પાંચમો વેદ:ઓછા વજનને કારણે આત્મવિશ્વાસ ઓછો રહે છે
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મારી ઉંમર 74 વર્ષ છે. મને 15 વર્ષોથી ડાયાબિટીસ છે. મને કિડની પ્રોબ્લેમ છે અને બાયપાસ સર્જરી પણ કરાવી છે. મારા થોડા પ્રશ્નો છે.
1) ડાયાબિટીસમાં પાઈનેપલ, ઓરેન્જ, એપલ અને પપૈયું ખાઈ શકાય?
2) અનુલોમ વિલોમથી ડાયાબિટીસ ઓછું થાય?
3) કારેલા-જાંબુ જ્યૂસ અને કડવા લીંબડાનું પાણી ઉપયોગી છે?
4) બદામ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ લેવાય?
5) નાસ્તામાં પૌવા, ઉપમા કે સ્પ્રાઉટ્સ વધુ સારું શું?
{ જયેશ ધોળકિયા, અમદાવાદ
ઉત્તર: ડાયાબિટીસમાં ફળો લેવાય, પરંતુ મર્યાદામાં અને યોગ્ય પસંદગી સાથે. એપલ અને પપૈયું વધુ સલામત છે; ઓરેન્જ પણ મર્યાદિત ચાલે, પરંતુ પાઈનેપલ ઓછું લેવુ. અનુલોમ-વિલોમ અને નિયમિત પ્રાણાયામ બ્લડ શુગર કંટ્રોલમાં મદદરૂપ છે. લીમડો-કારેલા-જાંબુ જ્યૂસ જરૂર ફાયદો કરે, પણ માત્ર એનાથી ડાયાબિટીસ પૂરેપૂરો કંટ્રોલ થાય નહીં. ડ્રાયફ્રૂટ્સમાં બદામ, અખરોટ મર્યાદામાં લઈ શકાય. નાસ્તામાં સ્પ્રાઉટ્સ સૌથી ઉત્તમ, ત્યારબાદ ઉપમા, પૌવા ઓછા તેલમાં ચાલે. તમારી કિડનીના પ્રશ્નો અને બાયપાસને ધ્યાનમાં રાખીને કોઈ પણ ફેરફાર કરતાં પહેલા વૈદ્ય-ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પ્રશ્ન: 3 મહિના પહેલા હર્પીસ થયેલ હતું. હજુ પણ બહુ જ પેઈન અને બોડીમાં કંપન થયા કરે છે. સ્કીનના ડોક્ટર અને ન્યુરોલોજિસ્ટને પણ બતાવ્યું પણ હજુ પણ પેઈન થયા કરે છે. ઉપાય બતાવશો.{ જીતેન્દ્ર સોનારા
ઉત્તર: હર્પીસ થયા પછી લાંબા સમય સુધી રહેતા કંપન, બળતરા અથવા પેઈનને મોર્ડનમાં Post Herpetic Neuralgia કહેવામાં આવે છે. આયુર્વેદ મુજબ પિત્ત અને વાયુનો રોગ છે. તેથી માત્ર સ્કીન ટ્રીટમેન્ટ કરવાથી સંપૂર્ણ રાહત મળતી નથી. ટ્રીટમેન્ટ દરમ્યાન પિત્ત વધે તેવું તીખું, ખાટું, ખૂબ ગરમ ના ખાવું. પૂરતી ઊંઘ, અને માનસિક શાંતિ બહુ જરૂરી છે. રોજ નાળિયેર તેલ હળવે હાથે લગાવવું. ઘી, આમળા, ધાણા, જીરું શરીરમાં બળતરા ઓછી કરે છે. યષ્ટીમધુ (જેઠીમધ), બ્રાહ્મી, ગળોનો સ્વરસ, પંચતિક્ત ઘૃતનો વૈદ્યની સલાહથી ઉપયોગ કરશો. પ્રશ્ન: ઉનાળાની ઋતુમાં કયું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ અને ખાવાની રીત કઈ હોવી જોઈએ.{ યોગેશ ગરાલા
ઉત્તર: ચ્યવનપ્રાશને આયુર્વેદમાં ઉત્તમ રસાયણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ બારેમાસ કરી શકાય છે. પરંતુ ઋતુ પ્રમાણે, વિવેક બુદ્ધિથી તેનો ડોઝ નક્કી કરવો જોઈએ. ઉનાળામાં થોડી મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. જાતજાતની ભસ્મો, સોનું – હીરા જેવી કિંમતી ઘટકો નાખીને બનાવેલું ચ્યવનપ્રાશ થોડું ગરમ પડે એટલે એવો ચ્યવનપ્રાશ ઓછો લેવો. મારા દર્દીઓને હું સવારે નાસ્તા પહેલાં અથવા હળવા નાસ્તા પછી 1 મોટી ચમચી (આશરે 10 ગ્રામ) ચ્યવનપ્રાશ લેવાનું સુચન કરું છું. ચ્યવનપ્રાશને થોડા નવશેકા દૂધ સાથે પણ લઇ શકાય. ડાયાબિટીસ હોય તેમણે વૈદ્યની સલાહથી જ ચ્યવનપ્રાશ લેવું.
