પાંચમો વેદ:શિરોધારા ખરેખર ખરતા વાળ માટે ઉપયોગી છે?

Magazine6/2/2026, 12:35:00 AM
પાંચમો વેદ:શિરોધારા ખરેખર ખરતા વાળ માટે ઉપયોગી છે?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને હાથ-પગમાં ખૂબ જ પરસેવો થાય છે તેના માટે શું કરી શકાય?{ નિખિલ પરમાર ઉત્તર: હાથ અને પગમાં વધારે પરસેવો થવો એને હાઈપર હાઈડ્રોસીસ કહેવાય છે. આયુર્વેદ મુજબ જે વ્યક્તિને પિત્તનો પ્રકોપ, માનસિક તાણ, ગુસ્સો અને શરીરમાં વધુ ગરમી રહેતી હોય તેને આ જોવા મળે છે. ચિંતા, ગરમી, ચા-કોફી, ગરમ મસાલેદાર-ચટાકેદાર અને તીખું-ખાટું ખાવાથી સમસ્યા વધે છે. જો પરસેવો અચાનક બહુ વધી ગયો હોય તો થાયરોઇડ કે અન્ય કારણોની તપાસ પણ કરાવવી યોગ્ય રહેશે. હાથ-પગના પરસેવાના ઉપાય તરીકે શરીરમાં ઠંડક આપે તેવી વસ્તીઓ લેવી જોઈએ, જેમ કે ધાણાનું પાણી, આમળા, નાળિયેર પાણી. ફટકડીના પાણીમાં હાથ-પગ 5-10 મિનિટ ડૂબાડવાથી ફાયદો થશે. શતાવરી, આમળા, પ્રવાલ પિષ્ટિ, બ્રાહ્મી જેવી દવાઓ ઉપયોગી છે (વૈદ્યની સલાહથી). કેટલીક વાર પંચકર્મની વિરેચન ટ્રીટમેન્ટથી જલ્દી ફાયદો મળે છે. પ્રશ્ન: મારી 12 વર્ષની દીકરીને આ ઉનાળામાં વારંવાર નસકોરી ફૂટે છે અને નાકમાંથી લોહી પડે છે, શું કરવું? { પ્રેમિલા જાદવ, ગાંધીનગર ઉત્તર: ઉનાળામાં બાળકોમાં વારંવાર નસકોરી ફૂટવી (નાકમાંથી લોહી આવવું) એ કોમન છે. શરીરમાં પિત્તનો પ્રકોપ થાય, ગરમી વધે તેના લીધે આવું થાય. ગરમી, તડકો, ઓછું પાણી પીવું, વધુ તીખું-ખાટું, ચટાકેદાર ખાવાના કારણે આવું વારંવાર થવાની શક્યતાઓ છે. સૌથી પહેલાં દીકરીને પૂરતું લીક્વીડ આપો. (સાદું પાણી, નાળિયેર પાણી, છાશ, ધાણા- વરીયાળીનું પાણી, કેરીનો બાફલો, શેરડીનો રસ). ખોરાકમાં તીખું, ગરમ, પડીકાં અને કોલ્ડ ડ્રિંક્સ ઓછાં કરવાં. નાકમાંથી લોહી આવે ત્યારે માથા પર ઠંડા પાણીની ધાર કરવી. દરરોજ સવારે ઘરમાંથી બહાર નીકળતા પહેલાં – તડકામાં જતાં પહેલાં, નાકમાં 1-2 ટીપાં ગાયનું ઘી લગાવવું. આમળા, દ્રાક્ષ, ગુલકંદ, દુધીનો હળવો, વરિયાળીનું શરબત આપો. જો લોહી વધારે આવે, વારંવાર આવેતો એકવાર બ્લડ ટેસ્ટ અને ડૉક્ટરની તપાસ જરૂર કરાવવી. પ્રશ્ન: કયું ગુલકંદ સારું? બજારમાંથી લાવવું કે ઘરે જાતે બનાવી શકાય? તેની રીત બતાવશો. { વિનોદ પટેલ ઉત્તર: ઉનાળામાં ગુલકંદ ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદ મુજબ તે પિત્ત શામક, શરીરને ઠંડક આપનાર અને મળ સાફ રાખનાર છે. શરીરની ગરમી, મોઢામાં ચાંદા, એસિડિટી, નસકોરી ફૂટવી માટે ગુલકંદ ઉપયોગી છે. બજારમાં સારો અને શુદ્ધ ગુલકંદ મળે તો લઈ શકાય, પરંતુ ક્યારેક તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર, કલર