કાવ્યાયન:સ્મરણશેષ
હરદ્વાર ગોસ્વામી મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.
-ધીરુબહેન પટેલ અલગ હોય છે રોજ અંદાજ તારો,
હવે ક્યાં છુપો છે કશો રાજ તારો.
અહીં આસપાસે બધે મૌન છાયું,
છતાં વાગતો ભીતરે સાજ તારો.
મળે સાથ ખાલી તમારો મને તો,
થયો છે શરૂ રોજ આગાજ તારો.
રહ્યો છું અહીં જીવતો હું ભલે ને,
ભરું શ્વાસ મારા બધા કાજ તારો.
-સતીષ એચ. વાઢેર ‘સત્ય’
કિસ્મત તારી કરંડિયે પૂરાઈ છે,
તારી બધી અવળી પડે છે બાજી.
ઠોકરની આસપાસ શીખવા મળશે,
અલ્યા ! થૈ જાજે એની સાથે રાજી.
-અશોક બારૈયા ‘ભગેલુ’
મા, શું લખું તારા માટે,
તે જ તો મને લખી છે!
દુનિયામાં આવી ત્યારથી,
મેં તને તો જ દેખી છે.
-ડૉ. નિમિષા જોશી ગોર
તમે કહો કે ના કહો આંખ કહે છે,
નજરમાં પ્રેમની ગંગધારા વહે છે.
કોઈ બારણે આવી ટકોરા મારે છે,
ભીતર વિરહની વેદનાઓ કળે છે.
-વાલજી બળગા 'સનમ’
આંસુઓને આશામાં ફેરવતી શક્તિ છે નારી,
અંધકારમાં દીપક સમી પ્રગટતી શક્તિ છે નારી.
સંઘર્ષના દરેક પડાવને પાર કરી આગળ વધે,
જીવનને નવી દિશા આપતી શક્તિ છે નારી.
-પાયલબેન કેશુભાઈ જાદવ
આવ, તને હું આંખમાં આંજું
ગામ વચાળે બાથ ભરું તો કેટલી લાજું?
કંકુવરણો સૂરજ ચોડ્યો ભાલે મેં તો
ઘસ્યું ગુલાબી સંધ્યાવાદળ ગાલે મેં તો
પગમાં બજતું ખળખળતાં ઝરણાંનું વાજું
આવ, તને હું આંખમાં આંજું.
આવ, તને દઉં કાજળઘેરી રાતો મારી
વહી ગયેલી કાળ નદીની વાતો ખારી
પાંપણજળની ધારે સઘળાં સંસ્મરણોને માંજું
આવ, તને હું આંખમાં આંજું.
સરસર વાતી લહેરીઓ સંગાથે કીધું
કહેણ સરકતી કાગળહોડી સંગે દીધું
ઝરમર વરસું, આંખોથી તો કેટલું ગાજું?
આવ, તને હું આંખમાં આંજું.
-મયુરિકા લેઉવા
દરિયાની ખારાશ તળે પણ મોતી મળશે,
કાજળઘેરી રાત સિતારા સોતીં મળશે.
હસતી આંખોમાં હળવેથી જઈને ઝાંખો,
કીકી પાછળ ઈચ્છા આંસુ લ્હોતી મળશે,
આખી રાત રમી ખરડાયેલાં ફૂલોને,
ઝાકળઝારી લઈને ઊષા ધોતી મળશે
મંદિર, મસ્જિદ, ગિરજા સઘળે શોધી, કિન્તુ
ભઈલા! સુખની ચાવી ભીતર ગોતી મળશે !
-હસમુખ ચાંગડિયા
Read Original Article →