પાંચમો વેદ:શરીરે થોડી ખંજવાળ આવ્યા કરે છે ચામડી સુકાઈ જાય છે, શું કરવું જોઈએ?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને 2 મહિનાથી આખા શરીરે થોડી થોડી ખંજવાળ આવ્યા કરે છે. ચામડી સુકાઈ જાય છે. એના માટે મારે શું કરવું જોઈએ?
{ રૂપલબેન ગણાત્રા, અમદાવાદ
ઉત્તર: શરીરમાં વાયુ કે રૂક્ષતા વધે એટલે ડ્રાયનેસ વધે તે સામાન્ય છે. આખા શરીરે હળવા હાથે કોપરેલથી માલીશ કરીને, ગરમ પાણીથી નહાવાથી ત્વચા નરમ અને સુંવાળી રહેશે. અને ખંજવાળ આવતી અટકી જશે. છતાં પણ ખંજવાળ ચાલુ રહે તો વૈદ્યને રૂબરૂ બતાવી લેવું. શરીરમાં કોઈ સ્કિનનો રોગ હોય તો પણ ખંજવાળ રહેતી હોય, ડાયાબિટીસ પણ ચેક કરાવવો જોઈએ. સ્કીનનો રોગ હોય તો તે પ્રમાણે જરૂરી હળદર, લીમડો કે કાથામાંથી બનાવેલી દવાઓ વૈદ્ય સજેસ્ટ કરતાં હોય છે. કેટલીક વાર લીમડામાંથી બનાવેલી ગોળીઓ, કેપ્સૂલ કે સિરપ પણ સજેસ્ટ કરી શકાય.
પ્રશ્ન: મારી ઉંમર 63 વર્ષ છે. મને છેલ્લા 6 મહિનાથી બહુ વિચારવાયુ થઈ જાય છે. ઊંઘ સારી આવતી નથી. એના લીધે ચિડિયાપણું આવી ગયું છે અને જીવનમાં નિરાશા આવી ગઈ છે. { રમેશ પટેલ, નડીયાદ
ઉત્તર: સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે ઊંઘના કલાક ઓછા થતાં હોય છે. જુવાનીમાં સાત –આઠ કલાક ઊંઘતા લોકોમાં 60 વર્ષ પછી પાંચ-છ કલાકની ઊંઘ પૂરતી થઈ રહેતી હોય છે. પરંતુ ઊંઘને માત્ર કલાકોમાં માપવાની નથી હોતી. વિચારો વગરની, ડિસ્ટર્બ થયા વગરની, ગાઢ ઊંઘ બહુ જરૂરી હોય છે. ઊંઘ લાવવા માટે ઘણા લોકો સ્લીપિંગ પિલ્સનો સહારો લેતા હોય છે. પરંતુ દરેક કિસ્સામાં તે સલાહભર્યું નથી. અતિશય વિચારો, સપનાઓ, ઊંઘને ડિસ્ટર્બ કરે છે. સારી ઊંઘ લાવવા માટે રાત્રે માથામાં કોઈપણ તેલથી હલકા હાથે માલિશ કરવી. પગના તળિયે કાંસાની વાડકીથી ઘી ની માલિશ કરવી. બહુ જૂની અનિદ્રા અને વિચાર વાયુના કેસમાં શિરોધારા અને નસ્યકર્મ સારવાર બહુ અકસીર હોય છે. જેના માટે નજીકના વૈદ્યનો સંપર્ક કરશો.
