મધુરિમા ન્યૂઝ:આકાશી આફત સામે ચેતવણી આપતી મહિલા!
લજ્જા દવે પંડ્યા ભારતીય મૂળના આરતી હોલા-મેની વિયેના ખાતે આઉટર સ્પેસ અફેર્સના ડાયરેક્ટર તરીકે કાર્ય કરે છે. જો કોઈ મોટો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવવાનો હોય તો શું કરવું તે નક્કી કરવાની જવાબદારી તેમની છે. આવા કેસમાં આરતીબેન તરત જ યુએન સેક્રેટરી જનરલને જાણ કરે છે, જે વિશ્વના 193 દેશોને સાવધ કરે છે. ડિસેમ્બર 2024માં, ચિલીમાં એક ટેલિસ્કોપે અવકાશમાં એક મોટો પથ્થર પૃથ્વી તરફ ઝડપથી આગળ વધતો જોયો. શરૂઆતમાં સામાન્ય લાગતી આ ઘટના પર વધુ નિરીક્ષણો થતાં ‘2024 YR4’ નામના આ એસ્ટરોઇડની પૃથ્વી સાથે અથડાવાની શક્યતા 0.05% થી વધીને 1% થી વધુ થતી દેખાઈ.
2013માં યુએન દ્વારા પ્લેનેટરી ડિફેન્સ સિસ્ટમ શરૂ કરાયા પછી આવો બનાવ પ્રથમ વખત બન્યો હતો જેમાં વૈશ્વિક સ્તરે સત્તાવાર સૂચના આપવાની જરૂર પડેલી! અથડાવાની શક્યતા ઓછી હતી, પણ આ એસ્ટરોઇડનું કદ અને ગતિ એટલી હતી કે જો તે પૃથ્વી પર પડત તો હિરોશિમાના બોમ્બ કરતા સેંકડો ગણી વધુ ઉર્જા પેદા કરી શકત અને કોઈ આખા શહેરનું નામોનિશાન ભૂંસી નાખત! આરતી અને તેમની ટીમે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને સાવધ કર્યા. સદનસીબે, બાદમાં તે એસ્ટરોઇડ સુરક્ષિત અંતરેથી પસાર થઈ ગયો. એસ્ટરોઇડ પર નજર રાખવાની સાથે આરતીની 35 લોકોની ટીમ અવકાશમાં ટ્રાફિકનું પણ સંચાલન કરે છે. અત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 10,000થી વધુ સેટેલાઇટ્સ છે!! ગયા જૂનમાં મલેશિયા અને ઉત્તર કોરિયાના સેટેલાઇટ્સ એકબીજાથી માત્ર 75 મીટર દૂર હતા અને અથડામણની શક્યતા હતી, આરતીની ટીમે મધ્યસ્થી બાદ ઉત્તર કોરિયાનો સેટેલાઇટ ખસી ગયો અને ટક્કર ટળી હતી. આપણી ધરતીને અવકાશી આફતોથી બચાવવાની કમાન એક ભારતીય મહિલાના હાથમાં હોય એ આપણા સૌ માટે ગર્વની વાત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કમિશ્નર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસીના 130 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલા અધિકારીની બીએમસીના નવા કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1995 બેચના અનુભવી IAS અધિકારી એવા અશ્વિની ભીડે અગાઉ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મુંબઈ મેટ્રો લાઇન-3 પ્રોજેક્ટમાં પણ તેમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે અગાઉ BMC માં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સેવા આપેલી હોવાથી તેઓ શહેરના પાયાના પ્રશ્નોથી સારી રીતે પરિચિત છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈનો વહીવટ કોઈ મહિલાના હાથમાં સોંપાય તે મહિલા સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ છે. ચંદ્રની પ્રદક્ષિણા કરનારી પ્રથમ મહિલા
નાસાના આર્ટેમિસ 2 મિશન દ્વારા ક્રિસ્ટિના કોચ ચંદ્રની પ્રદક્ષિણા કરનારી ઇતિહાસની પ્રથમ મહિલા બનશે. 1 એપ્રિલ 2026 થી શરૂ થયેલા આ 10 દિવસના મિશનમાં તેઓ ‘મિશન સ્પેશિયાલિસ્ટ’ તરીકે સામેલ છે. આ મિશનનો મુખ્ય હેતુ ‘ઓરિયન’ સ્પેસક્રાફ્ટ કેટલું સુરક્ષિત અને સક્ષમ છે તેની તપાસ કરવાનો છે. ઘણા વર્ષો પછી માણસ ફરી ચંદ્રની આટલી નજીક પહોંચી રહ્યો છે, જે વિજ્ઞાન માટે એક મોટી વાત છે. ક્રિસ્ટિના કોચ એક અનુભવી અવકાશયાત્રી છે. તેમણે અગાઉ અવકાશમાં સતત 328 દિવસ વિતાવવાનો અને પ્રથમ ‘ઓલ-ફીમેલ સ્પેસવોક’ કરવાનો રેકોર્ડ પણ બનાવેલો છે. આ મિશનમાં તેમની સાથે અન્ય 3 અવકાશયાત્રીઓ પણ છે. આ સફર ભવિષ્યમાં ચંદ્ર પર માનવીને ઉતારવા માટેની એક મહત્ત્વની પૂર્વતૈયારી છે. પેરા આર્ચર ઓફ ધ યર તરીકેનું સન્માન
19 વર્ષની દિવ્યાંગ તીરંદાજ શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા ‘પેરા આર્ચર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય તીરંદાજ બની છે. જમ્મુ-કાશ્મીરની શીતલ દેવીનો જન્મ ‘ફોકોમેલિયા’ નામની દુર્લભ બીમારી સાથે થયો હતો. તેને બંને હાથ નથી પણ તેનું મનોબળ અસાધારણ છે. તે પગ, મોં અને ખભાના ઉપયોગથી તીરંદાજી કરે છે અને વિશ્વની એકમાત્ર સક્રિય ‘આર્મલેસ’ મહિલા તીરંદાજ છે!
તાજેતરના વર્ષોમાં તેનું પર્ફોમન્સ અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. તેણે દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત, તેણે પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેની આ સફર અને મહેનતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેને ‘અર્જુન એવોર્ડ’ થી પણ નવાજી ચૂકી છે. શીતલ દેવીની આ સફળતા શારીરિક મર્યાદાઓ પર વિજય મેળવવાની પ્રેરણાદાયક કથા છે.
Read Original Article →