અથવા પ્રિઝર્વેટિવ હોય તો નુકશાનકારક બને. તેથી શક્ય હોય તો ગુલકંદ ઘરે જ બનાવવો. તાજી દેશી ગુલાબની પાંખડીઓ અને તેનાથી બમણી દળેલી સાકર/મિશ્રીને લઈને કાચની બરણીમાં વારાફરતી લેયર કરવા. પછી બરણીને તડકામાં રાખવી (છુન્દાની જેમ). આશરે એકાદ અઠવાડિયામાં સરસ ગુલકંદ બની જશે. સામાન્ય રીતે 1– ચમચી ગુલકંદ દૂધ સાથે અથવા એમ જ લઈ શકાય. ફોરેનર્સ આને રોઝ પેટલ જામ તરીકે વખાણીને ખાય છે. પરંતુ જેને ડાયાબિટીસ, વધારે કફ અથવા ભારે શરીર હોય તો વૈદ્યની સલાહ પ્રમાણે લેવું. પ્રશ્ન: મારી ઉમર 46 વર્ષ છે. મને છેલ્લા 2-3 મહિનાથી પેશાબમાં બહુ બળતરા થાય છે. ડોક્ટરની દવા લઉં એટલે સારું થઇ જાય છે. પણ થોડા દિવસ પછી બળતરા ફરી શરુ થઇ જાય છે. મારે શું કરવું જોઈએ? { અંબાલાલભાઇ સોજીત્રા ઉત્તર: પેશાબમાં વારંવાર બળતરા થવી એ પિત્તનો પ્રકોપ, મૂત્રમાર્ગમાં ગરમી અથવા ઇન્ફેક્શન બતાવે છે. દવા લીધા પછી ફરીને ફરી તકલીફ થતી હોય તો માત્ર ટેમ્પરરી સારવાર નહીં, પરંતુ મૂળ કારણ સમજીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ઓછું પાણી પીવું, શરીરની ગરમી, તીખું-ખાટું ખાવું, પેશાબ રોકી રાખવો અથવા ડાયાબિટીસને લીધે પણ આવું હોઈ શકે. તમારે દિવસ દરમિયાન પૂરતું પાણી, નાળિયેર પાણી, ધાણા પાણી, કળથીનો સૂપ લેવા. પેશાબ રોકી રાખવો નહીં. ગોખરું અને જવનું પાણી પીવું. જો વારંવાર સમસ્યા થાય તો વૈદ્યને રૂબરૂ બતાવીને એકવાર યુરિન ટેસ્ટ, શુગર અને કિડની તપાસ કરાવવી. પ્રશ્ન: મને વાળ બહુ ખરે છે. મેં ગયા મહિને એક આયુર્વેદ ક્લિનિકમાં શિરોધારાનું પેકેજ લીધેલું. એમાં દર અઠવાડિયે એક શિરોધારા કરેલી. એનાથી થોડો ટાઈમ સારું લાગ્યું. ઊંઘ સારી આવતી થઇ. માઈન્ડ ફ્રેશ થયું. પણ વાળ ખરવામાં કોઈ લાંબો ફરક દેખાયો નથી. તો શિરોધારા ખરેખર ખરતા વાળ માટે ઉપયોગી છે? { લતા પટેલ, અમદાવાદ ઉત્તર: શિરોધારા માનસિક તાણ ઘટાડવા, ઊંઘ સુધારવા અને મન-નર્વસ સિસ્ટમને શાંત કરવા માટેની ઉતમ સારવાર છે. ખરતા વાળમાં પણ શિરોધારાથી ફાયદો મળે છે, પરંતુ વાળની સમસ્યાને (ડ્રાય, રફ, ડેન્ડ્રફ, મૂળથી ખરતા કે વચ્ચેથી તૂટતા હોય વિ.) સમજીને, પ્રોપર તપાસ કરીને (જેવાકે હોર્મોનલ ફેરફાર, પોષણની ઉણપ, થાયરોઇડ, પિત્ત પ્રકોપ, ડેન્ડ્રફ, સ્ટ્રેસ અને વારસાગત કારણો) તમારા વૈદ્ય કઈ જાતની શિરોધારા કરવી તે નક્કી કરતા હોય છે. શિરોધારા તેલથી, છાશથી, દૂધથી, ઉકાળાઓથી એમ વિવિધ પ્રકારે થઇ શકે. આયુર્વેદના નામે લોકોને આકર્ષવા માટે આજકાલ પેકેજ સિસ્ટમ ચાલે છે. પરંતુ શાસ્ત્રમાં એના કોઈ કોર્સ કે પેકેજ બતાવ્યા નથી.
Read Original Article →