બાળપણ ભીની માટી જેવું:હે મમ્મીઓ! બાળક કોઈ પ્રોજેક્ટ નથી

Magazine5/5/2026, 12:35:00 AM
બાળપણ ભીની માટી જેવું:હે મમ્મીઓ! બાળક કોઈ પ્રોજેક્ટ નથી
સપના નાયક ‘બાળકને શું શીખવ્યું તે કરતા વધુ મહત્વનું છે-તેને આપણે શું અનુભવવા દીધું.’ દરેક બાળક જ્યારે આ દુનિયામાં આવે છે, ત્યારે તે કોઈ સ્પર્ધા કે અપેક્ષાઓ લઈને આવતું નથી. તે માત્ર એક નિર્દોષ હૃદય લઈને આવે છે… જે મળે છે, તેને તે શાંતિથી સ્વીકારી લે છે. બાળપણ ખરેખર ભીની માટી જેવું છે. આપણે જેમ તેને સ્પર્શ કરીએ, જેમ તેને ઘડીએ, તેમ તે આકાર લઈ લે છે. બાળકોને અલગથી શીખવવાની જરૂર પડતી નથી. તેઓ આપણું વર્તન જોઈને જ શીખે છે. જો બાળક સત્ય બોલે અને તેને ઠપકો મળે, તો તે ધીમે ધીમે સત્યથી દૂર જવાનું શીખે છે. જો તેની લાગણીઓને વારંવાર અવગણવામાં આવે, તો તે પોતાની અંદર જ બંધ થવા લાગે છે. અને જો તેને હંમેશાં બીજાઓ સાથે તુલનામાં રાખવામાં આવે, તો તે પોતાને ક્યારેય પૂરતું માનતું નથી. પછી આપણે પ્રશ્ન કરીએ છીએ-આ બાળક આટલો ગુસ્સે કેમ થાય છે? શાંત કેમ રહે છે? પરંતુ આ પ્રશ્નોના જવાબ તેના આજના વર્તનમાં નહીં, પરંતુ તેના ગઈકાલના અનુભવોમાં છુપાયેલા હોય છે. આજના સમયમાં આપણે બાળકોને આગળ વધારવાની ઉતાવળમાં માર્ક્સ, રેન્ક અને સ્પર્ધા પર વધારે ભાર મૂકી દઈએ છીએ. પરંતુ એક સરળ સત્ય આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. બાળક કોઈ પ્રોજેક્ટ નથી, જેને ફક્ત સારી રીતે પૂર્ણ કરવાનો છે. તે એક જીવંત વ્યક્તિ છે, જે ધીમે ધીમે ઘડાઈ રહ્યું છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે બાળકોને ‘જીવન માટે તૈયાર’ કરવાના છે, પરંતુ જીવન માટેની સાચી તૈયારી આપણે જ તેમને આપતા હોઈએ છીએ. આપણે જે રીતે વાત કરીએ છીએ, જે રીતે પ્રતિસાદ આપીએ છીએ, તે જ તેમની અંદર ઊંડે સુધી વસી જાય છે. જો આપણે ફક્ત સફળતા પાછળ દોડતા રહીશું, તો કદાચ આપણે સફળ બાળકો ઊભા કરીશું-પરંતુ શું તે સંવેદનશીલ અને દયાળુ પણ હશે? શું એ સાચા અર્થમાં માનવ હશે? બાળકને પ્રેમ અને સમજ મળે, તો તે આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે. જો તે વારંવાર શંકા અને દબાણ અનુભવે, તો તે પોતાની જાત પર જ શંકા કરવાનું શીખી જાય છે. બાળપણમાં જે વાવીએ છીએ, તે જ ભવિષ્યમાં ફળે છે. એક વાર માટી ઘડાઈ જાય, પછી તેને બદલવી સરળ નથી. એટલે કદાચ હવે સમય છે થોડું રોકાઈ અને વિચારવાનો. આપણે આપણા બાળકોને શું બનાવી રહ્યા છીએ? ફક્ત તેમની સિદ્ધિઓ નહીં, પરંતુ તેમની માનવતા ઘડવાનો સંકલ્પ કરીએ. કારણ કે, સારા માર્ક્સ જીવન સરળ બનાવી શકે, પરંતુ સારો માણસ જ જીવન સુંદર બનાવે છે.
Read Original Article →