હૂંફ:બાળકની સામે ઝઘડ્યા પછી એકમેકની માફી માગતા પતિ-પત્ની જોયા છે!
ધર્માંશુ વૈદ્ય પતિ અને પત્ની વચ્ચે મતભેદ ન હોય એવું બને ખરું? શક્ય નથી. પણ એ મતભેદ જ્યારે બાળકની હાજરીમાં મહાસંગ્રામમાં પરિણમે ત્યારે શું થાય? ઘરની ચાર દીવાલો વચ્ચે જ્યારે કડવા શબ્દોના બાણ છૂટે છે, ત્યારે એ સીધા બાળકના કુમળા માનસમાં ભોંકાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે બાળક તો જીવતો જાગતો દીવો છે.
બાળકની હયાતી ઘરના વાતાવરણને સતત નીરખે છે અને પોષણ પામે છે. એમાં પણ જ્યારે બે મોટા માણસો પોતાના અહંકાર ખાતર લડે, ત્યારે કોઈક નાનો જીવ ખૂણામાં સંકોચાઈને અંદરથી મરી રહ્યો હોય છે.
આ કોઈ ભાવનાત્મક વાત નથી, પણ નક્કર વાસ્તવિકતા છે. આ વાતના પડઘા અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમના મનોવિજ્ઞાની ડૉ. ઇ. માર્ક કમિંગ્સના અભ્યાસમાં પણ સંભળાય છે. તેમના સંશોધન અનુસાર બાળકો ઘરમાં ઇમોશનલ બેરોમીટર તરીકે વર્તે છે. માતાપિતાનો ઝઘડો બાળકના મનમાં ભૂકંપ સર્જે છે અને તેની ભાવનાત્મક સુરક્ષા (Emotional Security) છીનવી લે છે.
આવું બાળક અતિશય પીડા અને સ્વીકૃતિની ઝંખનામાં જીવે છે અને ઘણીવાર ખોટી સંગતમાં ફસાઈ જાય છે.
આ ઉપરાંત સતત કલહવાળા વાતાવરણમાં રહેતા બાળકોના મગજમાં ટોક્સિક સ્ટ્રેસ એટલે કે ઝેરી તણાવ ઉત્પન્ન થાય છે. આ અદ્રશ્ય તણાવ મગજની ન્યુરલ સર્કિટનો વિકાસ રુંધી નાખે છે. પરિણામે બાળકનું મગજ હંમેશા હાઇપર-વિજિલન્ટ મોડમાં રહે છે, જાણે તે સતત કોઈ યુદ્ધના મેદાનમાં જીવતું હોય!
સરવાળે, તે ભવિષ્યમાં કાં તો અતિશય આક્રમક બને છે અથવા તો સાવ ડરપોક અને લઘુતાગ્રંથિથી પીડાતો યુવાન બની જાય છે.
ઘણીવાર આવા બાળકો મોટી ઉંમરે સારા વખતમાં પણ સતત નકારાત્મક વિચારોથી ગ્રસાયેલા રહે છે અને જીવનનો આનંદ માણવાનું ચૂકી જાય છે. આમ, પતિ-પત્નીના ઝઘડામાં બાળકની નિર્દોષતાનો ખો નીકળી જાય છે.
જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો જાગૃત પેરેન્ટિંગ રામબાણ ઈલાજ છે. દંપતી વચ્ચે ઝઘડવું એ કોઈ ગુનો નથી, પણ બાળકની સામે અસંસ્કારી રીતે ઝઘડવું અને મર્યાદા ચૂકવી એ ચોક્કસ ગુનો છે, જેની સજા બાળકને પણ ભોગવવી પડે છે.
એમાં પણ જો ભૂલથી ક્યારેક ઝઘડો થઈ પણ જાય, તો બાળકની સામે જ એકબીજાની માફી માગીને તેનું સુખદ સમાધાન કરવું ફરજિયાત છે.
ઘણા માતાપિતા બાળકને બીજા રૂમમાં મોકલી અથવા પોતે ઘરની બહાર ક્યાંય દૂર જઈને ઝઘડે છે અને બાળક સામે પોતાનો નકાબી સંબંધ જાળવી રાખે છે.
આવા ઘરોમાં ઉછરેલું બાળક પ્લાસ્ટિકનું ફૂલ બને છે, જેમાંથી સુગંધની અપેક્ષા હમેંશાં ઠગારી નીવડે છે.
પીપરમિન્ટ આવ દીકરી, તારી આંખોમાં ભરું હું તારલાની રજ...અને દેખાડું તારું ભીતરનું ખમીર.
Read Original Article →