હૂંફ:હજી સમય છે બાળકને થોડોક કંટાળો સહન કરતા શીખવવાનો

Magazine4/14/2026, 12:35:00 AM
હૂંફ:હજી સમય છે બાળકને થોડોક કંટાળો સહન કરતા શીખવવાનો
ધર્માંશુ વૈદ્ય આજનો સમય સ્ક્રીનટાઇમનો છે. એક સમય હતો, જ્યારે બાળપણ માચીસના ખોખાની છુકછુક ગાડીથી શરૂ થતું અને નવો વેપાર અને સાપસીડી જેવી રમતોમાં મોજ પામતું. એ વખતમાં મેદાન પર છોલાતા ઘૂંટણ બાળપણનું શૂરાતન ગણાતા અને વેકેશનની સાંજે ધાબા પર જામતી ભેરુઓ સાથેની મસ્તી આખા વર્ષનું જોમ પૂરું પાડતી. હવે ઓચિંતો કોઈ ગેબી સન્નાટો આપણા ઘરોમાં પ્રવેશી ચૂક્યો છે. આજનું બાળક સોફા પર બેસીને સ્માર્ટફોનની સ્ક્રીન ઘસ્યા કરે છે અને મંદમંદ હસ્યા કરે છે. એ સાચું કે આજે આંગળીના ટેરવે આખું જગત આવી ગયું છે, પણ આ ડિજિટલ માયાજાળમાં આપણું પોતાનું સંતાન ક્યાંક ખોવાઈ તો નથી ગયું ને? તકલીફ એ છે કે આજના બાળક માટે રોમાંચ હાથવગો બની ગયો છે. આ રોમાંચને આજનું વિજ્ઞાન ડોપામાઇન કહે છે, જે હકીકતમાં તો મગજને મળતો છૂપો નશો છે. ઋતાબહેનનો ચિંટુ કે રમા કાકીની મીના ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર રીલ્સ જુએ છે, ત્યારે માત્ર 15 સેકન્ડમાં જ એમના મગજમાં આ ડોપામાઇનની બાણગંગા ફૂટે છે, જે સરવાળે તેમને નવો વીડિયો જોવા મજબૂર કરે છે. વિખ્યાત ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. એન્ડ્ર્યુ હ્યુબરમેનના મતે ખૂબ જ સહેલાઈથી અને સતત મળતું ડોપામાઇન બાળકના મગજની બેઝલાઈન વિખેરી નાખે છે. સાદી ભાષામાં કહું તો જે કામમાં થોડીક મહેનત કરવી પડે, જેમ કે પુસ્તક વાંચવું કે ગણિતનો દાખલો ગણવો કે પછી માત્ર શાંત બેસી રહેવું, આ બધું બાળકને અતિશય કંટાળાજનક લાગવા માંડે છે. આ સાથે જ્યારે બાળકને સોશિયલ મીડિયાની પોસ્ટ પર બહુ બધી લાઈક્સ કે કોઈ સારી કોમેન્ટ મળે, એટલે તરત તેના મગજનો એ જ હિસ્સો ઉત્તેજિત થઈ જાય છે જે તમાકુ ચાવતી વખતે કે જુગાર રમતી વખતે કોઈ મોટેરાનો થાય. આ વાતનો સીધો અર્થ એ થયો કે મોબાઈલ એડિક્શન હવે ભયંકર મનોરોગ બની ગયો છે. તો આ મહાસમસ્યાનો ઉકેલ શું? જવાબ છે, ડોપામાઇન ડિટોક્સ. હવે સમય પાકી ગયો છે કે આપણે બાળકને અઠવાડિયામાં કમ સે કમ એક દિવસ સંપૂર્ણ સ્ક્રીન-ફ્રી વાતાવરણ આપીએ. એને થોડોક કંટાળો સહન કરતા શીખવીએ. આ કંટાળો તો સર્જનનો વાહક છે. જ્યારે મગજને બહારથી સરળતાથી ડોપામાઇન નહીં મળે, ત્યારે તે પોતાની જાત સાથે સંવાદ કરતા શીખશે અને કશુંક નવું કરવા પ્રેરાશે. શરૂઆત માતાપિતાએ જ કરવી પડશે. જો ડાઇનિંગ ટેબલ પર પિતાના હાથમાં સ્માર્ટફોન હશે અને માતા ઇન્સ્ટાગ્રામ પર વ્યસ્ત હશે, તો બાળક ક્યારેય પુસ્તક હાથમાં નહીં લે. કેમ કે બાળકને આપણા શબ્દો કરતા વર્તનમાં રસ છે. એટલે જ ખરું ડિજિટલ ડિટોક્સ તો બાળકનું નહીં, પણ મા-બાપનું કરવું પડે એમ છે. જ્યારે ઘરના મોટેરાઓ પોતાની મોંઘેરી એકાગ્રતા વેડફતા અટકશે, ત્યારે બાળક આપોઆપ એમને અનુસરશે. કારણ કે બાળક આજની જે તો આવતીકાલ છે. પીપરમિન્ટ: એના પિતાની જેમ જ એ બારીમાં બેસતો થયો.
Read Original Article →