સુનામી:સોળ સંસ્કાર પછીનો સંસ્કાર: કશું ફોરવર્ડ નહીં કરવાનો સંસ્કાર
આપણે AI એટલે કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનાં એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં આર્ટિફિશયલ અને રિયલ વચ્ચેનો ભેદ લગભગ ભૂંસાઇ ગયો છે. બીજાની પરવા કરતા, જાતે નિર્ણયો નહીં લઇ શકતા, સમાજ શું કહેશેની ચિંતા કરતા અને પબ્લિક લાઇફ જીવતા લોકો માટે ભૂંસાઇ ગયેલો આ ભેદ ભયાવહ છે. સોશિયલ મીડિયા પર જે કંઇપણ પીરસાઇ રહ્યું છે, વાયરલ થઇ રહ્યું છે, ફોરવર્ડ થઇ રહ્યું છે એ બધું જ રિયલ છે કે આર્ટિફિશ્યલ એ ચકાસવું જરૂરી છે.
જેવી રીતે તમે કોઇએ મોકલેલો ગુડ મોર્નિંગનો મેસેજ બીજા કોઇને ફોરવર્ડ કરો છો એવી રીતે કોઇએ મોકલેલો જીવતી-જાગતી વ્યક્તિનો ફોટો તમે બીજા કોઇને મોકલી શકતા નથી.
AI એ આપણા વિશ્વને લગભગ બદલી નાખ્યું છે. AIની મદદથી આપણે આપણાં લગ્નમાં આપણાં ગુજરી ગયેલા દાદા-દાદી-માતા-પિતા કોઇની પણ સાથે ફોટોગ્રાફ લઇ શકીએ છીએ કે એની રીલ ઉતારી શકીએ છીએ. AIની મદદથી આપણે કવિ બની શકીએ છીએ, ડોક્ટર બની શકીએ છીએ, લેખક બની શકીએ છીએ, ડિટેક્ટિવ બની શકીએ છીએ, શિક્ષક બની શકીએ છીએ, શેફ બની શકીએ છીએ, પત્રકાર બની શકીએ છીએ-વગેરે વગેરે એવું ઘણી બની શકીએ છીએ જે આપણે હકીકતમાં નથી.
AI આપણી અંદર રહેલા આપણાં રિયલ હુંને બદલે એક એવો આર્ટિફિશયલ હું તૈયાર કરી આપે છે, જે આ જગત માટે, આપણી આજુબાજુનાં માણસો માટે અને આપણી જાત માટે પણ જોખમી સાબિત થઇ શકે!!
આપણી ફીડમાં એવી કેટલીય તસવીરો, એવું કેટલુંય કન્ટેન્ટ, એવી કેટલીય કવિતાઓ, એવા કેટલાય વીડિયો આવતા રહે છે જે ઓરિજીનલ નથી, જે AIની મદદ લઇ બનાવાયા છે. મને એવું સાફપણે લાગે છે કે- AIની મદદથી તૈયાર થયેલા ફોટોગ્રાફ્સ, વીડિયો કે કન્ટેન્ટની નીચે ખૂબ પ્રમાણિકતાથી ડિસ્કલાઇમર મૂકવું જોઇએ કે આ વીડિયો કે આ કવિતા કે આ લેખ AIએ તૈયાર કરી આપ્યા છે.
આપણે એકવાત સાફ સમજવાની જરૂર છે કે AI લાગણીઓનું વાવાઝોડું સર્જી શકે છે અને AI એ જ વાવાઝોડામાં આપણી લાગણીઓને કોઇ વસ્તુની માફક ઉડાડી પણ શકે છે. આર્ટિફિશયલ અને રિયલ વચ્ચેનો તફાવત હવે સમજવો ખૂબ જરૂરી થઇ પડ્યો છે.
જો આ તફાવત આપણે નહીં સમજીએ કે આપણાં સંતાનોને નહીં સમજાવીએ તો આપણે એક એવા વિશ્વમાં જીવવા માંડશું-જે હકીકતે અસ્તિત્વ ધરાવતું જ નથી-ફેક છે અને આવા વિશ્વમાં જીવનારાઓને સાયકોલોજીકલ સારવારની સખ્ત જરૂર ઊભી થતી હોય છે.
હું પહેલા ફોરવર્ડ કરું કે હું એના પર કોઇક પોસ્ટ મૂકી દઉં એવી લ્હાયને બદલે હું સૌથી પહેલા એને ચકાસું અને જો ફેક હોય તો જગત આખાનું એ માટે ધ્યાન દોરું એવા અભિગમને અપનાવવો જોઇએ. આવા ફેક ફોટોગ્રાફની મદદથી લોકોની લાગણીઓ સાથે રમવું એ પણ એક પ્રકારનું ગુનાહિત કાર્ય જ છે-અને આ ગુનામાં ફોટો સર્જનાર જેટલો જવાબદાર છે એટલો જ જવાબદાર એ ફોટોગ્રાફને વાયરલ કરનારો પણ છે.
ગુજરી રહેલી મા જ્યારે એનાં બચ્ચાને સખ્તપણે પકડી રાખે છે-ત્યારે એની લાગણીઓનું, એ પળનું ગ્લોરિફિકેશન ન જ થવું જોઇએ!! હવે આપણે AI સંસ્કાર કેળવવાની સખ્ત જરૂર ઊભી થઇ છે. ઘટના -1 એ તસવીરે સૌનાં હૃદયને ચીરી નાખ્યું. કેટલાય લોકોને એવું લાગ્યું કે આખેઆખી નર્મદા એમની આંખોમાં આવી જશે! એ તસવીરે જબલપુર ક્રૂઝની ઘટનાની તીવ્રતાની ધાર કાઢી આપી-આ તસવીર એટલી બધી વાયરલ થઇ કે જબલપુરનાં કલેક્ટરે ઓફિશયલ ટ્વીટર હેન્ડલ પરથી આ તસવીર ખોટી છે-એવી ટ્વીટ કરવી પડી. ઘટના - 2 ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એમનાં ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટ કરી. એમણે લખ્યું કે મારે સ્વીકારવું પડશે કે જેણે પણ મારી આ તસવીર બનાવી છે એણે કેટલાક કિસ્સાઓમાં મને વધુ સારી બતાવી છે પણ અસલી વાત એ છે કે હવે કોઇના પર હુમલો કરવા અને જૂઠ ફેલાવવા માટે લોકો કંઇપણ કરવા માંડ્યા છે.
Read Original Article →