અમારી આશા જીવંત છે:કોઈ સાંભળતું નથી એટલે બુમો પાડીએ છીએ
આજનું અફઘાનિસ્તાન... જ્યાં સ્ત્રી હોવું તમારો સૌથી મોટો ગુનો હોય અને તેની સજા રૂપે તમામ જાતના પ્રતિબંધો લાદી ઘરને જ તમારું પિંજરું બનાવી દેવામાં આવે, જ્યાં પાંખો કપાયેલા પક્ષી જેવી લાચારી તમને ચોમેર ઘેરી વળે ત્યાં ટકી રહેવા, પોતાનું મનોબળ ટકાવી રાખવા માટે અફઘાની મહિલાઓ શું કરે છે?
તેઓ પોતાની અંદર જ હિંમત શોધે છે. ક્યારેક ઓનલાઈન ભણવા- ભણાવવાનું ચાલુ રાખીને, ક્યારેક ગીતો સાંભળીને, ક્યારેક ડાયરીમાં શબ્દો દ્વારા પોતાના દુખને ઉતારીને, તો ક્યારેક પહાડોના એકાંતમાં જઈને ચીસો પાડી તેઓ પોતાના મનનો ભાર હળવો કરે છે અને પોતાની લાગણીઓને જીવંત રાખે છે. તાલિબાની શાસન સામે તેમનો આ નાનો અને છુપો બળવો જ તેમની આશા જીવંત રાખે છે અને તેમને જીવવાની હિંમત આપે છે!
બાળકીઓને ઓનલાઈન ભણાવવાનું રિસ્ક ટકી રહેવાની હિંમત આપે છે! 25 વર્ષની સનમને મેડિકલ લાઇનમાં જવું હતું. પણ 2022માં મહિલાઓ માટે યુનિવર્સિટીઓના દરવાજા બંધ કરી દેવાયા. સનમ કહે છે, “અમને અમારા અધિકારોથી વંચિત કરી દેવાયા છે. અમને પાંખો વગરના પક્ષી જેવું ફિલ થાય છે. “દૂર છેવાડાના ગામડામાં રહેતી સનમ આજે 30 બાળકીઓને ઓનલાઈન ભણાવે છે. આ “ગેરકાયદે” ગણાતી પ્રવૃત્તિ માટે તેને આકરી સજા પણ થઈ શકે છે. પણ આ રિસ્ક લેવું તેને મંજૂર છે. સનમે એક બ્લુ ડાયરી પણ રાખી છે જેમાં તે પોતાની લાગણીઓ વ્યક્ત કરીને હળવાશ અનુભવે છે.
કોઈ સાંભળતું નથી એટલે પહાડોમાં ચીસો પાડું છું! માત્ર 34 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયેલી સારા નો પતિ આર્મીમાં હતો. તાલિબાનોએ તેને મારી દીધો. તે સરકાર પાસે મદદ માગવા ગઈ તો તેને જવાબમાં તાલિબાની ફાઇટર ને પરણવાની સલાહ મળી! હવે સરકારી મદદ માગવાની તેને બીક લાગે છે પણ પહાડોના એકાંતમાં આવેલી તેના પતિની કબર પાસે જઈ ચીસો પાડી તે રાહત અનુભવે છે.
રોજ સુંદર રીતે તૈયાર થઈ ફોટા અને વીડિયો શેર કરે છે જ્યારે કોલેજો બંધ કરી દેવાઈ ત્યારે 24 વર્ષની હૂરા પબ્લિક રિલેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતી હતી. તે કહે છે કે,”મહિલાઓ અહીંયા માટે બધા દરવાજા બંધ કરી દેવાયા છે. ફક્ત લગ્ન કરવાનો માર્ગ ખુલ્લો છે અને મને તેની બીક લાગે છે.”તે રોજ સરસ તૈયાર થાય છે. ગીતો ગાય છે અને પોતાના વીડિયો અને ફોટો શેર કરે છે.
સંગીત સાંભળવાથી હિંમત મળે છે પોતાના માતાપિતા અને આઠ ભાઈ બહેનો સાથે રહેતી શગુફ્તા શિક્ષક બનવાની હતી. અભ્યાસ અધૂરો રહી ગયો. પોતાના મિત્રોને અને જુના દિવસોને યાદ કરતી શગુફ્તા સંગીતના શરણે જાય છે. સંગીત સાંભળીને અને કુકિંગ શો જોઈને તે રિલેક્સ થાય છે.
પ્રેરણાદાયી પુસ્તકોથી હિંમત મેળવે છે 30 વર્ષની મોહેજેઝા મહિલા ખેડૂતો માટેનું એનજીઓ ચલાવતી હતી. ટ્રમ્પે અફઘાનિસ્તાનને મળતી મદદ પર કાપ મૂક્યો તેમાં તેની નોકરી ગઈ. હવે તે પ્રેરણાદાયી મહિલાઓના પુસ્તક વાંચે છે અને તેને શેર પણ કરે છે. ખેતી માટે સલાહ માગવા આવતા લોકોને માર્ગદર્શન પણ આપે છે.
Read Original Article →