ખબરનામા:લેટિન ડાન્સ રમતમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા
લજ્જા દવે પંડ્યા ચા-ચા-ચા, રુંબા અને સાંબા જેવા એનર્જીથી ભરપૂર ડાન્સ આપણે સામાન્ય રીતે ટીવી રિયાલિટી શોમાં જોયા છે. ચમકીલા કપડાં, ઝડપી સંગીત અને દિલધડક સ્ટેપ્સવાળા આ ડાન્સ લોકોને મનોરંજન પૂરું પાડે છે. વિશ્વના ઘણા દેશોમાં આ ડાન્સ ફક્ત કલા કે મનોરંજન નથી, તેને એક સ્પર્ધાત્મક રમત એટલે કે ‘ડાન્સસ્પોર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી આ ડાન્સસ્પોર્ટમાં પણ પાછી વિવિધ કેટેગરી હોય છે.
તેની એવી જ એક કેટેગરી એવા લેટિન ડાન્સસ્પોર્ટમાં કેરળની એન્ડ્રીયા પુલ્લીકોટિલએ ભારતને મેડલ અપાવ્યો છે. તે વર્લ્ડ ડાન્સસ્પોર્ટ ફેડરેશનની સોલો લેટિન કેટેગરીમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.
આપણે ત્યાં હજુ લેટિન ડાન્સસ્પોર્ટ બહુ પ્રચલિત નથી. એટલે સ્વાભાવિકપણે તેની તૈયારી માટે જરૂરી ટ્રેનિંગ, કોચિંગ અને તકોની અછત હોવાની. આ બધું જાણતી હોવા છતાં એન્ડ્રિયાએ ડાન્સસ્પોર્ટમાં પોતાની કારકિર્દી ઘડી છે. સંગીત અને ડાન્સમાં બાળપણથી રસ ધરાવતી એન્ડ્રિયાએ ટીવી પર આ ડાન્સના પરફોર્મન્સ જોઈને આ ક્ષેત્રે આગળ વધવાનું સપનું જોયું.
2015માં તેણે લેટિન ડાન્સની પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. કોરોના દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય કોચ જોડે ઓનલાઈન ટ્રેનિંગ લીધી. બાદમાં વધુ અદ્યતન તાલીમ માટે તે મોસ્કો પણ ગઈ અને ડાન્સસ્પોર્ટ એથ્લીટ બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું. અત્યારે તે ડાન્સ અને એક્સપ્રેસિવ આર્ટ્સ થેરાપી ક્ષેત્રે કાર્ય કરે છે. તેના મતે ડાન્સ પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી લોકો સાથે જોડાવાની સુંદર રીત છે. લેટિન ડાન્સસ્પોર્ટ ક્ષેત્રે WDSFમાં પહોંચીને એન્ડ્રિયાએ દેશના અનેક ડાન્સર્સ માટે વિશ્વમંચ સુધી પહોંચવાનો એક નવો માર્ગ ખોલ્યો છે! પ્રથમ ‘કેટેગરી-A’ ક્વોલિફાઇડ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર ભારતીય વાયુસેનાના 93 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીએ ‘કેટેગરી-A’ ક્વોલિફાઇડ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર સાન્યા હવે માત્ર નવા પાયલોટ્સને જ નહીં, પરંતુ જુનિયર ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર્સને પણ તાલીમ આપશે અને તેમની પરીક્ષા પણ લેશે. એટલે કે, તેઓ હવે દેશના ભવિષ્યના પાયલોટ્સને ટ્રેનિંગ આપે તેવા ટ્રેનર તૈયાર કરશે. તેમની આ ખાસ સિદ્ધિ બદલ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે નવી દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું.
વાયુસેનામાં ‘કેટેગરી-A’ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર્સ માટેનું સર્વોત્તમ રેટિંગ છે. અહીં સુધી પહોંચવા માત્ર વિમાન ઉડાવવાની આવડત પૂરતું નથી. વિમાન વિશે ઊંડી સમજ, કટોકટીમાં ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને બીજા પાયલોટ્સને તાલીમ આપવાની કુશળતા પણ જરૂરી છે. 2015માં ટ્રાન્સપોર્ટ પાયલોટ તરીકે ભારતીય વાયુસેનામાં જોડાયેલા સ્ક્વોડ્રન લીડર સાન્યાએ 10 વર્ષ બાદ આ સિદ્ધિ મેળવી છે. આ અગાઉ પણ મહિલાઓ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરી ચૂકી છે, પણ ‘કેટેગરી-A’ સુધી પહોંચનાર સાન્યા પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. જવાનોના સન્માનમાં 5,000 કિલોમીટરની દોડનો સંકલ્પ
દેશપ્રેમ વ્યક્ત કરવાની દરેક વ્યક્તિની પોતાની એક રીત હોય છે. કોઈ સેનામાં જોડાઈ દેશની રક્ષા કરે છે, તો કોઈ પોતાના કાર્ય દ્વારા દેશનું નામ રોશન કરે છે. રાજસ્થાનની અલ્ટ્રા મેરેથોન રનર સુફિયા સુફીએ દેશપ્રેમ વ્યક્ત કરવા અને સેનાના શૌર્ય તથા બલિદાનને સન્માન આપવા માટે કન્યાકુમારીથી કારાકોરમ સુધી લગભગ 5,000 કિલોમીટર દોડવાનો સંકલ્પ લીધો છે. તે 11 રાજ્યોમાંથી પસાર થઈ 88 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરશે. તેણે કન્યાકુમારીથી દોડની શરૂઆત કરી છે.
