ખોબામાં દરિયો:પુત્રીવતી ભવ
રેખાબા સરવૈયા રાજીનાં લગ્ન તો રંગેચંગે ઊજવાઈ ગયા. ખાતા-પીતાં ઘરમાં લાડકોડથી ઉછરેલી રાજીને એની માને વિદાય ટાણે, ગાડાનું પૈડું સીંચતા બહુ ધીરા સ્વરે એના કાનમાં કહેલું જો દીકરી, આજથી તું પારકી થઈ, માવતરની માયા અહીં મૈયરમાં મૂકતી જાજે, તારા હાહરે હૌનામાં હમાય જાજે. હવે ઈ ઘર જ તારે સરગ છે ઈમ માની લે. હંધાયની મોર્ય હવારમાં વે‘લી ઉઠજે, ને રાત્યે હંધાયની વાંહે હુઈજે. રહોડાથી કોઈ દી’નો કંટાળજે બાપ! હંધાયને રજી રાખજે ને અમારું પાડેલું નામ ઉજાળજે વહાલા!
માની દીધી શિખામણ ગાંઠે બાંધીને રાજી સાસરે સંચરી.
આણીપા મોડીયો ઉતારી, કંકુ પગલાં ઘરમાં કરીને સાસરિયામાં પ્રવેશ કરેલી રાજીનાં મનમાં અવનવા ભાવો ઉગે ને આઠમે છે.
નવી વહુને પોંખતી સાસુનો હરખ ક્યાંય માં’તો નથી. રંગે-રૂપે આંગણે ઊભી હોય તો બે માણાહની આંખ્યું ઠરે એવી વહુનો કળશ્યો (એક વિધિ) કરીને સાસુમાએ ટચાકા ફૂટે એમ ભાર દઈને દુઃખણા લીધા. અડખે-પડખેથી આવેલી મહિલાઓ રાજીની જોઈ-જોઈને રાજી થાય છે. પોતપોતાને ઘરે જતાં જતાં દીકરાની માને વધામણાં દેતી જાય છે...’બાઇજી, તમારી વહુ તો ચાંદનો ટુકડો જાણે...કાળું ટપકું કરો કાં વાંહે બાપા...કો’કની નજર ન લાગે ઈ ને!’
વહુની સાસુ કાજળની ડબ્બી ક્યાંકથી ગોતીને લાવીને રાજીનાં કાન પાછળ કાળો લાડવો કર્યો.
છાતી સુધીનાં ઘૂમટામાં રાજીને અકળામણ વધતી ચાલી, પણ ઘરનાં રિવાજ પ્રમાણે કુટુંબની મોટી-મોટી ડોસીઓ વારા ફરતી રાજીની લાજ ઊંચી કરી, આંખો ઠરે એવો એનો ચહેરો જોઈ, રૂપિયાની નોટું એના ખોળામાં મૂકીને આશીર્વાદ આપતી બોલતી જાય છે...
‘અખંડ સૌભાગ્યવતી ભવ’
‘સુખી થાઓ’
‘દુધો નહાવ, પુતો ફલો’
‘પુત્રવતી ભવ’
છોકરાની માં ડોસીઓને પતાસાની લ્હાણી આપતાં આપતાં વહુનાં વખાણ કરે છે. ‘રામી મોહી, અમારી વહુ એનાં માવતરની એકની એક ભલે રહી પણ એની માએ રાજીને રોટલા, બાજરીનું દરણું, છાણ-વાહીદું, વલોણું, લીંપણ-ગૂંપણ, અથાણાં-પાપડ હંધુય શીખવાડ્યું છે હો.’
‘અરે બુન તારે એક જ દીકરો છે, બસ...હવે મા અંબાને એટલું જ કઉં કે....એનો વંશ આગળ વડે એવો દેવનાં ચક્કર જેવો દીકરો રાજીનાં ખોળે અવતરે એટલે તારું જીવતર ન્યાલ! હાલ્ય નવલી વહુ રહોડે...કુળદેવીનાં નિવેદની લાપસીનું આંધણ મૂક...જોઉં...
માસીજીની દોરવણીથી યંત્રવત રાંધણીયામાં જઈને રાજીએ લાપસીનું આંધણ મૂક્યું. ડોસીઓનાં વેણ એનાં કાનમાં ગુંજી રહ્યાં સાથે સાથે કોલેજનાં છેલ્લા વરસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં પોતે આપેલું ચોટદાર વક્તવ્ય પણ મનમાં ગુંજતું હતું.
‘બેટી બચાવો, બેઠી પઢાવો, બેટી વધાવો’-ની વાતને વણી લેતું એનાં વક્તવ્યનો વિષય હતો...’પુત્રીવતી ભવ:’
એને મળેલા અસન્ખ્ય આશીર્વાદમાં એકેય ડોસી આવું નહોતી બોલી. એક નિઃસાસા સાથે રાજી તપેલીનાં ઉકળતા પાણીને જોઈ રહી.
Read Original Article →