પ્રશ્ન: મને આશરે 12 વર્ષથી ડાયાબિટીસ છે. મે બહુ બધા પ્રયત્નો કર્યા છે. કારેલા, મામેજવો, લીમડો, કડુ-કરિયાતું અને ઘણી બધી દવાઓ પણ કરું છુ. છાપાં વાંચીને અને ટીવી પર જોઈ જોઈને બહુ દવાઓ કરી છે છતાં પણ મારો ડાયાબિટીસ કાબુમાં આવતો નથી. જમ્યા પછી મને 215 સુગર રહે છે. મને યોગ્ય માર્ગદર્શન આપશો. { રાજેશ શાહ, બોપલ
ઉત્તર: કોઈ પણ રોગની સારવાર ત્રણ પ્રકારે કરી શકાય. આહાર, વિહાર અને ઔષધ. તમે તમારા ડાયેટ વિષે કશું જણાવ્યુ નથી. મીઠાઈ, આઇસ્ક્રીમ, ઠંડા પીણાં, શરબત, મેંદાની બનાવેલી વસ્તુઓ, વ્હાઇટ બ્રેડ, ભાત, તળેલી વસ્તુઓ, માખણ, મલાઈ, કેળા, બટાકા, શક્કરિયા જેવી વસ્તુઓ જમવામાં લેવી નહીં. લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવો, રોજ ઓછામાં ઓછું 4-5 કિલોમીટર ચાલવાનું રાખો અથવા અન્ય કસરતો કરો. મનની શાંતિ પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જરૂરી છે. તેના માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનમાં બેસો.રહી વાત દવાની, તો એના માટે તમારે કોઈ પણ ક્વોલિફાઇડ વૈદ્ય કે ડોક્ટર પાસે જવું પડે. જે તમારી પ્રકૃતિને સમજીને તમને દવાઓ સજેસ્ટ કરશે. કઈ દવા, કેટલા ડોઝમાં લેવાની, ક્યારે લેવાની, કેવી રીતે લેવાની – આ બધુ અગત્યનું છે. જે દર્દીને રૂબરૂ જોયા પછી જ નક્કી કરી શકાય.
પ્રશ્ન: મને વારંવાર કિડનીમાં પથરી થાય છે. મારી ઉંમર 34 વર્ષ છે. મારી ટ્રાવેલિંગની જોબ હોવાથી, મને વારેઘડીએ પાણી પીવાની ટેવ નથી. દર વખતે પથરી થાય ત્યારે હું જવનું પાણી, નાળિયેર પાણી અને ડોક્ટરની દવાઓ લઉં એટલે પથરી તૂટી જાય છે અને યુરિનમાં નીકળી જાય છે. પણ મને વારંવાર પથરી થાય જ નહીં તેના માટે ઉપાય બતાવો. { સાહિલ, ભુજ
ઉત્તર: જવનું પાણી – કળથીનો સૂપ, નાળિયેર પાણી પથરી માટે અને યુરીનના રોગો માટે જાણીતા પ્રયોગો છે. તેનાથી યુરીન વધારે આવે છે અને સાફ આવે છે. ઉપરાંત આયુર્વેદમાં ગોખરુ, પુનર્નવા જેવા ઔષધો પણ બતાવેલા છે. ગામડાઓમાં આજે પણ પત્થરફોડી જેવી વનસ્પતિઓનો ઉપયોગ થતો હોય છે. પણ તમારે તો સૌથી પહેલાં પૂરતું પાણી પીવાની ટેવ પાડવી જ પડશે. થોડા થોડા સમયે અડધો ગ્લાસ પાણી પીતા રહેશો. પાણીમાં ક્ષારનું પ્રમાણ ચેક કરાવી લેશો. રોજિંદા વપરાશમાં પીવાતા પાણીમાં ઓછો કે નહીંવત ક્ષાર હોય તે સારું.
પ્રશ્ન: હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મને હમણાંથી બહુ વાળ ખરે છે. મારા વાળ પાતળા થઇ રહ્યા હોય તેવું લાગે છે અને મને આખો દિવસ થાક લાગ્યા કરે છે. { મીતા મોદી, શાહપુર
ઉત્તર: તમે સૌ પહેલા કેલ્શિયમ, વિટામીન B12 અને આયર્નની તપાસ કરાવો. ઘરનો, તાજો બનાવેલો – સાત્વિક ખોરાક અને સારી ઊંઘ બહુ જ જરૂરી છે. નિયમિત હેડ મસાજ કરવાથી વાળ સારા થશે, સાથે ઊંઘ પણ સારી આવશે. ખરતા વાળ એ બહુ કોમન ફરિયાદ છે, એના માટે ઘણા કારણો હોઈ શકે. કેટલીક વાર થાયરોઈડ, શરીર ધોવાતું હોય કે અન્ય માસિકના રોગોમાં પણ વાળ ખરતા હોય છે. આવા કેસમાં વાળની સારવાર કરવાને બદલે જે મુખ્ય રોગ હોય તેની સારવાર કરવાથી વાળ ખરતા અટકી જાય છે.
Read Original Article →