એકબીજાને ગમતાં રહીએ:બાળક વહાલું હોય, પણ એનું ગેરવર્તન ચલાવી ન લેશો

Magazine6/9/2026, 12:35:00 AM
એકબીજાને ગમતાં રહીએ:બાળક વહાલું હોય, પણ એનું ગેરવર્તન ચલાવી ન લેશો
પારિવારિક પ્રસંગોમાં કે જ્યારે બધા એકઠાં થયા હોય ત્યારે કેટલાંક બાળકો ટેન્ટ્રમ અથવા ત્રાગું કરે છે. ભોજન નથી ભાવતું, ભાઈ કે બેને માર્યું, કોઈ રમાડતું નથી, ઊંઘ આવે છે, જેવાં અનેક અર્થહીન બહાના હેઠળ કેટલાંક બાળકો ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. પરિવાર ઘણા સમયે મળ્યો હોય, એટલે સ્વાભાવિક રીતે જ માતા-પિતા સૌ સાથે વાતો કરવામાં વ્યસ્ત હોય અથવા પ્રસંગને માણતાં હોય, એવા સમયે બાળક આવાં ટેન્ટ્રમ કરે-રડે, ખાવાની ના પાડે અથવા ‘ઘરે ચલો’ની જીદ પકડે ત્યારે પરિવારના ઘણા લોકો એમ માને છે કે, માતા-પિતાએ બાળકોને બગાડ્યા છે. કેટલાક વડીલો તો વળી પોતાનો સમય યાદ કરીને ‘એકાદ લગાવવાની’ સલાહ પણ આપી બેસે... પરંતુ, આજના બાળકો એટલે કે, 2015 પછી જન્મેલી પેઢી જે આજે 10-11 વર્ષની છે તે, અથવા એમનાથી નાના બાળકો માતા-પિતાના પેમ્પર કરવાથી કે લાડ કરવાથી બગડ્યા નથી. એમને કોઈએ બગાડ્યા હોય તો એ સેલફોન અને સોશિયલ મીડિયા છે. આ વાત કદાચ વધારે પડતી લાગે, પરંતુ જે લોકો પોતાના ઘરમાં પૌત્ર કે પૌત્રીને ઉછરતાં જોઈ રહ્યા છે એ અથવા અડોશપડોશમાં, પરિવારમાં બાળકોને મોટાં થતાં જોઈ રહ્યા છે એ સૌને જાણ છે કે, આજની મા પાસે ધીરજ નથી અને આજના પિતા પાસે સમય નથી (આ જનરલ અવલોકન છે. આનાથી જુદા માતા-પિતા હોઈ જ શકે છે.) બાળકને જમાડતી વખતે નાની-મોટી વાર્તા કહેવી, ક્યારેક બાળક સાથે રમવું, એના નાના આશ્ચર્યોને વહેંચવા જેવી પ્રવૃત્તિ હવે મમ્મી કરતી નથી. બે વર્ષનું બાળક પણ પોતાનું આઈપેડ ધરાવે છે. જેના ઉપર એ બાળક નર્સરી રાઈમ્સ કે પંચતંત્રની વાર્તાઓ એનિમેશનમાં જુએ છે. જેમ ઉંમર મોટી થતી જાય તેમ આઈપેડના સ્ક્રીનનો સમય વધતો જાય છે અને જોવાનું કોન્ટેન્ટ બદલાતું જાય છે. શીન ચેન, જેવાં પાત્રો બાળકોને તોછડા થતા અને માતા-પિતાની મજાક ઉડાવતા શીખવે છે. બીજા યુટ્યુબર અને કોન્ટેન્ટ ક્રિએટર પણ પ્રેન્ક્સ, ચેલેન્જ, ગાળો, અપમાન અને આક્રમક વ્યવહાર શીખવે છે. કેટલાક કોન્ટેન્ટ ‘રીચ ક્વિક’ જેવી લાઈફ સ્ટાઈલ બતાવીને બાળકોને ખોટી દિશામાં દોરે છે. સ્કેમ, મિસ ઈન્ફર્મેશનની સાથે