મીઠી મૂંઝવણ:દીકરીને મોડલિંગ કરવા માટે મેટ્રોસિટીમાં એકલાં રહેવા જવું છે
મોહિની મહેતા પ્રશ્ન: દીકરો એમબીએ થયેલો છે અને સારી જોબ કરે છે. એના માટે અમે અનેક યુવતીઓ જોઇ, પરંતુ એ કોઇને પસંદ જ નથી કરતો. એનું કહેવું છે કે મને જ્યારે યોગ્ય લાગશે ત્યારે હું લગ્ન કરીશ. આમ ને આમ એની ઉંમર ત્રીસ વર્ષની તો થઇ ગઇ છે. એ લગ્ન કરવા માટે હજી તૈયાર નથી થતો. એને કઇ રીતે રાજી કરવો?{ એક મહિલા
ઉત્તર: તમારા દીકરાની ઉંમર ત્રીસ વર્ષ છે અને એ એમબીએ થયેલો તથા સારી જોબ કરે છે. આનો સીધોસાદો અર્થ કરીએ તો એ વેલ-સેટલ્ડ છે, પરંતુ હજી સુધી એને લગ્ન કરવાની ઉતાવળ કે ઇચ્છા નથી. તમને માતા તરીકે દીકરાનું ઘર વસતું જોવાની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે, પરંતુ તમારે પહેલાં એ જાણવાની જરૂર છે કે એ કોઇ યુવતીને પસંદ કેમ નથી કરતો? એના જીવનમાં કદાચ અન્ય કોઇ યુવતી હોય એવું પણ બનવાજોગ છે. એ કદાચ સંકોચવશ તમને જણાવી શકતો ન હોય, પરંતુ અન્ય કોઇ યુવતીને પ્રેમ કરતો હોય એવું શક્ય છે. તમે એની સાથે બેસીને શાંતિપૂર્વક પ્રેમથી ચર્ચા કરીને જાણો કે વારંવાર યુવતીઓને નાપસંદ કરવા પાછળનું કારણ શું છે. તે પછી એને સમજાવો, તો એ ચોક્કસ લગ્ન કરવા રાજી થશે. પ્રશ્ન: મારા ક્લાસની એક છોકરી સાથે મારે સારી મિત્રતા છે. જોકે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ અમારી આ મિત્રતાનો બીજો અર્થ તારવે છે અને અમારા વિશે જાતજાતની ખોટી વાતો ફેલાવે છે. અમારી વચ્ચે એવો કોઇ સંબંધ નથી. મારી એ મિત્ર હવે મારી સાથે વધારે વાત નથી કરતી. અમારા બંનેના મનમાં કોઇ પાપ નથી, તો મિત્રતા કેમ ન રાખવી? મારે શું કરવું? { એક યુવાન
ઉત્તર: તમે તમારી રીતે સાચા છો કે તમારા બંનેના મનમાં કોઇ પાપ નથી, તો મિત્રતા રાખવામાં કોઇ જાતનો વાંધો ન હોવો જોઇએ, પરંતુ તમારી મિત્રતાને કારણે અન્ય વિદ્યાર્થીઓ તમારા બંને વિશે જાતજાતની વાતો કરતાં હોય તો એમાં સૌથી વધારે સહન કરવાનું તો એ છોકરીને આવે કેમ કે આવી વાતોથી એના ચારિત્ર ઉપર શંકા જાય એ સ્વાભાવિક છે. એણે તમારી સાથે વાત કરવાનું એટલે જ ઓછું કર્યું હોવું જોઇએ. પ્રશ્ન: પત્ની લગ્ન પછી એના ભૂતપૂર્વ પ્રેમી સાથે સંબંધ રાખે છે. હું એને ખૂબ પ્રેમ પણ કરું છું, છતાં એનું કહેવું છે કે એનો પ્રેમી જેટલી કાળજી એની લે છે, એટલી હું નથી લેતો. એના આવા વર્તાવથી મારું મન ભાંગી પડ્યું છે. વિચારું છું કે એને છૂટાછેડા આપી એના પ્રેમી સાથે લગ્ન કરાવી આપું. મારો આ વિચાર યોગ્ય છે? { એક પુરુષ
ઉત્તર: તમારા લગ્નને કેટલાં વર્ષ થયાં છે તે તમે જણાવ્યું નથી. વળી, લગ્ન પહેલાં તમે તમારી પત્ની અંગે પૂરતી તપાસ કરી નહોતી. કોઇ પણ સંબંધમાં આગળ વધતાં પહેલાં વ્યક્તિના ભૂતકાળ વિશે થોડીઘણી જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે - ખાસ કરીને જ્યારે તમે એને જીવનસાથી બનાવવાનાં હો. જો અગાઉથી તમને આ જાણ હોત, તો તમે બીજી કોઇ યુવતીને પસંદ કરી હોત. ખેર હવે જે થવાનું હતું તે થઇ ગયું. તમે હવે તમારાં પત્નીને છૂટાછેડા આપશો, તો સમાજમાં તમારાં માતા-પિતા અને તમારું ખરાબ લાગશે. તમે એમને સમજાવો કે એ આ રીતે પોતાના પ્રેમી સાથે સંબંધ રાખે તે યોગ્ય નથી. છતાં જો એ માનવા તૈયાર ન હોય તો ઘરમાં વડીલોને વાત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવો વધારે હિતાવહ રહેશે. પ્રશ્ન: અમારા એક સંબંધીનો પુત્ર મને ખૂબ ગમે છે, પણ એ મારાથી બે વર્ષ નાનો છે. એને પણ હું પસંદ છું. અમારે અમારી ઇચ્છા પરિવારજનોને જણાવવી જોઇએ કે અમે અમારી રીતે લગ્ન કરી લઇએ? માર્ગદર્શન આપશો.
