ગતકડું:મહિલાઓ માટે ખાસ શબ્દો કેમ નથી?
ડૉ. પ્રકાશ દવે
મારા મિત્ર મગને મને પૂછ્યું કે ‘લગ્ન કરવા યોગ્ય છોકરાને મુરતિયો કહેવાય તો લગ્ન કરવા યોગ્ય છોકરીને શું કહેવાય?’
મને કોઈ જવાબ ન મળ્યો એટલે મગનથી છૂટકારો મેળવવા મેં કહ્યું, ‘મહિલા મુરતિયો!’
મગને મોડે સુધી માથું ખંજવાળ્યા કર્યું!
જે ઝડપે સમાજ આગળ વધી રહ્યો છે એ ઝડપે ભાષા સાથે સંકળાયેલાં લોકો આગળ નથી વધી રહ્યાં. સમાજમાં અનેક નવા-નવા વ્યવસાય આવી રહ્યા છે. સ્ત્રીઓ પણ પુરુષો સાથે કદમ મિલાવીને દરેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે આપણી ભાષામાં સ્ત્રીઓની સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત થાય એ માટે હજી ઘણું કરવાનું બાકી છે.
પુરુષ માફક સ્ત્રી પણ દરેક વ્યવસાય કરી રહી છે. પણ તેમને કયા નામથી બોલાવવી એ આપણે નક્કી નથી કરી શક્યા.
આજે સમાજમાં અનેક મહિલા ડૉક્ટર કામ કરી રહી છે, પણ એક વ્યવસાયકાર તરીકે એની સ્વતંત્ર ઓળખ કઈ? ડૉક્ટર કે વૈદ્ય શબ્દ પરંપરાગત પુરુષો માટે વપરાતો આવ્યો છે. મહિલા ડૉક્ટરને શું કહીશું? ડૉક્ટરી? વૈદ્યી? બોલો, બોલો?
જેટલી મહિલા ડૉક્ટર છે એટલી જ મહિલા એન્જિનિયર કે ઈજનેર હશે. આમાં પણ પુરુષવાચક શબ્દનું જ આધિપત્ય છે. મહિલા ઈજનેરને શું કહીશું? એન્જિનિયરા? ઇજનેરા?
ઉદ્યોગના ક્ષેત્રનો શબ્દ પણ સ્ત્રીને અન્યાયકર્તા છે. ઉદ્યોગપતિ! ઉદ્યોગપત્ની કે ઉદ્યોગપતિતા પણ વાપરી ન શકાય! મહિલા પાઇલટ માટે પાઇલટા કે પાઇલટી સારું લાગે?!
વેપારમાં પણ સ્ત્રીઓ અગ્રેસર છે. વેપારી શબ્દ નારી શબ્દ સાથે પ્રાસ બેસી જતો હોવા છતાં પુરુષોએ પચાવી પાડ્યો છે. ખરેખર તો પુરુષ વેપારીએ આ શબ્દ મોટું મન રાખીને સ્ત્રીઓને આપી દેવો જોઈએ અને પોતાના માટે ‘વેપારો’ કે ‘વેપો’ કે એવો કોઈ શબ્દ અપનાવી લેવો જોઈએ. શેરીમાં લારી લઈ કોઈ સ્ત્રી વસ્તુ વેચવા નીકળે તો ‘ફેરિયો’ આવ્યો એમ કહેવું કેટલા અંશે યોગ્ય ગણાય?
મહિલા વકીલ માટે આપણે હજી કાયદેસર કોઈ શબ્દ નથી પ્રચલિત કરી શક્યા. તો કાયદો અને વ્યવસ્થા સંભાળનાર મહિલા પોલીસ માટે એના પોતાના કોઈ નામની વ્યવસ્થા પણ ક્યાં કરી શક્યા છીએ?
અનેક ગામોમાં સરપંચ તરીકે મહિલાઓ કાર્યરત છે, પણ એના માટે કોઈ સ્વતંત્ર શબ્દ નથી. એટલે તેમને મહિલા સરપંચ તરીકે જ ઓળખવામાં આવે છે.
રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓ માટે યોગ્ય શબ્દ મળવો મુશ્કેલ છે. ખેલાડી શબ્દ પુરુષોએ પચાવી પાડ્યો છે. મહિલા માટે મહિલા ખેલાડી એવું બોલવું પડે છે. હકીકતે ખેલાડી શબ્દ મહિલા માટે જ સારો લાગે છે. પુરુષ માટે ‘ખેલાડો’ શબ્દ ફરજિયાત કરી ખેલાડી શબ્દ મહિલાને ફાળવી દેવો જોઈએ. રેફરી શબ્દ મહિલાને જ શોભે. પુરુષ માટે ‘રેફરો’ શબ્દ કેમ નથી? ક્રિકેટમાં અમ્પાયર તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. પણ એ ક્ષેત્રમાં સ્ત્રીઓની સંખ્યા વધે એ પહેલાં ‘અમ્પાયરા’ કે ‘અમ્પાયરડી’ શબ્દ પ્રચલિત કરવો જોઈએ.
મારો મિત્ર મગન માને છે કે કવિતા લખવાની શરૂઆત પુરુષોએ કરી હોવી જોઈએ. જો સ્ત્રી અને પુરુષે સાથે કવિતા લખવાની શરૂઆત કરી હોત તો કવિ જેવો નાજુક શબ્દ સ્ત્રી માટે જ વપરાયો હોત. પુરુષ માટે ‘કવો’ જેવો નવો શબ્દ શોધવો પડ્યો હોત.
હકીકતમાં જે વ્યવસાયમાં મહિલા માટે યોગ્ય શબ્દ ઉપલબ્ધ નથી એ વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને જ યોગ્ય શબ્દ શોધી લેવાની જવાબદારી સોંપવામાં આવે તો મહિલાઓ એ કામ સરસ રીતે કરી શકશે. અલબત્ત, એ માટે મહિલાઓને ઘણા બધા શબ્દો આપી એમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપવો પડશે અને એ માટે એને પૂરતો સમય પણ ફાળવવો પડશે.
જેમની પાસે ભાષાશક્તિ છે એ લોકોએ તો પોતાના ક્ષેત્રમાં મહિલા વ્યાવસાયિક માટે નામ શોધી જ લીધા છે. જેમ કે, મહિલા શિક્ષક માટે શિક્ષિકા, મહિલા અધ્યાપક માટે અધ્યાપિકા. એ જ રીતે ભાષા સાથે સંકળાયેલા લેખકોએ મહિલા લેખક માટે લેખિકા જેવો રૂપકડો શબ્દ પ્રયોજી લીધો છે. તો કવચિત જ કવિતા લખતી હોય તોય મહિલા કવિ માટે કવયિત્રી જેવો કાવ્યાત્મક શબ્દ એ લોકો ઉપયોગમાં લેવા માંડ્યા છે.
ભાષાના વિદ્વાનોએ ભલે પોતાનાં ક્ષેત્રમાં મહિલાઓ માટે શબ્દો શોધી લીધા એની સામે કોઈને કાંઈ વાંધો કે વચકો ન હોવો જોઈએ કેમ કે પહેલો કોળિયો તો પોતાના મુખ તરફ જ વળે. પણ હવે બીજાં ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓ માટે પણ કોઈએ કંઈક વિચારવું પડશે. હેં ને?
Read Original Article →