સાથે આજના સમયમાં જે સૌથી ખતરનાક બાબત છે એ વિલનને વધુને વધુ ગ્લેમરાઈઝ કરવાની પ્રવૃત્તિ છે. હર્ષદ મહેતા, મટકા કિંગ રતન ખત્રી, હાજી મસ્તાન અને દાઉદ જેવા પાત્રોને ઐશ કરતાં, એમનો પાવર બતાવતા અને લોકોને ડરાવતા, ધમકાવતા જોઈને બાળકો એ જ શીખે છે. એમને લાગે છે કે આ જ સત્ય છે અને આવી રીતે પાવર કરવાથી જ જગતમાં જીવી શકાશે. વાત સાવ નકામી છે, પરંતુ જો આપણે નોંધ લઈએ તો સમજાય કે છેલ્લા થોડા સમયથી યુવા પેઢીમાં જે તોછડાઈ આવી છે એનું કારણ આવા પ્રકારનું કોન્ટેન્ટ છે, જેનાથી બાળકોને ખોટી વસ્તુઓ તરફ આકર્ષવાની એક પ્રવૃત્તિ ચાલે છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે, આપણે ગંભીરતાથી લેતા નથી, પરંતુ બાળ માનસ ઉપર કેટલીક વસ્તુઓની અસર બહુ લાંબા સમય સુધી રહે છે. નાના બાળકો જ્યારે ખોટી વસ્તુઓનું અનુકરણ કરે છે ત્યારે વડીલો હસે છે. તોફાન કરતાં, તોછડા બની ગયેલા, કોઈકનું અપમાન કરતા કે ખરાબ વર્તતા બાળકોને અટકાવવાને બદલે વડીલો એમનો બચાવ કરે છે એટલું જ નહીં, એમની આ પ્રવૃત્તિને બીજાઓની સામે એવી રીતે રજૂ કરે છે જાણે કે, એમણે કોઈ મહાન કામ કર્યું હોય. બાળકને લાગે છે કે, પોતે જે કંઈ કરે છે એ બહુ રસપ્રદ અને મજાની બાબત છે. આવું કરવાથી એ સૌનું ધ્યાન ખેંચી શકે છે, સૌ એના વિશે વાતો કરે છે અને સૌ એના વખાણ કરે છે, આ સત્ય નથી, પરંતુ બાળ માનસને લાગે છે કે, ધ્યાન ખેંચવાનો આ સરળ રસ્તો છે. ધીરે ધીરે ધ્યાન ખેંચવાની આ પ્રવૃત્તિ એટલી બધી વધી જાય છે કે, પારિવારિક પ્રસંગોમાં સહુ હાજર હોય ત્યારે સૌએ પોતાને જ સાંભળવા પડે, એમની જ વાત કરવી પડે, એમને જ અટેન્ડ કરવા પડે એવી પરિસ્થિતિ ઉભી થાય છે. જો એમના પર ધ્યાન ન આપી શકાય અથવા એમનું ધાર્યું ન થાય તો આવા બાળકો ટેન્ટ્રમ અને ત્રાગાં કરે છે. માતા-પિતા તરીકે જો એક સારો ઉછેર આપવા માગતા હો તો તમારા બાળકના આવા ટેન્ટ્રમ, રડારોળ, જીદ કે કારણ વગરના ત્રાગાં સામે નમશો નહીં. બાળક થોડી વાર રડે કે કદાચ બે-ત્રણ કલાક ન ખાય તો એનાથી બહુ મોટું નુકસાન નહીં થાય, પરંતુ જો એને એવી ટેવ પડી જશે કે એના રડવાથી, ત્રાગાં કરવાથી માતા-પિતા એને જે જોઈએ તે આપી દે છે અથવા જે કરવું તે કરવા દે છે-ગમે તેવા ખરાબ વર્તન પછી પણ એને કોઈ વઢતું નથી... તો એનું જીવન બરબાદ થઈ જશે.
Read Original Article →