આસવ-અરીષ્ટ ક્યારે ઉપયોગી?:આસવ-અરીષ્ટ શું છે, કોને લાભદાયક?
આજના સમાજમાં ઘણા લોકોના મનમાં એક ભ્રમ છે કે આયુર્વેદ દારૂ પીવાને છૂટ આપે છે. આ ગેરસમજ આસવ-અરીષ્ટ જેવી ઔષધ-કલ્પનાઓ વિષે અધૂરી જાણકારીમાંથી જન્મે છે.
ચરક સંહિતાના કલ્પ સ્થાનમાં આચાર્ય ચરક સ્પષ્ટ લખે છે કે મદ્ય એટલે કે સ્વાભાવિક સ્વરૂપે પીવાતો દારુ - ત્રિદોષ વિકૃતિ, ઓજઃક્ષય અને બુદ્ધિ-ભ્રંશ જેવા ગંભીર રોગો ઉત્પન્ન કરે છે. આ ગ્રંથ દ્રાક્ષ, ઇક્ષુ, ધાન્ય અને ફળોમાંથી બનતા વિવિધ પ્રકારના મદ્ય ગણાવે છે.
સ્વસ્થ વ્યક્તિ માટે તેનો ઉપભોગ ચેતવણીસહ વર્ણવ્યો છે, સ્વતંત્ર ભોગ-વૃત્તિ માટે નહીં.
આસવ અને અરીષ્ટ એ ઔષધ-સિદ્ધ કલ્પ છે, સ્વૈચ્છિક પીણું નહીં. સુશ્રુત સંહિતાના ઉત્તર-તંત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ કલ્પ ઔષધ-ગ્રહણ-શક્તિ વધારવા, અગ્નિ-દીપન કરવા અને ગહન ધાતુ-સ્તર સુધી ઔષધ-દ્રવ્ય પહોંચાડવા માટે તૈયાર થાય છે. અષ્ટાંગ હૃદયમ્ના ચિકિત્સા સ્થાનમાં વાગ્ભટ્ટ અભ્યારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, દ્રાક્ષારિષ્ટ વગેરેનો ઉલ્લેખ ચોક્કસ રોગ, ચોક્કસ માત્રા અને ચોક્કસ અનુપાન-ક્રમ સાથે જ કરે છે.
આ ઔષધો વૈદ્ય-નિર્દેશ વગર લઈ શકાય નહીં, અને ગ્રંથ આ બાબતે ક્યાંય ઢીલ આપતો નથી.
આસવ-અરીષ્ટ ક્યારે ઉપયોગી?
ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનમાં ગ્રહણી, ત્વક્-રોગ, અર્શ અને હૃદ્-રોગ ચિકિત્સામાં આ ઔષધ-સ્વરૂપ સૂચવ્યાં છે.
અષ્ટાંગ હૃદયમ્ની સૂત્ર-સ્થાનમાં એ પણ સ્પષ્ટ છે કે કૃશ, ક્ષીણ-ઓજ, આમ-ગ્રસ્ત અથવા મંદ-અગ્નિ-વ્યક્તિ માટે ચોક્કસ ઔષધ-યુક્ત આસવ-અરીષ્ટ અત્યંત ગુણકારી છે.
પરંતુ એ જ ગ્રંથ ઉષ્ણ-પ્રકૃતિ, રક્ત-પિત્ત-પ્રવૃત્ત, ગર્ભિણી, બાળ અને વૃદ્ધ માટે આ ઔષધ-સ્વરૂપ પ્રત્યે ભારે સાવચેતી અથવા સ્પષ્ટ નિષેધ પણ ધરાવે છે. અર્થ એ જ કે ઔષધ-ભૂમિ-પ્રમાણ-ભૂત ઉપયોગ સદૈવ વ્યક્તિ-સાપેક્ષ છે.
જો કે, આ ઔષધ-કલ્પ અંગે ચરક સ્વયં ચેતવે છે. ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં મદ્ય-ઉપભોગના ચાર ક્રમિક સ્તર વર્ણવ્યા છે, જ્યાં પ્રથમ સ્તર ઔષધ-સ્વીકૃત, બીજો ચેતવણી-ભૂત, ત્રીજો ઇન્દ્રિય-ભ્રષ્ટ અને ચોથો - ઘોર-મદ - ઘાતક ગણ્યો છે.
એટલે ઔષધ-ભૂમિ-ઉચિત ઉપયોગ અને અવ્યવસ્થિત ઉપભોગ બંને વચ્ચેની ભેદ-રેખા ગ્રંથ-આચાર્ય ખુદ ખૂબ ઝીણવટથી ખેંચ્યા છે. અશ્વગંધારિષ્ટ, દ્રાક્ષારિષ્ટ કે અભ્યારિષ્ટ - નામ ગમે તે હોય વૈદ્ય-માર્ગદર્શન, નિર્ધારિત માત્રા અને ચોક્કસ સ્વાસ્થ્ય-સ્થિતિ - આ ત્રણ ન હોય ત્યાં, ઔષધ ઔષધ-ઘટ નથી, ઝેર-ઘટ બને છે.
- મહેક જે. મહેતા
Read Original Article →