પાંચમો વેદ:મારી ઉંમર 47 વર્ષ છે, 2 વર્ષ પહેલા માથામાં ટાંકા આવ્યા હતા ત્યારથી અચાનક ઉપર કે નીચે જોઉં ત્યારે ચક્કર આવે છે

Magazine5/12/2026, 12:35:00 AM
પાંચમો વેદ:મારી ઉંમર 47 વર્ષ છે, 2 વર્ષ પહેલા માથામાં ટાંકા આવ્યા હતા ત્યારથી અચાનક ઉપર કે નીચે જોઉં ત્યારે ચક્કર આવે છે
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: કિડનીની આયુર્વેદિક સારવાર માટે ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ? કઈ દવા લેવાય? { અશ્વિન પ્રજાપતિ ઉત્તર: કિડનીની સમસ્યા આયુર્વેદના મતે મુખ્યત્વે મૂત્રવહ સ્રોતસની સમસ્યા છે. કિડનીના રોગોમાં ખારું (મીઠું-સોલ્ટ), કઠોળ - વધારે પ્રોટીનવાળો ડાયેટ અને તળેલું ઓછું લેવું. કિડનીના રોગની કંડીશન મુજબ પાણી પણ ડોક્ટરની સલાહ મુજબ જ પીવું જોઈએ. જવ, કળથીનો સૂપ, ધાણાનું પાણી, નાળિયેર પાણી, મગ, દુધી, તુરીયા ફાયદો કરે. ગોક્ષુર, પુનર્નવા, વરુણ જેવી દવાઓ ઉપયોગી છે, પરંતુ કિડનીના અઘરા રોગમાં જાતે અખતરા કરવાને બદલે ક્વોલીફાઈડ વૈદ્યની સલાહથી જ સારવાર કરાવશો. હવે તો આયુર્વેદમાં પણ કિડનીના નિષ્ણાત વૈદ્યો (સ્પેશ્યાલીસ્ટ) પ્રેકટીસ કરે છે. પ્રશ્ન: મારી ઉંમર 47 વર્ષ છે. મને 2 વર્ષ પહેલા માથામાં સ્ટિચીસ આવ્યા હતા. ત્યારથી અચાનક ઉપર કે નીચે જોઉં ત્યારે ચક્કર આવે છે. આ માટે શું ઉપાય કરવો? { વૈશાલી જોશી ઉત્તર: ઉપર-નીચે જુઓ ત્યારે ચક્કર આવવું તેને સામાન્ય રીતે વર્ટિગો કહી શકાય. તમારા કેસમાં અગાઉ માથામાં ઈજા થયેલી હોવાથી ન્યુરોલોજીને લગતી સમસ્યા પણ હોઈ શકે. આયુર્વેદ મુજબ આ સ્થિતિ વાતના પ્રકોપ તરીકે જોવામાં આવે છે. આવા કેસમાં રૂબરૂ તપાસ કર્યા પછી જ કોઈ સુચન કરી શકાય. જરૂર પડેતો CT scan કે MRI કરાવીને સાચું નિદાન કરવું પહેલું કામ છે. હાલ પુરતું તમે ઉપાય તરીકે માથાને અચાનક હલાવશો નહીં કે ઝાટકો લાગે તેમ કરશો નહીં, ઉઠવા-બેસવાનું ધીમે રાખશો. જો ચક્કર વધુ હોય તો ENT અથવા ન્યુરોલોજી ચેકઅપ પણ કરાવશો. કોઈ ઘરગથ્થું અખતરા કરશો નહીં. પ્રશ્ન: મારી ઉંમર 69 વર્ષ છે. મને ગોઠણમાં દુખાવો રહે છે અને ચાલતાં થાક લાગે છે. શું કરવું?