હૂંફ:તડકા વગરનું બાળપણ
ધર્માંશુ વૈદ્ય આધુનિક ફ્લેટ્સની બંધિયાર દીવાલો અને એલ.ઈ.ડી. લાઇટ્સના કૃત્રિમ અજવાળામાં ઉછરી રહેલી આજની પેઢી પ્રકૃતિના સૌથી મોટા આશીર્વાદથી વંચિત રહી જતી હોય એવું લાગે છે. આ આશિષ એટલે પ્રભાતનો સોનેરી તડકો. પ્રભાતે વહેલા ઉઠીને સૂર્યપ્રકાશ લેવો એ માત્ર સારી ટેવ નથી, પણ આપણા મગજના વિકાસ માટે જૈવિક અનિવાર્યતા છે.
સાલ્ક ઇન્સ્ટિટ્યુટના વિશ્વવિખ્યાત ક્રોનોબાયોલોજીસ્ટ ડૉ. સચિન પાંડા તેમના સંશોધનોમાં આ વિજ્ઞાનને બખૂબી સમજાવે છે. તેઓ સર્કેડિયન રિધમ એટલે કે શરીરની જૈવિક ઘડિયાળના પ્રખર નિષ્ણાત છે. તેમના રિસર્ચનું માનીએ તો જ્યારે સવારનો કુદરતી પ્રકાશ બાળકની આંખોમાં પ્રવેશે, ત્યારે આંખના રેટિના દ્વારા મગજને સહજ સંકેત મળે છે, જે બાળકની જૈવિક ઘડિયાળને રીસેટ કરે છે. સવારનો તડકો મગજમાં કોર્ટિસોલ નામક ચમત્કારી રસાયણનું સ્તર ગજબ રીતે વધારે છે, જે બાળકને આખો દિવસ જાગૃત, ઊર્જાવાન અને ફોકસ્ડ રાખે છે. એટલું જ નહીં, સવારે યોગ્ય સમયે તડકો લેવાથી રાત્રે બરાબર સમયે મેલાટોનિન (ઊંઘનું રસાયણ) આપોઆપ ઉત્પન્ન થાય છે, જે બાળકને ગાઢ નિદ્રા ભણી લઈ જાય છે.
આ વાતનું સમર્થન જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલના સ્લીપ એન્ડ સર્કેડિયન ડિસઓર્ડર વિભાગના અભ્યાસ થકી પણ થયું છે. આ અભ્યાસ મુજબ સવારના પ્રકાશનો અભાવ અને રાત્રિના સમયે મોબાઇલ સ્ક્રીનની બ્લુ-લાઈટ બાળકોની એકાગ્રતાનો ઘડોલાડવો કરી નાખે છે, જેના પ્રતાપે આજનું બાળક હાયપર-એક્ટિવ બનતું જાય છે. આથી વિપરીત જે બાળકો સવારના કુદરતી પ્રકાશમાં વધુ સમય વિતાવે છે, તેમનું કોગ્નિટિવ ફંક્શન એટલે કે વિચારવાની, તર્ક કરવાની અને નિર્ણય લેવાની શક્તિ, સતત કૃત્રિમ લાઇટમાં રહેતા બાળકો કરતા નોંધપાત્ર રીતે વધુ તેજ બને છે.
સીધી ભાષામાં કહીએ તો જે માતાપિતા પોતે વહેલા નથી ઉઠતા અને તેમના બાળકોને પણ મોડે સુધી સુવા દે છે, તે તેમની આજની સાથોસાથ બાળકની આવતીકાલને પણ તમસગ્રસ્ત કરવાની ભૂલ કરે છે.
આપણા ઋષિઓએ સદીઓ પહેલાં આ વિજ્ઞાનને સમજીને જ કદાચ આદિત્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા શરૂ કરી હશે. તેઓ જાણતા હશે કે જે બાળક સૂર્ય સાથે તાલમેલ સાધશે, તેનું શરીર અને મન બંને ઓજસ્વી બનશે. આમ પણ સૂર્ય આ અવનિ પર દેખાતો પ્રત્યક્ષ અને સાક્ષાત દેવ છે. એ રોજ સવારે વહેલો આવીને તમને કહે છે, ‘તમારા ઘરની બારીઓ ખોલો, પડદાં હટાવો અને બાળકોના ચહેરા પર પ્રભાતનો પવિત્ર સ્પર્શ થવા દો.’ સૂર્યનાં કિરણો એ ઈશ્વરે મોકલેલું આમંત્રણ છે, તેને સ્વીકાર્યા વિના કેમનું ચાલે?
પીપરમિન્ટ: જે જાગે છે, એ જ પામે છે.
Read Original Article →