એકબીજાને ગમતાં રહીએ:ભજન જેમિંગઃ નવી પેઢીના ભક્તિસૂત્રો
છેલ્લા થોડા સમયથી ‘ભજન જેમિંગ’નો ટ્રેન્ડ વધુને વધુ લોકપ્રિય થતો જાય છે. 18થી 35ની વચ્ચેના યુવાનો એકઠા થઈને આપણા ભજનોને સ્મરે છે, ગાય છે. એ ભજનો ઉપર નૃત્ય કરે છે... જૂની પેઢીના કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે કે, ‘ધર્મ વિસરાતો જાય છે’ પરંતુ, સત્ય તો એ છે કે નવી પેઢીએ ધર્મની નવી વ્યાખ્યા લખી છે.
કર્મકાંડ, પૂજા કે દીવો નહીં, પણ શબદની આરાધના! આપણા ભજનોમાં રહેલા ભાવના વારસાને આ પેઢી સજીવન કરી રહી છે ત્યારે આ ભજન જેમિંગ નવી પેઢીને ધર્મની નવી ફિલોસોફી સાથે જોડવાનું કામ કરી રહ્યાં છે. શું છે આ ભજન?
મોડી રાત્રે કોઈ ગામડામાંથી પસાર થવાનું બન્યું છે? સવાર પડવાની હજી વાર હોય ને રાત પડ્યાને ઘણો સમય વિતી ગયો હોય... શહેરમાં જે તારા નથી દેખાતા એવા અસંખ્ય તારાઓથી આકાશ ભર્યું હોય, ઠંડો પવન વાતો હોય અને આખું ગામ ઉંઘી ગયું હોય ત્યારે એકાદ મંદિરના ઓટલે, કોઈ ચોરા પર, ઘરની ઓસરીમાં ગોળ કુંડાળું વળીને થોડા લોકો બેઠા હોય. અદભૂત અવાજમાં ભજન ગવાતું હોય. એકતારો, મંજિરા અને તબલાના તાલે ઈશ્વરને યાદ કરવામાં આવે ત્યારે લાગે કે આપણે મંદિરોમાં, તીર્થસ્થાનોમાં ઈશ્વરને ખોઈ બેઠા છીએ. લોકભાષા અને સરળ શબ્દોમાં ગવાતાં ભજનો જીવનની સાદી સમજ અને ઈશ્વર અંગેની જે ફિલોસોફી સમજાવે છે એ ભલભલા સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનથી પણ સમજાતું નથી! આપણા જૂના ભજનીકો, જેમણે આપણને ભજનવાણીનો વિરાટ અને ભવ્ય વારસો આપ્યો છે એને આપણે આપણા પછીની પેઢી સુધી પહોંચાડી શક્યા નથી, પરંતુ એમણે એમની રીતે આ ભજનોને શોધી કાઢ્યા છે... પોતાના નવા ભજનો રચ્યાં છે, જૂના ઢાળમાં જૂના સંગીત સાથે જ ગવાય તો એ સાચાં, એવું માનનારા લોકો માટે આ ચેલેન્જ છે-પરંતુ, નવી પેઢીએ પોતાની રીતે આપણી ભજનવાણીને જીવનમાં ઉતારવાની એક નવી શરૂઆત કરી છે ત્યારે આપણા પૌરાણિક ભજનો અને એ ભજનોને રચનાર કેટલાક અદભૂત ચરિત્રોને યાદ કરવા જોઈએ.
ગોરખનાથ, પિપાજી ભગત, ધર્મદાસ, ભાણસાહેબ, મોરારસાહેબ, દાસીજીવણ, પ્રીતમ, મીઠો, તિલકદાસ, દયાનંદ, નિષ્કુણાનંદ, દેવાયંત પંડિત, અરજુન ભગત, ગંગાસતી, મીરાંબાઈ, નરસિંહ મહેતા અને રોખડિયા સુધીના નામ આ ભજનવાણીના આરાધકોમાં લેવા પડે. એ સિવાય પણ ઘણા એવા લોકો છે જેમના ભજન શ્રુતિ અને સ્મૃતિ દ્વારા સચવાયા છે, પણ એમના નામ આપણે જાણતા નથી.
આગ મિલા કર એરણ થાપી ઘડિયા તાર મિલાયા
નૂરત સૂરતકી નળિયું મિલા કે ઉલટા પવન ચલાયા
નવમી સદીમાં ગોરખનાથ થયા હતા. એમણે યોગસાધના અને જીવન જીવવાની આગવી કળાનો પ્રચાર કર્યો. અનેક સંત કવિઓએ એમની ગોરખવાણીમાંથી પ્રેરણા મેળવી છે.
શરીર અને પંચમહાભૂત અલગ નથી. અગ્નિ જ્યાં સુધી પ્રદિપ્ત છે ત્યાં સુધી જીવન છે. જે ક્ષણે અગ્નિ ઠંડો પડે છે એ ક્ષણે શરીર પણ ઠંડું પડી જાય છે. સૂર્ય અને ચંદ્રના મિશ્રણથી આ દેહનો આકાર ઘડાયો છે. એરણ (લોઢું તપાવવાની) રૂપિ દેહ પર સતત હથોડા મારી મારીને આ દેહને ઘડ્યો છે. દેહમાં તાર જેવી ઝીણી ઝીણી નસો-નાડીઓને વિખેરી છે. નૂરત અને સુરત (નિરતી એટલે પરમબ્રહ્મને પામવાની લગની) અને (સૂરતિ એટલે ધ્યાનમાં પરમાત્માનું સ્મરણ). આપણા ઈશ્વર પરત્વેના જોડાણથી પ્રાણ જ્યારે મસ્તક તરફ પ્રયાણ કરે છે ત્યારે પીડા અને પિંગલા નાડીને રોકીને સુષુમ્ણા નાડીના માર્ગથી (ઉલ્ટા પવન) પ્રાણવાયુ પ્રવેશે ત્યારે નાડીની શુધ્ધિ થાય છે.
