સ્વાસ્થ્ય:દૂધનો દાંત સમય કરતાં પહેલા પડી જાય તો શું કરવું

Magazine5/24/2026, 8:42:49 PM
સ્વાસ્થ્ય:દૂધનો દાંત સમય કરતાં પહેલા પડી જાય તો શું કરવું
ડૉ. ગુંજન બારોટ ક્ટર, દાંત તો દૂધનો જ હતો… ત્યાં નવો તો આવી જ જશે ને? ક્લિનિકમાં આવતો આ પ્રશ્ન ખૂબ સામાન્ય છે. ઘણી વખત માતા-પિતા આ વાત એક હળવા વિશ્વાસ સાથે કહે છે, જેમ કે દાંત પડવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેમાં ખાસ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ સરળ લાગતી વાતમાં એક નાની, પરંતુ મહત્ત્વપૂર્ણ ગેરસમજ છુપાયેલી હોય છે. દૂધના દાંતને આપણે ઘણી વાર ‘થોડા સમય માટેના’ માનીને તેની અવગણના કરી દઈએ છીએ. હકીકતમાં, દૂધના દાંત માત્ર ટેમ્પરરી નથી, તે બાળકના ભવિષ્યના દાંત માટે માર્ગદર્શક છે. દરેક દૂધનો દાંત, તેના નીચે આવેલા કાયમી દાંત માટે જગ્યા જાળવી રાખે છે. કુદરત આ પ્રક્રિયાને ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવે છે. એક ચોક્કસ સમય આવે, દાંત પડે, અને તેની જગ્યાએ નવો દાંત યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થાન પર આવે. પરંતુ જ્યારે કોઈ કારણસર સડવાથી, ઈન્ફેક્શનથી કે ઈજાના કારણે, દાંત સમય પહેલાં ખોવાઈ જાય, ત્યારે આ કુદરતી સંતુલન બગડી શકે છે. એક નાનું ખાલી સ્થાન… અને ધીમે ધીમે બાજુના દાંત ત્યાં ખસવા લાગે છે. આ પ્રક્રિયા તરત નજરે ચઢતી નથી. માતા-પિતાને લાગે કે ‘બધું ઠીક છે’, પરંતુ અંદરથી જગ્યા ઘટતી જાય છે. થોડા સમય પછી, જ્યારે કાયમી દાંત આવવાનો સમય આવે છે, ત્યારે તેને યોગ્ય જગ્યા જ મળતી નથી. પરિણામે દાંત વાંકા આવવા અથવા ક્યારેક દાંતને બહાર આવવામાં મુશ્કેલી પડવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે આગળ જઈને લાંબી સારવાર તરફ દોરી શકે છે. અહીં એક સરળ પરંતુ સમજદારી ભરેલું પગલું મદદરૂપ બને છે-’સ્પેસ મેન્ટેનર.’ સ્પેસ મેન્ટેનર એટલે શું? તે કોઈ મોટી કે જટિલ સારવાર નથી. આ એક નાનું, સરળ ઉપકરણ છે, જે ખાલી પડેલી જગ્યા ‘સાચવી’ રાખે છે. જેમ કોઈ ખાલી બેઠકો પર કોઈને બેસવા ન દે, તેમ જ સ્પેસ મેન્ટેનર બાજુના દાંતને ખસતા અટકાવે છે અને જરૂરી જગ્યા જાળવી રાખે છે. તે ત્યાં સુધી પોતાની કામગીરી કરે છે, જ્યાં સુધી નવો દાંત આવવા તૈયાર ન થાય. સ્પેસ મેન્ટેનર મુખ્યત્વે બે પ્રકારના હોય છે…ફિક્સ્ડ (મોઢામાં જ સ્થિર રહે તેવા) અને રિમૂવેબલ (જેમને કાઢી-પહેરી શકાય તેવા). કયો પ્રકાર યોગ્ય રહેશે તે બાળકની ઉંમર, ખોવાયેલા દાંતની જગ્યા અને મોઢાની પરિસ્થિતિ પર આધારિત હોય છે. પરંતુ સામાન્ય રીતે, નાના બાળકોમાં શક્ય હોય ત્યાં સુધી ફિક્સ્ડ સ્પેસ મેન્ટેનરને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેનું કારણ સરળ છે તે મોઢામાં સ્થિર રહે છે, એટલે બાળક તેને વારંવાર કાઢી શકતું નથી. ખોવાઈ જવાની શક્યતા ઘટે છે, અને તે સતત પોતાની કામગીરી કરી શકે છે. જ્યારે રિમૂવેબલ સ્પેસ મેન્ટેનરમાં બાળકના સહકાર પર વધુ નિર્ભરતા રહે છે. એકવાર સ્પેસ મેન્ટેનર મૂકાઈ જાય પછી, થોડા દિવસોમાં બાળક તેને સ્વીકારી લે છે અને રોજિંદા જીવનમાં કોઈ ખાસ અડચણ અનુભવતું નથી. પરંતુ અહીં એક મહત્વની વાત છે, સ્પેસ મેન્ટેનર ‘બધા’ માટે જરૂરી નથી. દરેક કેસ અલગ હોય છે. જો દાંત પડવાનો સમય નજીક હોય, તો કદાચ કઈ ખાસ કરવાની જરૂર ન પડે. પરંતુ જો દૂધનો દાંત ઘણો વહેલો પડી ગયો હોય, તો આ એક નાનું પગલું ભવિષ્યની મોટી સમસ્યાઓને અટકાવી શકે છે. અને હા, માતા-પિતાની ભૂમિકા અહીં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્પેસ મેન્ટેનર મુકાયા પછી બાળકને ચીકણા અને બહુ કઠણ ખોરાકથી દૂર રાખવું જોઈએ. દાંતની સફાઈ સારી રીતે કરાવવી. ખાસ કરીને સ્પેસ મેન્ટેનરની આસપાસ ખોરાક ફસાઈ ન જાય તેની કાળજી રાખવી. સાથે સાથે, સમયાંતરે પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવવી પણ એટલી જ જરૂરી છે. જેથી બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે અને નવો દાંત પોતાની યોગ્ય જગ્યા પર આવી રહ્યો છે તેની ખાતરી થાય. ઘણા માતા-પિતા એક સામાન્ય ભૂલ કરે છે… ‘હવે તો દાંત પડી ગયો, પછી જોઈશું…’ પરંતુ દાંત પડ્યા પછીનો સમય જ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. કારણ કે આ સમય દરમિયાન લેવાયેલો નિર્ણય નક્કી કરે છે કે આગળ જઈને બાળકને સરળ અને સ્વાભાવિક સ્મિત મળશે કે પછી લાંબી અને જટિલ સારવારની જરૂર પડશે. અંતમાં એક સરળ પરંતુ મહત્ત્વપૂર્ણ વાત... દૂધના દાંતને ક્યારેય ‘મહત્ત્વહીન’ ન માનો. બાળકનો કોઈ દાંત સમય પહેલાં પડી જાય, તો તેને અવગણશો નહીં. સમયસર પીડિયાટ્રિક અને પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટની મુલાકાત લેવાથી, ડોક્ટર યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. યોગ્ય સમયે લેવાયેલું એક નાનું પગલું જેમ કે સ્પેસ મેન્ટેનર બાળકને ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. કારણ કે, સાચવેલી એક નાની જગ્યા… ભવિષ્યનું સુંદર અને નિરાંતે ભરેલું સ્મિત બનાવી શકે છે. Pediatric Dental Fact Of The Day શોધ મુજબ, બાળકોમાં દૂધના દાંતનું સમય પહેલાં પડવું છોકરાઓમાં છોકરીઓની તુલનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, અને આ સમસ્યા ખાસ કરીને આઠ વર્ષની ઉંમરના આસપાસ વધુ જોવા મળે છે.
Read Original Article →