આજ-કાલ:ચીન અને સ્વીડન સ્ક્રીનથી પુસ્તક તરફ

Magazine4/29/2026, 12:35:00 AM
આજ-કાલ:ચીન અને સ્વીડન સ્ક્રીનથી પુસ્તક તરફ
શિ ક્ષણ ક્ષેત્રે તાજેતરમાં આપણું ‘ગલગોટિયાકરણ’ જગ બત્રીસીએ ચડ્યું પણ રાજકીય આકાઓ તો નવી નવી યુનિવર્સિટી ખોલવાના મદમાં સોશિયલ અને કન્ટ્રોલ્ડ મીડિયામાં ઝૂમ બરાબર ઝૂમ કરે છે. કેન્દ્રમાં શિક્ષણ ખાતાનો અખત્યાર આદરણીય સ્મૃતિ ઈરાની મેડમ બાદ હાલ ધર્મેન્દ્રજી પંડિતજી સાહેબ, બે રાજ્ય કક્ષાના મંત્રીના સથવારે, શોભાવે છે. પણ આમાં વિદ્યાર્થી અને શિક્ષણનું કેટલું ભલું થાય છે? શું કીધું? આ સવાલ જ સાવ ખોટો ને પાછો અભ્યાસક્રમ બહારનો છે એમ? ઓકે. તો આપણે પરદેશની ગમે તેવી વાતો કરી જ શકીએ. સાંભળ્યું ખરું કે આ ચીને શું કર્યું? અરે હજારો વર્ષથી ચાલતી રાજાશાહીનો 1912માં અંત લાવનારા, 1945માં જાપાનના કબજા હેઠળનો મોટાભાગનો પ્રદેશ મુક્ત કરાવનારા અને 1949માં પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના બનનારા દેશે એક મહત્ત્વપૂર્ણ શિક્ષણલક્ષી સુધારો કર્યો છે. 6થી 15 વર્ષનાં બાળકો માટે ખાનગી શાળાઓને નફા માટે ચલાવવા વેપારીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ચીની સરકારની નવી નીતિ મુજબ શિક્ષણ જાહેર હિત માટે હોવું જોઈએ, ખાનગી નફા માટે નહીં જ. આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણને ઘટાડવાનો, પરિવારો પરનો આર્થિક ભાર ઓછો કરવાનો અને ગુણવત્તાસભર શિક્ષણમાં સમાન પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે. સાથોસાથ શહેરોમાં શિક્ષણના ઝડપી વેપારીકરણ પર પણ નિશાન સધાયું છે. ઘણા લોકો આને સમાનતા તરફનું સાહસિક પગલું માને છે, તો વાંકદેખાઓ આના લાંબા ગાળાના પ્રભાવ વિશે, ખાસ તો નવીનતા અને શૈક્ષણિક વિવિધતા પર પ્રશ્નો ઉઠાવે છે, પણ શિક્ષણને હાટડીમાંથી ફેક્ટરી અને મોલ બનાવનારા લોકતાંત્રિક ભારત માટે આ ચીની મોડલ અનુકરણીય નથી લાગતું? અને દેશી નેતાઓ મતની મમતમાં રેવડીબાજીની બારમાસી મોસમમાં મફત લેપટોપ અને ટેબ ખુલ્લા મને (કોના બાપની દિવાળી?) વહેંચવા પડાપડી કરી રહ્યા છે, ત્યારે સ્વીડન તો પ્રવાહ ઉલટાવવા મંડી પડ્યું છે. હા, સ્વીડનમાં શિક્ષણ 15 વર્ષ પછી ‘ડિજિટલ’માંથી ફરી પાઠ્યપુસ્તકો તરફ ભણી પાછું ફરી રહ્યું છે, પણ એવું તે કંઈ હોતું હશે? આ રહી વિગતો. 2009માં ડિજિટલ સ્ક્રીન અને ટેબ્લેટ્સ કચ્ચા, બચ્ચા ને વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય કરીને એને ‘ભવિષ્યનું શિક્ષણ’ તરીકે ઓળખાવતી આ નીતિ અમલમાં મુકાઈ હતી. પરંતુ દેખાદેખી કે બતાવી દેવા માટે નહિ પણ અમુક માન્યતા અને સમજ સાથે આ નિર્ણય લેવાયો હતો. શાળાઓમાં પરંપરાગત પાઠ્યપુસ્તકો દૂર કરીને તેમની જગ્યાએ સમગ્ર દેશમાં ડિજિટલ યુગનું આગમન ત્વરિત લવાયું. દુનિયા આખી યુરોપના સૌથી પ્રગતિશીલ અને ટેક્નોલોજીપ્રેમી દેશ તરીકે સ્વીડનના વખાણ કરતા થાકતી નહોતી. એકાએક સ્કૂલ ‘સ્માર્ટ’ ને ક્લાસરૂમ ‘ડિજિટલ’ બની ગયા. જોકે, દોઢ દાયકાના ‘ડિજિટલ પ્રયોગ’માં