ઓક્સિજન:યુદ્ધનું કારણ
‘જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં થાય.’
જેના આકાશમાં યુદ્ધનાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં એવા દેશના નામાંકિત અને સન્માનનીય પાદરીનું ક્યાંક બોલાયેલું આ વાક્ય સોશિયલ મીડિયામાં ખૂબ પ્રસર્યું હતું. સરકારે તેની નોંધ લીધી અને લશ્કરના ઉચ્ચ અધિકારીને પાદરી પાસે હકીકત જાણવા મોકલ્યો. વાત નીકળતાં પાદરીએ પૂરી મક્કમતાથી તેમને મળવા આવેલા લશ્કરી વડાને પોતાનો એ જ અભિપ્રાય સંભળાવ્યો. તુરંત જ લશ્કરી અધિકારી જાણે પોતાના સાથીઓને આદેશ આપતો હોય એમ બરાડ્યો ‘કોણ છે એ? ક્યાં છે? પકડી લાવો અને મારી નાખો.’
પાદરી આ સાંભળી વ્યથિત થયા અને કહ્યું ‘તમને એ જ આવડે છે. તમારું આ યુદ્ધ માનવતાને મારી રહ્યું છે. શાંતિ હણાઈ, વિશ્વાસની હત્યા થઈ. લોકો વચ્ચેનો ભાઈચારો મરી રહ્યો છે. સત્ય મર્યું, સ્વતંત્રતા મરી. સારી આવતીકાલની આશા મરી. લોકોના વ્યવસાય મર્યા, પગભર થવાનાં સપનાં મર્યાં. વડીલોની યાદો અને ભૂલકાંનું બાળપણ મર્યું. મોંઘવારીથી સામાન્ય જીવન મર્યું, નાગરિકનું મનોબળ મર્યું, પ્રામાણિકતા મરી અને એથી જ આત્મા મરાયો.’
લશ્કરી અધિકારી ચૂપ થઈ ગયો. તેને બર્ટ્રાન્ડ રસેલનું વાક્ય યાદ આવી ગયું કે ‘યુદ્ધ નક્કી કરી શકતું નથી કે કોણ સાચું છે, ફક્ત એટલું જ નક્કી કરે છે કે કોણ બચ્યું છે.’ ગણતરીના લોકો પોતાના બળના ઘમંડ અને શસ્ત્રોના ભંડારનું બિભત્સ પ્રદર્શન કરી રહ્યાં હોય તેના પરથી સ્પષ્ટ દેખાય કે આમ ને આમ તો કંઈ બાકી નહીં રહે.
અધિકારીને ફરી પાદરીની વાત યાદ આવી કે કોઈ તો છે જેને મારવાથી યુદ્ધ અટકી શકે એમ છે. કોણ છે એ? તેને પાદરી પાસેથી જાણવાની તાલાવેલી થઈ. પાદરીએ રહસ્યોદ્દઘાટન કરતાં કહ્યું ‘જેને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. એ છે ‘લિપ્સા’, આખી દુનિયા ઉપર આધિપત્ય જમાવવાની લિપ્સા. એ ત્યારે જ મરે જ્યારે વ્યક્તિનો અંતરાત્મા જીવવા માંગે છે.’
Read Original Article →