{ એક યુવતી
ઉત્તર: સ્વૈચ્છિક પસંદગી હોય, ત્યારે ઉંમર જેવો મુદ્દો ગૌણ બની જાય છે. છતાં તમારા બંનેના પરિવારજનો વચ્ચે કેવો સંબંધ છે અને તેઓ આ લગ્નસંબંધ માટે સ્વીકૃતિ આપશે કે નહીં, તે જાણવું ખૂબ જરૂરી છે. તમે બંને પોતપોતાના પરિવારમાં તમારી ઇચ્છા વિશે જણાવો અને જો પરિવારજનોની સંમતિ હોય, તો વાંધો આવવાનો કોઇ પ્રશ્ન જ નથી. પ્રશ્ન: મારી સગાઇ થઇ ગઇ છે અને આ વર્ષે મારાં લગ્ન લેવાનાં છે, પરંતુ હજી મારો અભ્યાસ બાકી છે. તેથી હું હમણાં લગ્ન કરવા નથી ઇચ્છતી. મારે આ વાત મારાં માતા-પિતાને કઇ રીતે સમજાવવી? { એક યુવતી
ઉત્તર: તમારી સગાઇ થઇ ગઇ છે અને તમારાં માતા-પિતા આ વર્ષે જ લગ્ન લેવાનાં છે, પરંતુ તેમને પણ એ તો ખ્યાલ હશે જ કે તમારો અભ્યાસ બાકી છે. તમે અભ્યાસ પૂરો કરી ડિગ્રી મેળવો. જો લાગતું હોય કે તમારાં માતા-પિતા કોઇ પણ સંજોગોમાં આ વર્ષે લગ્ન કરાવી જ નાખશે, તો તેમને સમજાવો કે તમે ડિગ્રી મેળવી હશે, તો ભવિષ્યમાં ક્યારેક પણ કામ લાગશે. માટે તમારો અભ્યાસ પૂરો થાય પછી લગ્ન કરાવે તો સારું. તમે શાંતિથી સમજાવશો તો તેઓ ચોક્કસ તમારી વાત માનશે. પ્રશ્ન: દીકરી સત્તર વર્ષની છે અને અત્યારથી જ એને મોડલિંગ કરવા માટે મેટ્રોસિટીમાં એકલાં રહેવા જવું છે. એ દેખાવડી છે અને ભવિષ્યમાં સારી મોડલ બની શકે છે, પરંતુ એને એકલી ક્યાંય મોકલવામાં મને ડર લાગે છે. આજકાલ જેવા બનાવો બને છે, તે જાણ્યા-સાંભળ્યા પછી દીકરીને એકલી મોકલવાની ઇચ્છા નથી થતી, પરંતુ એને કઇ રીતે સમજાવવી? { એક મહિલા
ઉત્તર: તમારી દીકરી હજી તો માત્ર સત્તર વર્ષની જ છે. મોડલિંગ કરવાનો એને શોખ છે, એ દેખાવડી છે અને સારી મોડલ બની શકે એમ છે, તેમ તમે પણ માનો છો, પરંતુ તમારી એ વાત સાચી છે કે આજકાલ જે બનાવો બને છે, તે જાણ્યા પછી દીકરીને એકલી ક્યાંય મોકલતાં પહેલાં વિચાર કરવો પડે. તમે દીકરીને સમજાવો કે હજી તો એની ઉંમર સત્તર વર્ષ જ છે. એ વીસ-પચીસ વર્ષની થાય પછી એ મોડલિંગ કરવાનું વિચારે તો બરાબર છે. અત્યારે એ પહેલા અભ્યાસ પૂરો કરે અને પોતાની એક કરિયર નિશ્ચિત કરી લે. પછી જ્યારે મોડલિંગમાં ચાન્સ મળે ત્યારે તમે એને રોકશો નહીં.
Read Original Article →