પ્રશ્ન: મારી ઉંમર 16 વર્ષ છે. મારું વજન 50 કિલો છે શરીરની લંબાઈ 160 સેમી છે. શરીર નમેલું રહે છે. ઓછા વજનને કારણે મારો આત્મવિશ્વાસ ઓછો રહે છે. ગમે તેટલું ખાઉં વજન વધતો નથી. શું કરું?
{ ગીતા સુવાસિયા
ઉત્તર: આદર્શ વજન કેટલું હોવું જોઈએ? એના માટે હાઈટ-વેઇટ રેશિયો, BMI જેવા ઘણા બધા અલગ અલગ મંતવ્યો છે. વજન વધારવા માટે માત્ર ચરબી વધારવી જરૂરી નથી. શરીરમાં સ્નાયુઓ અને હાડકાં પણ મજબુત હોવા જોઈએ. સૌથી પહેલાં તમારો આત્મવિશ્વાસ ઓછો ન થવા દો. કોઈ વ્યક્તિનો ખોરાક વધારે હોય એટલે એનું વજન વધારે જ હોય તે જરૂરી નથી. કેટલું ખાધું એના બદલે કેટલું પચાવ્યું અને એમાંથી શરીરને કેટલું પોષણ મળ્યું તે જાણવું જરૂરી છે. રોજ સમયસર જમવાનું રાખો. દૂધ, ઘી, ખજૂર, કેળું, શિંગદાણા, તલ અને સૂકા મેવા લેવાય. રોજ થોડી કસરતો કરો, રાત્રે પૂરતી ઊંઘ લો. વૈદ્યને પૂછીને અશ્વગંધા, શતાવરી, ચ્યવનપ્રાશ જેવી વસ્તુઓ પ્રોપર રીતે લેવાથી ધીમે ધીમે શરીરમાં સારું બળ અને આત્મવિશ્વાસ બંને વધશે. પ્રશ્ન: કોરોનરી આર્ટરીમાં થતી કેલ્સિફિકેશન (બ્લોકેજ/પ્લેક) માટે આયુર્વેદમાં કોઈ સારવાર અથવા ખાસ ડાયટ માર્ગદર્શન છે? શું કોઈ એવો આહાર છે જે પ્લેક અથવા કેલ્સિફિકેશન ઘટાડવામાં મદદરૂપ બને? તેમજ આ વિષય પર કોઈ વૈજ્ઞાનિક લેખ અથવા રેફરન્સ હોય તો જણાવશો.{ સ્મૃતિબેન શાહ
ઉત્તર: આયુર્વેદ મુજબ કોરોનરી બ્લોકેજ અને કેલ્સિફિકેશનને ‘આમ દોષ’ અને ‘વાત-કફ પ્રકોપ’ સાથે જોડીને સમજવામાં આવે છે. આયુર્વેદમાં માત્ર બ્લોકેજ ‘ઓગાળી દેવાની’ વાત નથી, પરંતુ સોજો ઓછો કરવો, પાચન સુધારવું, મેટાબોલિઝમ સંતુલિત કરવું અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવી. આ સમગ્ર અભિગમ અપનાવવામાં આવે છે. ખોરાકમાં વધારે ગળ્યું (સ્વીટ), તળેલું, પ્રોસેસ્ડ ફૂડ, ધુમ્રપાન અને બેઠાડું જીવન ટાળવું જરૂરી છે. નિયમિત વોક, પ્રાણાયામ અને વજન પર કંટ્રોલ ખૂબ મહત્વના છે. આયુર્વેદમાં ગૂગળ, અર્જુન, લસણ, જેવા ઘણા ઔષધો હૃદય માટે ઉપયોગી માનવામાં આવ્યા છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટથી coronary calcium score માં ઘટાડો નોંધાયો તેવા સંશોધનો સાયન્ટિફિક જર્નલો અને મેગેઝિનોમાં પબ્લિશ થયેલા છે.
Read Original Article →