પોંડિચેરી, ચેન્નાઈ, હૈદરાબાદ, નાગપુર, જયપુર, દિલ્હી, ચંડીગઢ, જમ્મુ, શ્રીનગર, કારગિલ અને લેહ જેવા અનેક શહેરોમાંથી પસાર થઈ તે અંતે કારાકોરમ વિસ્તારમાં આવેલા દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચશે. 16,700 ફૂટની ઊંચાઈએ આવેલું આ સ્થળ વિશ્વના સૌથી ઊંચા એરસ્ટ્રિપ્સમાંનું એક છે. અહીં અતિશય ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે પણ ભારતીય વાયુસેનાના ઓપરેશન્સ ચાલે છે. સુફિયાની આ દોડ દેશના જવાનો માટેની લાગણી અને સન્માનનું પ્રતિક છે. રસપ્રદ વાત એ છે કે એક સમયે એવિએશન ક્ષેત્રમાં નોકરી કરતી સુફિયાએ વર્કસ્ટ્રેસમાંથી રાહત મેળવવા દોડવાની શરૂઆત કરેલી.
આજે આ જ શોખે તેને વિશ્વસ્તરીય અલ્ટ્રા રનર બનાવી દીધી છે. આગ ઝરતી ગરમીમાં દિવસો સુધી હજારો કિલોમીટર દોડવા માટે લોખંડી મનોબળ જોઈએ. સુફિયાની આ દોડ ખરેખર પ્રેરણાદાયક છે. આઇસક્રીમથી કરોડોની કંપની ઊભી કરનાર ગુજરાત મૂળ ગુજરાતના પૂજા બાવિશીએ અમેરિકામાં દેશી આઇસક્રીમ ફ્લેવર્સને નવી ઓળખ આપીને કરોડોની આઇસક્રીમ કંપની ઉભી કરી છે. તેમણે 2015માં ‘મલાઈ’ નામની આઇસક્રીમ બ્રાન્ડ શરૂ કરી હતી, જે આજે અમેરિકાના અનેક શહેરોમાં લોકપ્રિય બની છે. કંપનીનું વાર્ષિક વેચાણ હવે લગભગ 2.8 મિલિયન ડોલર એટલે કે રૂ. 23 કરોડથી વધુ પહોંચી ગયું છે.
પૂજાને શરૂઆતમાં ફૂડ બિઝનેસનો કોઈ અનુભવ નહોતો. શરૂઆતમાં તેઓ ઘરેથી જ આઇસક્રીમ બનાવી વેચતા હતા. પરંતુ ભારતીય સ્વાદોને દુનિયા સુધી પહોંચાડવાનો વિચાર તેમને અલગ ઓળખ અપાવી ગયો. તેમના એલચી, કેસર, ગુલાબ અને જાયફળ જેવા પરંપરાગત ફ્લેવર્સ લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા. ધીમે ધીમે લોકોમાં તેની માગ વધતી ગઈ અને તેમની કંપની તેમજ આઇસક્રીમની વિવિધતા વિસ્તરણ પામતી ગઈ. ભારતીય ફ્લેવર્સને માટે જાણીતી તેમની ‘મલાઈ’ બ્રાન્ડ અમેરિકામાં સફળ સ્ટાર્ટઅપ તરીકે ઓળખાય છે. ડૉ. સૌમ્યા સ્વામીનાથને વૈશ્વિક સ્તરે વધાર્યું ભારતનું ગૌરવ ભારતીય વિજ્ઞાન જગત માટે ગૌરવપ્રદ ઘટના બની છે. ડૉ. સૌમ્યા સ્વામીનાથનની વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક એવી ‘રોયલ સોસાયટી’ના ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે. રોયલ સોસાયટીના 365 વર્ષના ઇતિહાસમાં આ સન્માન મેળવનારા તેઓ માત્ર બીજા ભારતીય મહિલા વૈજ્ઞાનિક છે. તેમના પિતા અને ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ અગાઉ આ સન્માન મળી ચૂક્યું છે. આ ગૌરવ સાથે તેઓ રોયલ સોસાયટીમાં સ્થાન મેળવનારી ભારતની સૌપ્રથમ ‘પિતા-પુત્રી’ની જોડી બની ગયા છે.
ડૉ. સૌમ્યા સ્વામીનાથને વૈશ્વિક સ્તરે ટીબી, એચઆઇવી અને કોવિડ-19 જેવા ગંભીર આરોગ્ય સંકટો સામેની લડતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. ટ્રોલ થયેલી લેડીએ ગોળાફેંકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ચેન્નઈની 23 વર્ષની કૃષ્ણા જયશંકર મેનન વર્ષો સુધી પોતાના દેખાવને કારણે ટ્રોલિંગ અને બોડી-શેમિંગનો ભોગ બનતી રહી. લોકો તેને મસ્ક્યુલર કહી ચીડવતા. પણ, કૃષ્ણાએ આ નેગેટિવ વાતોથી અટકવાને બદલે પોતાની શક્તિને જ પોતાની ઓળખ બનાવી. પોતાના શારીરિક બાંધાને કારણે મળતી તાકાત અને યોગ્ય ટ્રેનિંગના બળે આજે તેણે ગોળાફેંકમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે અને સાથે મહિલાઓના દેખાવ અંગેની રુઢિચુસ્ત માનસિકતાને જવાબ આપ્યો છે. તેના માતા-પિતા ભારતીય બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. પણ તેણે ઇન્ડોર શોટ પુટ અને ડિસ્કસ થ્રો જેવી પાવર સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. તેણે જમૈકા જઈને પ્રોફેશનલ તાલીમ લીધી. બાદમાં, NCAA Division-I સ્કોલરશિપ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા થ્રોઅર બની. ઇન્ડોર શોટ પુટમાં 17 મીટર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની સતત પોતાના નેશનલ રેકોર્ડ તોડી રહી છે.
Read Original Article →