આઠમી અજાયબી:વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ : 600 વર્ષથી કોઈ આ લખાણને કેમ ઉકેલી શક્યું નથી?
માયા ભદૌરિયા
આપણે વારંવાર એવાં ગાણાં ગાઈએ છીએ કે હવે તો પુસ્તક વાંચનારો વર્ગ રહ્યો જ નથી કે પછી પુસ્તકોનો જમાનો ગયો, પણ જ્યારે જ્ઞાન વહેંચવાની વાત આવે ત્યારે પુસ્તકોનાં માનપાન હંમશાં ઊંચાં જ રહેશે એને નકારી ન શકાય. પુસ્તકોની આ અજાયબ દુનિયામાં ‘વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ' એક એવું નામ છે જે આજે પણ વિજ્ઞાન અને ઈતિહાસ માટે વણઉકેલ્યો કોયડો છે. હાલ અમેરિકાની યેલ યુનિવર્સિટીની ‘બીનેકી રેર બુક એન્ડ મેન્યુસ્ક્રિપ્ટ લાઈબ્રેરી'માં તે સચવાયેલું છે. દુનિયાનાં શ્રેષ્ઠ મગજ દિવસ-રાત આ પુસ્તકનાં પાનાં પર લખાયેલા શબ્દો ઉકેલવામાં રોકાયેલાં છે, અને છતાં આજે 600 વર્ષ પછી પણ પુસ્તકની એક લીટી સુદ્ધાં ઉકેલાઈ નથી એ માનવજાત સામે કેવો પડકાર કહેવાય? એવું શું છે પુસ્તકમાં?
1912માં ઈટાલીની જેસુઈટ કોલેજમાંથી અમેરિકન પુસ્તક વિક્રેતા વિલ્ફ્રિડ વોયનિચે આ પુસ્તક ખરીદ્યું હતું. એમના નામ પરથી જ તેને વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ કહે છે, પણ પુસ્તકની સૌથી અટપટી બાબત તેની ભાષા અને લિપિ છે. દુનિયાની કોઈ પણ જાણીતી ભાષા સાથે તેનો મેળ ખાતો નથી. કુલ પાનાં 240 છે અને એમાંનાં કેટલાંક ગાયબ છે. ચિત્રોના આધારે પુસ્તક પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. જેમકે-
વાનસ્પતિક : આ સૌથી મોટો વિભાગ છે, જેમાં અજાણ્યા છોડ અને જડીબુટ્ટીઓનાં સેંકડો ચિત્રો છે. આશ્ચર્ય એ વાતનું થાય કે આમાંથી ઘણા છોડ પૃથ્વી પર ક્યાંય જોવા જ નથી મળતા.
જ્યોતિષશાસ્ત્ર : સૂર્ય, ચંદ્ર, તારાઓના અઘરા નકશાઓ છે, જે કોઈ પણ જાણીતા કેલેન્ડર કે નક્ષત્ર સાથે મેળ ખાતા નથી.
બાયોલોજિકલ : નગ્ન મહિલાઓ લીલા રંગના પાણીના કુંડમાં સ્નાન કરતી દેખાય છે. આ કુંડ જટિલ પાઈપોના નેટવર્કથી એકબીજા સાથે જોડાયેલાં છે.
ઔષધિ વિજ્ઞાન : એમાં જડીબુટ્ટીઓ તેમજ તેને સાચવવાનાં પાત્રોનાં ચિત્રો છે.
વાનગી : તારાનાં ચિહ્નો સાથે 300 જેટલા ટૂંકા ફકરા છે, એ જોતાં કદાચ કોઈ પ્રયોગો કે પછી વાનગીની વિગત હોઈ શકે, પણ સાબિત કશું થતું નથી. રહસ્ય ઉકેલવાના નિષ્ફળ પ્રયાસો
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના અત્યંત જટિલ ‘પર્પલ કોડ’ને તોડનાર અમેરિકન ક્રિપ્ટોલોજિસ્ટ વિલિયમ ફ્રીડમેને તેમના જીવનના અંતિમ વર્ષો આ પુસ્તક પાછળ વિતાવ્યાં હતાં. તેમણે કમ્પ્યુટર એનાલિસિસની શરૂઆત કરી હોવા છતાં, તેઓ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં. એટલું જ નહીં, આધુનિક યુગમાં બ્રિટિશ ઇતિહાસકાર નિકોલસ ગિબ્સે એવો દાવો કરીને સનસનાટી મચાવી હતી કે આ પુસ્તક મધ્યકાલીન લેટિન સંક્ષિપ્ત શબ્દોમાં લખાયેલી મહિલાઓનાં સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શિકા છે, પણ લિપિના નિષ્ણાતોએ નિરીક્ષણ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે ગિબ્સ દ્વારા ઉકેલાયેલા વાક્યોનો કોઈ તાર્કિક અર્થ નીકળતો નહોતો. પરિણામે આ સિદ્ધાંતને પણ નકારી દેવામાં આવ્યો.
