સુનામી:નવી પેઢીની યુવતીઓનું સૂત્ર: પહેલા કરિયર, પછી વર
જે મહિલાઓ પોતાનાં પગ પર અડીખમ ઊભી છે, જે પોતે સારું એવું કમાઇ લે છે, જેની પાસે પોતાનું ઘર-ઓફિસ-ફાર્મ હાઉસ છે, જે પોતાનાં નિર્ણયો પોતાની જાતે લઇ શકે છે, બીજાની જજમેન્ટલ વૃત્તિ જેનાં પેટનું પાણી નથી હલાવી શકતી-એવી મહિલાઓ પોતે સ્વતંત્ર રહી શકે એ કારણોસર લગ્ન કરવાનું માંડી વાળે?
મોના સિંહે હમણાં એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે-‘2030 પછી મહિલાઓની લગ્ન માટેની પરિભાષા બદલાઇ જશે. સમાજની લગ્ન માટેની સોચ બદલાઇ જશે-સ્વતંત્ર સ્ત્રીઓ લગ્ન નહીં કરે!’ મોના સિંહનું આ બયાન આમ તો અમેરિકાનાં એક રિપોર્ટ પર આધારિત છે-આ રિપોર્ટમાં ભારતનો ડેટા નથી.
ભારતમાં લગ્ન સંસ્થાને મરી પરવારવાની હજી ઘણીવાર છે-પણ લગ્ન સંસ્થામાં બદલાવની શરૂઆત ચોક્કસ થઇ ગઇ છે. આપણે ત્યાં પહેલા બાવીસ-ત્રેવીસ કે છવ્વીસ વર્ષની ઉંમરે લગ્ન થઇ જતા હતા હવે ઘણી છોકરીઓએ પહેલા કરિયર-પછી વરનું સૂત્ર અપનાવી લીધું છે. કરિયરને પ્રાધાન્ય આપતી આજની છોકરીઓ-આજની પેઢી સ્વતંત્ર રહેવા માગે છે, જવાબદારીથી દૂર ભાગે છે એટલે લગ્નની ના પાડી દે છે એવું આપણે માની લીધું છે-પણ વાત થોડી જુદી છે.
આજની પેઢી લગ્નથી દૂર ભાગી રહી છે-લગ્ન ટાળી રહી છે કારણ કે આપણે લગ્નસંસ્થાને અપગ્રેડ કરી નથી. આપણે હજીપણ એ જ જૂની-પુરાણી લગ્ન સંસ્થાની કેસેટ વગાડ્યા કરીએ છીએ. આપણે ત્યાં હજીપણ લગ્ન બે વ્યક્તિની વચ્ચે થવાને બદલે બે પરિવાર વચ્ચે થાય છે. આપણે ત્યાં હજીપણ સાસુ એવું જ માનતી રહે છે કે-વહુ આવે એટલે મારી જવાબદારી પૂરી....આપણે ત્યાં હજીપણ મા-બાપ એવું માનતા રહે છે કે-દીકરી પરણીને સાસરે ચાલી જાય એટલે અમારી જવાબદારી પૂરી...આપણે ત્યાં હજીપણ ઘણાં છોકરા-છોકરીઓ એવું માનતા રહે છે કે-લગ્ન કરી લઇએ એટલે યુવાનીની જવાબદારી પૂરી.
આપણે લગ્ન જવાબદારીઓ પૂરી કરવા, જવાબદારીઓ વહેંચવા કરીએ છીએ પણ સહજીવન માટે કરતા નથી. એકલા રહીને કંટાળો આવે છે એટલે લગ્ન કરી લેવાનાં કે એકલા રહી મેસનું જમવું પડે એટલે લગ્ન કરી લેવાનાં કે બહેનપણીનો પતિ આવી ગયો એટલે આપણો પતિ પણ આવી જ જવો જોઇએ કે મંજૂબેનનો દિકરો પરણી ગયો એટલે આપણો દીકરો કુંવારો રહી જાય એ ના ચાલે કે બહુ વખતથી ઘરમાં લગ્ન જેવો પ્રસંગ નથી આવ્યો એટલે લગ્ન કરી લેવા જોઇએ-આવા વગેરે-વગેરે કારણોસર લગ્ન થવાનાં હોય તો લગ્ન સંસ્થા મરી પરવારવી જોઇએ અને આજે જ મરી પરવારવી જોઇએ. લગ્ન એ સહજીવન છે. બે વ્યક્તિઓ વચ્ચે પચાસ ટકાનાં હિસ્સે વહેંચાયેલું સહજીવન. આ સહજીવન ક્યારેક પંચોતેર અને પચ્ચીસ કે ક્યારેક સાઇઠ-ચાળીસ કે ક્યારેક પંચ્યાશી-પંદર ટકાનાં હિસ્સે પણ વહેંચાઇ શકે. ક્યારે-ક્યાં અને કયા સમયે કેટલું વહેંચાવું એનો નિર્ણય સહજીવન ભોગવતા બે વ્યક્તિઓ સિવાયની ત્રીજી વ્યક્તિ લેવા જાય તો લગ્ન જોખમમાં મૂકાઇ જાય.
આજની પેઢી જવાબદારીમાંથી ભાગે છે એટલા માટે લગ્ન કરવા નથી માગતી એવું કહેવાને બદલે આજની પેઢી કોની જવાબદારી લેવી અને કોની ન લેવી એનો નિર્ણય સમજી વિચારીને કરવા માગે છે એવું કહીએ તો ખોટું નથી. લગ્નથી દૂર ભાગતી આજની પેઢીએ પણ એક વાત સમજવાની જરૂર છે કે-લગ્ન બંધન નથી-લગ્ન તમને એકબીજા પરની ઓથોરિટી આપે છે-જો આ ઓથોરિટી તમે માલિકીભાવ કેળવ્યા વિના ભોગવો તો લગ્નથી વધારે સુંદર ચીજ બીજી કોઇ નથી.
લગ્ન સંસ્થાને અપગ્રેડ કરવી હોય તો સૌથી પહેલા લગ્ન પાસે રખાતી અપેક્ષાઓને બદલવી પડશે. પુરૂષ સ્ત્રીની આર્થિક જવાબદારી ઉપાડી લે અને સ્ત્રી પુરૂષનાં ઘરની જવાબદારી ઉપાડી લે-એવું પહેલેથી નક્કી કરવાનું માંડી વાળો. બે જણને એકબીજાની કઇ જવાબદારીઓ લેવી એમને નક્કી કરવા દો.
આપણે જો લગ્ન સંસ્થાને અપગ્રેડ નહીં કરીએ તો બે વ્યક્તિ વચ્ચે ત્રીજો ખૂણો રચાતો રહેશે-આ ત્રીજા ખૂણાનાં બળે ક્યારેક લગ્ન ટકી જશે તો ક્યારેક લગ્ન તૂટી પણ જશે. બાકી-બે વ્યક્તિને સાથે જીવવા એક છતની જરૂર ઊભી ના થાય એવી સ્થિતિ લગ્ન સંસ્થા માટે ભયાવહ સાબિત થઇ શકે છે.
Read Original Article →