Live Updates

એકબીજાને ગમતાં રહીએ:આપણે સૌ અભિમન્યુ છીએઃ ચક્રવ્યૂહ આપણી નિયતિ

Magazine6/2/2026, 12:35:00 AM
એકબીજાને ગમતાં રહીએ:આપણે સૌ અભિમન્યુ છીએઃ ચક્રવ્યૂહ આપણી નિયતિ
‘અભિમન્યુએ ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો કારણ કે, એણે ધર્મને પસંદ કર્યો. ભય અને ધર્મની વચ્ચે જે ધર્મને પસંદ કરે છે એને માટે મૃત્યુ પણ વિજય બની જાય છે. અભિમન્યુ આવનારી સદીઓ સુધી સૌને યાદ રહેશે કારણ કે, એણે ભય ઉપર વિજય મેળવ્યો છે. મૃત્યુ સૌથી મોટો ભય છે... જે મૃત્યુ પર વિજય મેળવે છે એ અમર બની જાય છે.’ ‘ચક્રવ્યૂહ’ નામના નાટકમાં નિતીશ ભારદ્વાજ શ્રીકૃષ્ણ તરીકે આ સંવાદ કહે છે. મહાભારતના તેરમા દિવસે જ્યારે અભિમન્યુએ સાત કોઠા વીંધવા માટે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો એની પહેલાંની અને પછીની ક્ષણોને જીવંત કરતું આ નાટક અતુલ સત્ય કૌશિકે લખ્યું છે. કથામાં કશું નવું નથી, પરંતુ કથાને જે રીતે ભગવદ્ ગીતા સાથે જોડીને કર્મના સિદ્ધાંતો આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ સરાહનીય છે. અર્જુનની ગેરહાજરીમાં માના ગર્ભમાં રહીને કોઠામાં પ્રવેશ કરતા શીખેલો અભિમન્યુ બહાર નીકળવાનું નથી જાણતો તેમ છતાં હિંમત અને સાહસથી કોઠામાં પ્રવેશ કરે છે... કૃષ્ણ એને કહે છે, ‘પરિણામની ચિંતા કર્યા વગર જે ક્ષણે તું ધર્મ અને સત્યના કોઠામાં પ્રવેશ કરીશ એ ક્ષણે તું તારા કર્મમાં લીન થઈને બંધનમાંથી મુક્ત થઈ જઈશ. ધર્મ હંમેશાં સ્પષ્ટ નથી હોતો. ક્યારેક યુધ્ધ તો ક્યારેક સ્વાર્થના ધુમાડામાં છુપાયેલા ધર્મને શોધી શકે એ જ જીવનના કોઠા ભેદી શકે છે.’ નિતીશ ભારદ્વાજને લોકો આજે પણ કૃષ્ણ તરીકે યાદ કરે છે. સૌથી પહેલું ભારતીય દૂરદર્શન પર રજૂ થયેલું મહાભારત (1988)માં એમણે ભગવાન કૃષ્ણનું પાત્ર કર્યું હતું. નિતીશ ભારદ્વાજ એક વેટરનરી સર્જન હતા. મુંબઈના રેસકોર્સ પર દોડનારા કરોડોના ઘોડાની કાળજી અને ચિકિત્સાનું કામ એ કરતા હતા. એમને પહેલેથી જ નાટક અને સિનેમામાં રસ હતો. શરૂઆતમાં નાના રોલ મળે, સંઘર્ષ હોય ત્યારે પરિવારના લોકો ખૂબ ચિંતિત હતા કે ડૉક્ટરની આટલી સારી આવક છોડીને એ શા માટે અસ્થિર જીવન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ મહાભારતમાં પહેલાં કોઈ બીજા રોલ માટે ઓડિશન આપવા ગયા હતા, પરંતુ એમને કૃષ્ણના રોલ માટે પસંદ કરવામાં આવ્યા... સમય સાથે લોકો એમને પગે લાગતા અને એ ખૂબ સંકોચ સાથે કહેતા કે, ‘હું અભિનેતા છું, કૃષ્ણ નથી.’ એમના પહેલાં લગ્ન વિમલાતાઈ પાટીલ (ફેમિનાના તંત્રી)ની દીકરી મોનિશા સાથે થયા હતા. મોનિશા સાથેના છૂટાછેડા બાદ નિતીશ ભારદ્વાજનું નામ બે-ચાર મરાઠી અને હિન્દી અભિનેત્રીઓ સાથે જોડાયું, પરંતુ પછી એમણે એક આઈએએસ અધિકારી સાથે લગ્ન કર્યાં જેનું નામ સ્મિતા ગાટે હતું. એમને ટ્વિન્સ દીકરીઓ થઈ, એ પછી નિતીશ ભારદ્વાજ અને સ્મિતાના લગ્નજીવન વિશે જાત જાતની અફવાઓ સાંભળવા મળે છે. માનવામાં આવે છે કે એ લોકો અત્યારે સાથે નથી રહેતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, પરંતુ નિતીશ ભારદ્વાજ પોતાની દીકરીઓની ખૂબ નિકટ છે અને એમની કાળજી કરે છે. હમણા જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમણે સ્વીકાર્યું હતું કે, એમના જીવનમાં અનેક કઠીન સમય આવ્યા છે. ખાસ કરીને, સંબંધોની બાબતમાં એમણે ખૂબ ઉતાર-ચઢાવ જોયા છે. 