***
કબીરના મુખ્ય શિષ્ય હતા ધરમદાસ. ગુજરાતની મંડળીઓમાં ધરમદાસના ભજનો ખૂબ જાણીતા છે.
અલખ પુરુષે જબ કીયા વિચારા લખ ચૌરાસી ધાગા ડારા
પાંચ તત્વકી ગોદડી બનાયા ત્રણ ગુણસે ખૂબ સજાયા
જ્યારે પરમતત્વએ જીવન નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે લાખ ચોર્યાસી અવતારોને એક તારમાં પરોવ્યા. એક પછી એક માળા ફરતી જાય અને જનમ થતા જાય, પાંચ તત્વની ગોદડી બનાવી, જેને ત્રણ ગુણ (સત્વ રજસ તમસ) થી સજાવી. લોકો જાતજાતના વ્યાપાર કરે છે, પરંતુ ધરમદાસ નામના વેપારીએ તો ઈશ્વર નામનો વેપાર કર્યો, જેમાં પુંજી ખૂટે નહીં, નફો ચાર ગણો થાય, હાટમાં કોઈ રોકટોક નહીં અને નિર્ભયતાથી વ્યાપાર કરી શકાય એ મારું જીવન છે...
સ્વયંને ઈશ્વરની દાસી કહેતા જીવણદાસ ક્યાંક ક્યાંક સ્ત્રીના અવાજમાં પણ ઈશ્વરને આરાધે છે. એમના ભજનોમાં દાસભાવ (નમ્રતા અદભૂત રીતે જોવા મળે છે), એમણે પોતાના ભજનોમાં વારંવાર કહ્યું છે કે અહંકારનો ત્યાગ કરો અને ઈશ્વરને પામવા માટે શુધ્ધ હૃદય અને સાચા ભાવ સિવાય કશાયની જરૂર નથી.
દોરંગા સાથે નવ બેસીએજી એમાં પત પોતાની જાય રે
ઘડીમાં ચડે રંગ, ઘડીમાં ઉતરેજી ઘડીમાં વૈરાગી બની જાય રે
ઘડીમાં ગુરૂને ઘડીમાં ચેલકાજી ઘડીમાં પીર થઈ પૂજાય રે
ગુરૂને પ્રતાપે જીવણ બોલિયાજી એ તો નિશ્ચે ચોરાસી લઈ જાય રે
18મી સદીના અંતમાં લખાયેલું આ ભજન આજે પણ સાચું લાગે છે. દોરંગા-જેના બે રંગ છે એની સાથે બેસવું ન જોઈએ (એમની સંગત ન કરવી જોઈએ) કારણ કે, એનાથી આપણી સચ્ચાઈને ડાઘો લાગે. ઘડીકમાં એમનો રંગ ચડે (સ્વાર્થ પ્રમાણે જે પોતાના સૂર બદલે) ને ઘડીકમાં એનો રંગ ઉતરે. ક્યારેક વૈરાગી તો ક્યારેક ભોગી બની જતા આવા લોકો સાચા ભક્ત નથી. એમને ઈશ્વર સાથે પણ સોદાબાજી કરવી હોય છે. દાસીજીવણ પોતાના ગુરૂને પ્રણામ કરીને કહે છે કે, આવા દોરંગા-ખોટા અને અશુધ્ધ માણસો સાથેનો સંબંધ આપણા ચોર્યાસી ફેરાની મહેનત પછી મળેલા માનવ અવતારને બગાડે છે.
લીમડી ગામના કવિ મીઠા એ મૂળ મુસલમાન હતા, પરંતુ એમણે કૃષ્ણના નિર્ગુણ ભજનો રચ્યાં છે. રવાઈ નામના વાજિંત્ર સાથે એ ગાતા. એમના અવાજમાં ગજબની મીઠાશ હતી એમ ભજનીકો કહે છે. એમણે અનેક ગરબીઓ પણ રચી છે.
મુસ્લિમોના બીજા સંત કવિ દાસ હોથીને ધર્મનો ભેદ નહોતો, વર્ણનો પણ ભેદ નહોતો. એ સહુને સરખા ગણતા. એમના પિતા સિકંદર સુમરાને આ વાત ગમતી નહીં, પરંતુ એક વાર એમનો પરચો જોઈને પિતાએ અલ્લાહ અને રામને સરખા માની લીધા. દયાનંદ પણ દાસ પરંપરામાંથી આવે છે. ગુરૂ ભૂતનાથના શિષ્ય અખૈયાએ પણ ઉત્તમ ભજનો આપ્યા છે. અખૈયાના ભજનો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જાણીતા છે.
ભજન જેમિંગમાં જો આપણા જૂના ભજનોને સજીવન કરવામાં આવે તો કદાચ આપણી પરંપરાને પણ સાચવી શકાય.
Read Original Article →