એકદમ વિપરીત અને ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં. વિદ્યાર્થીઓ વાંચન સમજૂતી, લેખન કૌશલ્ય અને ગણિતમાં વધુ નબળા પડવા માંડ્યા. આંતરરાષ્ટ્રીય PISA (Programme for International Student Assessment) પરીક્ષામાં સ્વીડનના વિદ્યાર્થીઓનો દેખાવ સતત કથળતો દેખાયો. ખરેખર આ પરિવર્તનની આંધળી દોટ હતી? પરંપરા જ બહેતર હતી? પરંપરાનું પૂંછડું જીદપૂર્વક પકડી રાખવામાં ભાવિ પેઢી જૂનવાણી રહી ગઈ તો? તટસ્થ રીતે વિચાર વલોણું શરૂ થયું કે ભૂલ ક્યાં થઈ ને ઈલાજ શો? તરત સંશોધકોને કામે લગાડાયા. થોડા સમયમાં કેટલીક સચ્ચાઈ સામે આવી: 1) સ્ક્રીન પર વાંચતી વખતે મગજ ‘સ્કેનિંગ મોડ’માં જાય છે, જેના કારણે ઊંડાણપૂર્વક સમજવાને બદલે ઉપરછલ્લી રીતે વધુ ને ઝડપી માહિતી લેવાનું વલણ વધે છે. આનાથી વિપરીત કાગળ પર વાંચતી વેળાની એકાગ્રતા, શબ્દો સાથેનો સંબંધ અને યાદશક્તિ પર થતો સકારાત્મક અસર વગેરે ટચુકડો સ્ક્રીન આંચકી લે છે. 2) સ્ક્રીન સામે એકધારા ખોડાઈ રહેવાથી બચ્ચાંઓની આંખો, ઊંઘ અને માનસિક એકાગ્રતા પર માઠી અસર પડે છે. 3) ડિજિટલાઇઝેશન સ્કૂલને શિક્ષણને બદલે મનોરંજનના કેન્દ્ર બનાવી દે છે. સમયનો તકાજો હતો કે ગાડી રિવર્સ લેવી. આ ફક્ત નીતિલક્ષી શીર્ષાસન નહોતું, મોટી ભૂલની સ્વીકૃતિ હતી પણ સવાલ દેશના ભવિષ્યનો હતો, દરકાર આવતીકાલના નાગરિકોની હતી. કોઈ જીદ, વિવાદ, જુમલાબાજી કે રાજકીય ખટપટ વગર 200 મિલિયન ડોલરના ખર્ચે ફરીથી છાપેલાં પાઠ્યપુસ્તકો શાળાઓમાં પાછાં લાવવાનું નક્કી થયું. ખુદ સ્વીડનના શિક્ષણ મંત્રાલયે સરેઆમ સ્વીકારી લીધું કે ટેક્નોલોજી સાધન છે, હેતુ નથી. હા, સરકારે સ્ક્રીન તો આપ્યા પણ નહોતી મળી શિક્ષકોને યોગ્ય તાલીમ કે નહોતી અભ્યાસક્રમને અનુરૂપ ડિજિટલ સામગ્રી. સ્ક્રીનના વપરાશની ગાઈડલાઇન સુધ્ધાં નહોતી. સ્કૂલમાં વધુ સમય યુટ્યુબ, ગેમ્સ અને સોશિયલ મીડિયા પર બગડવા માંડ્યો ને શિક્ષકો નવરા બની ગયા. ડિજિટલાઇઝેશનથી બાળકોને માહિતીનો નાયેગ્રા ધોધ મળ્યો પણ જ્ઞાન ગાયબ થઈ ગયું. પાઠ્યપુસ્તકોને ફરી અપનાવવામાં વધુ સાવધાની રખાઈ. પરંપરાગત અને ડિજિટલ શિક્ષણ વચ્ચે ઉંમર, વિષય અને હેતુ અનુસાર સમતુલા જળવાઈ. બાળકોને પુસ્તકો, હસ્તલેખન અને વાંચનની દુનિયામાં ફરી મોકલવામાં ડિજિટલ સાધનોની સદંતર અવગણના કરાઈ નથી. પરંતુ હવે પ્રી-સ્કૂલમાં ડિજિટલ સાધનો ફરજિયાત નથી. અરે, બે વર્ષથી નાનાં બચ્ચાંને તો ટેબ્લેટ અપાતાં નથી. આ વર્ષ 2026થી સ્કૂલના સમય દરમિયાન મોબાઈલ ફોનના વપરાશ પર રાષ્ટ્રીય પ્રતિબંધ મુકાયો છે. આપણે ‘ડિજિટલ સ્કૂલ’, ‘ઈ-લર્નિંગ’ અને ‘ટેબ્લેટ સ્કીમ’ની લાહ્યમાં પાટી, પેન, નોટ, ચોપડી, પેન્સિલ અને બ્લેક બોર્ડને વખાર ભેગાં ન કરીને સ્વીડન પાસેથી શીખવાની જરૂર છે. ને ચીનને અનુસરીશું? ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણનો હેતુ ખાલી મનને ખુલ્લા મનમાં બદલવાનો છે. - માલ્કમ ફોર્બ્સ (જાણીતા અમેરિકન ઉદ્યોગપતિ અને ‘ફોર્બ્સ’ મેગેઝિનના મુખ્ય તંત્રી)
Read Original Article →