હૂંફ:બાળકનો આદેશાત્મક ઉછેર કેટલો યોગ્ય?

Magazine5/26/2026, 12:35:00 AM
ધર્માંશુ વૈદ્ય વર્તમાન યુગ મુક્તિનો યુગ છે. આજનું બાળક ગગન ભણી જુએ ત્યારે ભાવિની બેશુમાર સંભાવનાઓ એની કીકીઓમાં પ્રકટે છે. એકવીસમી સદીના રોમાંચક દોરમાં પ્રવેશી ચૂક્યા પછી પણ કેટલાક ઘરોમાં બંધિયારપણાનો કર્કશ અવાજ સાંભળું ત્યારે ચોંકી જવાય છે. આજે પણ આ પરિવારોમાં પિતા કમાન્ડર અને માતા કંટ્રોલરની ભૂમિકામાં ગોઠવાઈ ગયાં છે. ‘મેં કહ્યું એટલે પૂરું’, ‘મારા ઘરમાં મારી મરજી જ ચાલશે’ - આવાં સરમુખત્યારશાહી વાક્યો વાસ્તવમાં આપણા બળબળતા અહંકારના ઓડકાર સિવાય બીજું કંઈ નથી. આદેશાત્મક ઉછેર (Authoritarian Parenting) બાળકને બહારથી ભલે શિસ્તબદ્ધ દેખાતો ‘રોબોટ’ બનાવે, પણ અંદરથી તો તેને ડરપોક, દંભી અથવા આક્રમક વિદ્રોહી જ બનાવે છે. ડરથી લદાયેલી શિસ્ત એ શિસ્ત નથી, માત્ર દબાયેલો બળવો છે. ઘર એ કોઈ લશ્કરી છાવણી કે પોલીસ-સ્ટેશન નથી જ્યાં સતત આદેશો અને નિષેધોનો એસિડીક વરસાદ વરસતો રહે. ઘર તો સમાનુભૂતિનું પવિત્ર સરનામું છે. હમણાં હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસો છાતી ઠોકીને કહે છે કે જ્યારે બાળક પર સતત ગુસ્સો, ચીસાચીસ કે આદેશોનો મારો થાય, ત્યારે તેના મગજમાં ભય પેદા કરતું કેન્દ્ર એમાયગ્ડાલા (Amygdala) હાઈજેક થઈ જાય છે. પછી મગજ સર્વાઇવલ મોડમાં જતું રહે છે. ડર અને ભયના ઓથારમાં જીવતા બાળકના મગજનો તાર્કિક અને સર્જનાત્મક ભાગ- એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, કદી યોગ્ય રીતે વિકસી શકતો જ નથી. બીજી તરફ, જ્યારે બાળક સાથે સમાનુભૂતિપૂર્વક વર્તવામાં આવે, ત્યારે તેના મગજમાં ઓક્સીટોસિનનો રુદ્રાભિષેક થાય છે, જે બાળકને ભાવનાત્મક રીતે સ્થિર, નિર્ભય અને આત્મવિશ્વાસુ બનાવે છે. બાળક જ્યારે રડે કે જિદ્દ કરે, ત્યારે તેને આપણા જડ ઉપદેશની નહીં, પણ બિનશરતી સ્વીકારની તીવ્ર ભૂખ હોય છે. "આમાં તે વળી રોવાનું શું હોય? તું તો સાવ નાની વાતમાં ઘાંટા પાડે છે!’ - આવો ઓગણીસમી સદીના ગોરા શિક્ષક જેવો ચુકાદો આપીને આપણે તેની લાગણીઓનું અપમાન કરીએ છીએ. તેના બદલે, જો માતા કે પિતા માત્ર આટલું કહે કે, “દીકરા, મને સમજાય છે કે તને આ વાતથી ખૂબ દુઃખ થયું છે.’ તો ત્યાં જ સાચો સંવાદ પ્રગટે છે. આપણે આજ્ઞાંકિત ગુલામો નથી જોઈતા. આપણે સંવેદનશીલ, સ્વતંત્ર અને નિર્ભય મનુષ્યોનું ઘડતર કરવું છે. પીપરમિન્ટ: બાળકને પરિપૂર્ણ નહીં, પણ પૂરેપૂરું સાંભળે એવા માતાપિતા જોઈએ છે.
Read Original Article →