સમાજ:આજની પેઢીનું બાળપણ ક્યાં ગયું? મોબાઈલમાં!
નૈનેષ સુખડીયા થોડા સમય પહેલા છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણાવતા શિક્ષક મિત્ર મને મળ્યા. તેમની એક વાત સૌથી વધુ ચિંતિત અને આશ્ચર્યચકિત કરી દેનારી હતી. તેમના મુજબ હવે આ કક્ષામાં ભણતા છોકરા અને છોકરીઓ કથિત ફ્રેન્ડશિપ અને રિલેશનશિપમાં પડતા જોવા મળે છે. ખરેખર તો તેને આપણે આકર્ષણથી વધુ કંઇ ન કહી શકીએ. આજકાલ સમાચારમાં જેન-ઝીની મોટાપાયે ચર્ચા કરવામાં આવે છે. તેમાં સૌથી સામાન્ય બાબત હોય તો એ છે, ઝડપ. આજે દુનિયા ખૂબ ઝડપી ચાલી રહી છે. આજના બાળકોને પણ બધું તુરંત અને ઓછા સમયમાં જોઈએ છે. 4g, 5g અને હવે 6gની વાતો ચાલી રહી છે. તેમને 10 મિનિટમાં મનપસંદ વસ્તુ ઘરના આંગણે જોઈએ છે. ટૂંકમાં ફાસ્ટફૂડ પણ ફાસ્ટ જોઈએ છે.
આજથી થોડા વર્ષો પહેલા પ્રાથમિક માધ્યમિકમાં ભણતું બાળક આ બધી આકર્ષણની માયાથી અજાણ હતું. પરંતુ હવે સ્માર્ટફોન અને માહિતીનો ફેલાવો વધવાથી તરુણાવસ્થાની ઉંમર ઘટતી જોવા મળે છે. તેમનામાં જાતીય ફેરફારો સમય કરતા વહેલા આવતા જોવા મળે છે. તેમજ આ બાબતને ફિલ્મો અને વેબસિરીઝ વેલિડેટ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરિણામે વધુને વધુ બાળકો આ તરફ ખેંચાય છે અને તેની માઠી અસર તેમના અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
જ્યારે એક યુવાન માણસ પણ બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવતા ઘણો સમય લાગી જાય છે, ત્યારે નાના બાળકો જે હજુ પરિપક્વ થયા નથી તેમજ આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ પણ ખ્યાલ નથી. તેમના માટે ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે. આવા સમયમાં તેમને યોગ્ય સલાહ અને કાઉન્સેલિંગ આપી શકે તેવો કોઈ વર્ગ જ નથી. ખુદ તેમના મિત્રો આ માનસિકતા અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય. તેમજ તેમના માતા પિતાના જજમેન્ટલિઝમના કારણે તેઓ ખુલ્લેથી વાત કરી શકતા નથી. પરિણામે સંવાદનો સેતુ અવરોધાય છે. ઘણીવાર આવા પ્રકરણનું અંતિમ ચરણ આત્મહત્યા સ્વરૂપે જોવા મળે છે. આ બાબત ન માત્ર માતા-પિતા પરંતુ આખા સમાજને ચિંતિત કરી દેનારી બાબત છે.
એક વિશ્લેષણમાં મહત્ત્વની બાબત ધ્યાનમાં આવી છે કે જે વિધાર્થીઓ ઇતર પ્રવૃતિમાં જોડાયેલા હોય તેઓ આ મનઃસ્થિતિમાંથી જલ્દી બહાર આવે છે. કારણકે તેમના જીવનમાં એક પાત્રથી વિશેષ ઘણી બધી વસ્તુઓ છે જ્યારે બીજા વિધાર્થીને એક વ્યક્તિ જ સર્વસ્વ લાગે છે અને જ્યારે તે તેના જીવનમાંથી ચાલી જાય ત્યારે તેને જીવવા માટેનું કોઈ કારણ નથી મળતું.
માણસને પોતાનું દુઃખ કે પીડા વ્યક્ત કરવા માટે કોઈ માધ્યમની જરૂરિયાત હોય છે. કોઈ કલાકારને પીડા થાય ત્યારે તે ચિત્રો, સંગીત કે લેખનના માધ્યમથી અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. જે બાળક પોતાની અભિવ્યક્તિના આકાશમાં ઉડાન ભરે ત્યારે તે પોતાના સત્વ અને અસ્તિત્વને સાચા અર્થમાં પામી શકે છે.
આથી માતા પિતા એક સંચાલકના બદલે માર્ગદર્શકની ભૂમિકા બજાવે ત્યારે તે બાળકને સાચી શીખ અને સૂચનો આપી શકે છે અંતે એટલું જ કહેવું છે કે બાળકને એક પરિપક્વ મિત્રની જરૂરિયાત છે નહીં કે જ્જમેન્ટલ વ્યક્તિની.
Read Original Article →