આ સંશોધનોમાં સૌથી મોટો વળાંક 2009માં આવ્યો. એરિઝોના યુનિવર્સિટીના પરીક્ષણમાં સાબિત થયું કે આ પુસ્તકનાં પાનાં પ્રાણીઓનાં ચામડાંમાંથી બનેલાં છે અને આ પુસ્તક 1404થી 1438ની વચ્ચે જ તૈયાર કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ આ માટે રેડિયોકાર્બન ડેટિંગ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. શું આ કોઈ એલિયનની ડાયરી છે?
કોઈકે માન્યું કે લિયોનાર્ડો દા વિંચીનું કોઈ ગુપ્ત લખાણ છે, જેમાં તેમણે પોતાની એવી શોધો છુપાવી છે જે તે સમયના સમાજ માટે જોખમી હોઈ શકે. જોકે, આધુનિક કાર્બન ડેટિંગે આ થિયરીને નકારી દીધી, કારણ કે પુસ્તક વિંચીના જન્મના દાયકાઓ પહેલાં લખાયું હતું. અન્ય એક રસપ્રદ દાવો આ પુસ્તકને પ્રાચીન મેક્સિકન અથવા એઝટેક સંસ્કૃતિ સાથે જોડે છે, સૌથી વધુ ચર્ચિત થિયરી એલિયન કનેક્શનની છે.
એ મુજબ પુસ્તકમાં રહેલા અજાણ્યા આકાશી નકશાઓ અને પૃથ્વી પર ક્યાંય જોવા ન મળતા છોડનાં ચિત્રો એ સાબિતી પૂરે છે કે આ કોઈ બીજી દુનિયાના જીવો દ્વારા પૃથ્વી પર છોડવામાં આવેલી એક ગાઈડબુક અથવા માર્ગદર્શિકા હોઈ શકે છે. એમ તો 13મી સદીના અંગ્રેજ વૈજ્ઞાની રોજર બેકનનું નામ પણ આ પુસ્તક સાથે જોડાયેલું છે, કારણ કે વોયનિચને આ પુસ્તક મળ્યું ત્યારે તેમાં એક પત્ર હતો. એ પત્રમાં દાવો કરાયો હતો કે આ રોજર બેકનનું કાર્ય છે. તેમણે જાદુઈ શક્તિઓ અથવા કોઈ અજ્ઞાત માધ્યમથી આ જ્ઞાન મેળવ્યું હતું. આટઆટલી થિયરી રહસ્ય અકબંધ છે. તમે પણ ઉકેલી શકો છો આ રહસ્ય!
આધુનિક કમ્પ્યુટર એનાલિસિસ, હાઈ-ટેક અલ્ગોરિધમ્સ અને AIની મદદ લેવા છતાં આ પુસ્તકને ડિકોડ કરી શકાયું નથી. વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટની સંપૂર્ણ હાઈ-રિઝોલ્યુશન ડિજિટલ નકલ યેલ યુનિવર્સિટીની Beinecke Rare Book Manuscript Libraryની વેબસાઈટ પર વિશ્વભરના લોકો માટે મફતમાં ઉપલબ્ધ છે. આજે ઈન્ટરનેટ પર હજારો કલાપ્રેમી કોડબ્રેકર્સ અને ઈતિહાસ પ્રેમીઓ ઓનલાઈન કાર્યરત છે, જ્યાં તેઓ એક-એક પાનાં પર દિવસો સુધી ચર્ચા કરે છે, પણ જે વ્યક્તિ તેને ઉકેલવા બેસે છે, તે તેના રહસ્યમાં એવાં ખોવાઈ જાય છે કે તેમને સમયનું ભાન નથી રહેતું. તેની લોકપ્રિયતા અને રહસ્યનો પ્રભાવ એટલો ઊંડો છે કે હોલિવૂડના જાણીતા અભિનેતા હેરિસન ફોર્ડની ઈન્ડિયાના જોન્સ જેવી મહાન સાહસકથાઓમાં પણ તેનું સ્થાન અકબંધ છે.
Read Original Article →