2 જૂન, નિતીશ ભારદ્વાજનો જન્મદિવસ છે. 1963માં જન્મેલા નિતીશ ભારદ્વાજને 62 પૂરાં થાય છે ત્યારે જીવનનું એક સત્ય એ છે કે, કૃષ્ણના રોલમાં જેમણે લાંબા સંસ્કૃતનિષ્ઠ સંવાદો અને ફિલોસોફીનું જ્ઞાન આપ્યું એ વ્યક્તિ પણ પોતાના જીવનના ચક્રવ્યૂહને ભેદી શકી નથી. આજે પણ જે સતત જીવનના ચક્રવ્યૂહ વિશે સંવાદોને અદભૂત રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડે છે એ પણ જાણે જ છે કે એ જે કહી રહ્યા છે, એ સંવાદ છે... કોઈના લખેલા. અભિનેતા તરીકે એમણે એ સંવાદોને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાના છે બાકી, જીવનના ચક્રવ્યૂહમાં કોઈના લખેલા સંવાદ કામ લાગતા નથી. ત્યાં તો આપણે સ્વયં જ સંઘર્ષ કરીને ભય અને શંકા પર વિજય મેળવવાનો હોય છે. આમ તો, આપણે બધા પણ ક્યાંકને ક્યાંક અભિમન્યુ જ છીએ. જીવનના કેટલા બધા કોઠા આપણને વિંધતા નથી આવડતા. આપણી સામે દરેક વખતે એક ચક્રવ્યૂહ હોય છે જેને ભેદીને આપણે બહાર નીકળવાનું છે. આપણે બધા જ જાણે-અજાણે આપણી જાતને આકરી પરીક્ષામાં મૂકતા હોઈએ છીએ. સફળતાનું ટાર્ગેટ આપણે આપણી જાતને આપીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે, જો સફળતાનો આનંદ માણવો હોય તો નિષ્ફળતા માટે પણ તૈયાર રહેવું પડશે. ચક્રવ્યૂહ તો જન્મ સાથે જ શરૂ થઈ જાય છે. માના ગર્ભમાંથી બહાર આવતું બાળક શ્વાસ માટે સંઘર્ષ કરે છે. નાળથી શ્વાસ લેતું બાળક પહેલીવાર બહાર આવે છે, ત્યારે એનો શ્વાસ ચાલતો નથી. એટલે કે, એ જીવંત નથી. જ્યારે શ્વાસ શરૂ થાય છે ત્યારે એ રડે છે. સૌને સમજાઈ જાય છે કે, એણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે. આપણે સૌ જન્મ લેતાં જ મૃત્યુ સાથેનું યુદ્ધ કરીએ છીએ. પહેલો શ્વાસ મૃત્યુ પરનું વિજય છે, તો પછી મૃત્યુનો ભય શા માટે? અંતે સૌએ એક પછી એક કોઠા વિંધતાં અંતિમ કોઠા સુધી પહોંચવાનું છે જ્યાં મૃત્યુ આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે. એક અંગ્રેજી કહેવત મુજબ, ‘એવરીથિંગ ઈઝ ફેયર ઈન લવ, એન્ડ વોર.’ યુદ્ધમાં કોઈ નિયમ નથી હોતા. કોણ કોને મારશે, કોણ કોને બચાવશે એવી કોઈ નિશ્ચિત ડીઝાઈન વગર યુધ્ધ લડાય છે. જીવનનું યુદ્ધ પણ કોઈ ડીઝાઈન વગર લડવું પડે છે. સામે આવનાર કદાચ પોતાના પણ હોય તો એ અત્યારે સામેના પક્ષે છે એટલું જ યાદ રાખીને ‘સ્વધર્મ’નો વિચાર કરવો પડે છે. આપણે બધા જ જીવનના યુધ્ધમાં પરિણામના ભયથી ઉતરતાં અચકાઈએ છીએ. આપણને વિજયની વોરંટી જોઈએ છે, જે કદીયે, ક્યાંયે મળતી નથી. ચક્રવ્યૂહમાં પ્રવેશતી વખતે પાછા આવવાનો રસ્તો કોઈ પાસે નથી હોતો... આ માત્ર અભિમન્યુની કથા નથી. આપણા સૌની કથા છે. હિંમત કરીને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરનાર કદાચ રસ્તો શોધી શકે ને કદાચ ભીતર જ મૃત્યુ પામે, પરંતુ જે બહાર ઉભા છે એ પણ અમર નથી. સંઘર્ષથી ડરીને કિનારે ઉભા રહેનાર લોકોને આ જગત ભૂલી જાય છે, પરંતુ વિજયની વોરંટી વગર સત્ય અને ધર્મના યુદ્ધમાં ભય વગર પ્રવેશ કરનારને આ જગત આદરપૂર્વક યાદ રાખે છે.
Read Original Article →