય. આપણે ખોરાક લઈએ એટલે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતા આઇલેટસમાના બીટા સેલ્સ સક્રિય થઈ શરીરમાં ઇન્સ્યુલિન ઠાલવે જે ચાવીનું કામ કરી શરીરના કોષોના દરવાજા ખોલી કોષોમાં ઇન્સ્યુલિનનો પ્રવેશ કરાવી ગ્લુકોઝની ચયાપચયની ક્રિયા દ્વારા શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે.
જો બીટા સેલ્સ ક્ષતિગ્રસ્ત થાય કે યોગ્ય પ્રતિસાદ ન આપે તો શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. શરાબપાનથી યકૃત તો ખરાબ થાય જ પેન્ક્રિયાસ પણ ખરાબ થાય. પેન્ક્રિયાસનો સોજો ક્યારેક જીવલેણ સાબિત થાય. પેટ અને ડાબી તરફની પાંસળીની નીચે પીઠમાં દુખાવો થવો એ તેનું મુખ્ય લક્ષણ છે. સીરમ એમાયલેઝની (નોર્મલ રેન્જ 30થી 140 યુનિટ/લીટર) તપાસ કરાવવાથી એ ચોક્કસ નિર્ણિત થાય.
Read Original Article →