{ શશીકાંત કાગરાણા ઉત્તર: સામાન્ય રીતે ગોઠણમાં દુખાવો બે અલગ અલગ સ્થિતિમાં થતો હોય છે. સંધિવાત અને આમવાત (ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અને રૂમેટોઇડઆર્થ્રાઇટિસ). બંને વાયુના કારણે થતા રોગ છે. છતાં બંનેની સારવાર એકબીજાથી તદ્દન વિરુદ્ધની હોય છે. ઉંમર વધતાં સંધિઓમાં સ્નિગ્ધતા ઘટે છે, તેથી દુખાવો અને થાક વધે છે. કેટલીક વાર સોજો પણ રહેતો હોય છે. આજકાલ બજારમાં ગોઠણના દુખાવા માટેની અનેક દવાઓ મળે છે, તેની બહુ બધી જાહેરાતો થાય છે. પણ એવી રીતે આડેધડ દવાઓ ખાઈને કે માલીશ–શેક કરીને કેટલાને આરામ થાય છે એ તપાસનો વિષય છે. સૌ પહેલાં સાચું નિદાન કરવા માટે જરૂરી હોય તો ઘૂંટણનો x-ray કરાવી લો. પછી જ દવાઓ કે સારવારનું વિચારશો. સંધિવાત બહુ કોમન રોગ છે, જેમાં ઘૂંટણના સાંધામાં રેહલી ગાદીમાં ઘસારો થાય છે. એમાં મેથી, લસણ, સરગવો, પારિજાતના પ્રયોગો અને દિવેલ કે તલ તેલનું માલીશ કે પેઈનકીલર ટયુબનો ઉપયોગ કામચલાઉ રાહત આપે છે. સાચી કસરતો પણ ફાયદાકારક બને. ડોકટરો પણ માને છે કે દરેક કિસ્સામાં ઘૂંટણની સર્જરી જરૂરી નથી હોતી. આયુર્વેદની એક-બે અઠવાડિયાની (પંચકર્મ અને અન્ય) સારવારથી પણ આરામ મળી શકે છે. પ્રશ્ન: ચા ક્યારે અને કેટલી માત્રામાં પીવી યોગ્ય ગણાય જેથી શરીર પર વિપરીત અસર ન થાય?{ બૈજુ ત્રિવેદી ઉત્તર: સામાન્ય રીતે દિવસમાં 1–2 કપથી વધુ ન લેવી. ખાલી પેટે ચા પીવી ટાળવી, કારણ કે તે પાચન-અગ્નિ બગાડે અને એસિડિટી, ગેસ જેવી તકલીફ વધારી શકે. ચા નાસ્તા પછી અથવા મધ્યાહ્નમાં લેવાય તો સારું. સાંજે મોડે અથવા રાત્રે ચા પીવાથી ઊંઘ પર અસર પડે છે. વધુ ચા પીવાથી વાત-પિત્તનો પ્રકોપ, ચિંતા, હાર્ટબીટ વધવું, ઊંઘની તકલીફ થઈ શકે. વધારે ખાંડ કે વધારે મસાલો કે આદું નાખેલી ચા ટાળવી. જો વધારે ચા પીવાની આદત હોય તો આદુ-તુલસીની હર્બલ ચા પીવી વધુ યોગ્ય છે. પ્રશ્ન: મને વારંવાર ખાંસી રહે છે. મારી ઉંમર 24 વર્ષ છે. ખાંસીના લીધે ભણવામાં પ્રોબ્લેમ્સ થાય છે. એન્ટીબાયોટિક દવાઓ લેવી નથી. શું કરવું?{ નિશા દલાલ ઉત્તર: સામાન્ય રીતે વાયુ અને કફનો પ્રકોપ, નબળું પાચન (અગ્નિ)ને લીધે વારંવાર ખાંસી રહે છે. કેટલીક વાર એલર્જીક ખાંસી પણ હોઈ શકે. તમારે નિદાન માટે એલર્જી, સાઇનસ અને ફેફસાં-શ્વાસ માર્ગની તપાસ, અને જરૂર પડે તો બ્લડ ટેસ્ટ કરાવવો પડે. મૂળ કારણ મળે પછી જ સાચી સારવાર થઇ શકશે. ત્યાં સુધી ઠંડું, દહીં, આઈસ્ક્રીમ, તળેલું અને વધારે ગળ્યું લેશો નહીં. રોજ સવારે અને સાંજે તુલસી-આદુનો ઉકાળો લો. રાત્રે હળદરવાળું નવશેકું દૂધ પીવું. જેઠીમધ કે ઈલાયચી ચુસવાનું રાખશો. સાચું નિદાન થાય એટલે જણાવશો, જેથી સાચી સલાહ આપી શકાય.
Read Original Article →