મેનેજમેન્ટની ABCD:રૂપિયાના ચાર અડધા મેળવો

Magazine4/22/2026, 12:35:00 AM
મેનેજમેન્ટની ABCD:રૂપિયાના ચાર અડધા મેળવો
બી.એન. દસ્તુર એ વી માન્યતા ઘર કરી ગઈ છે કે વિષ્ણુ ભગવાન મોટા ભાગે આરામ ફરમાવતા હોય છે અને બોર થઈ જાય ત્યારે વિવિધ અવતારો ધારણ કરી પૃથ્વી ઉપર આવે છે. પ્રથમ પાંચ અવતારમાં આપણને ઝાઝી ગતાગમ પડતી નથી. માછલી, કાચબો, સુવર, વામન, નરસિંહ. આ અવતારોમાં એમણે શું કર્યું એ ઘણાને સમજાતું નથી. અવતાર નંબર છમાં આવ્યા પરશુરામ થઈને અને પૃથ્વીને નક્ષત્રી કરી નાંખી. જે આજે કરવાની જરૂર છે તે કરી નાખ્યું હજારો વર્ષ પહેલાં. અવતાર નંબર સાતમાં આવ્યા શ્રીરામ તરીકે અને જિંદગી પૂરી કરી વનમાં, સોનાના મૃગની શોધમાં, રાવણ સાથે લડવામાં. આ સાત અવતારો બાદ વિષ્ણુજીએ વિચાર કર્યો, હવે પછીના અવતારમાં આવીશ એક સ્માર્ટ, પોલિટિશિયન અને સર્વોત્તમ શિક્ષકના અવતારમાં. 5000 વર્ષ પહેલાં, આઠમા અવતારમાં વિષ્ણુજી આવ્યા પ્રો. કે. વી. યાદવના રૂપમાં અને ઓળખાયા શ્રીકૃષ્ણ તરીકે, કિસન મહારાજ તરીકે. કરવા જેવું, સમજાય તેવું, ન સમજાય તેવું ઘણું બધું કર્યું. પણ આજે એમની પહેચાન છે શ્રીમદ્ ભગવદ્ ગીતાથી. ઈશ્વરના અવતારનો પુરાવો આપવા કિસન મહારાજે ગીતામાં એવા વિષયોની ચર્ચા કરી જે આજે પણ સુસંગત છે, રેલેવન્ટ છે. દા.ત. આજના અનિશ્ચિતતા, અસ્થિરતા, અતિરેકના, ઊથલપાથલના માહોલમાં સફળતાની કોઈ ગેરંટી નથી. જરૂર છે જે કરવા જેવું છે તે પૂરી તાકાતથી કરી નાખવાની. પરિણામ તરફની આસક્તિ, ઓબ્સેશન, સ્ટ્રેસ આપશે. જિંદગીની પેટર્ન એવી છે કે કભી ખુશી, કભી ગમ. ભારત દુનિયાની ત્રીજી ઇકોનોમી બનશે એની ખુશાલી તોડી નાંખી ટ્રમ્પે. યુદ્ધ પતશે એટલે ફરી ખુશી. કિસન મહારાજ કહે છે કે સ્થિતપ્રજ્ઞ રહો. વધારે પડતા ખુશ અને વધારે પડતા દુઃખી થવાની જરૂર નથી. યોગની વાતો કરવી ફેશનમાં છે. યોગનો અર્થ કરવામાં આવે છે અટપટાં આસનો. પ્રો. યાદવે યોગની વ્યાખ્યા કરી ફક્ત ત્રણ શબ્દોમાં: ‘યોગઃ કર્મસુ કૌશલમ્.’ કાર્યની કુશળતા યોગ છે. જે કરો એ પૂરી કુશળતાથી કરો તો યોગીનું લેબલ લાગશે. અહમ્, ઈગોથી થતા ભયંકર નુકસાનનો અનુભવ આજે આપણે કરી રહ્યા છીએ. ઈરાનમાં ભૂમિ-યુદ્ધ થશે તો માર્યો ગયેલો દરેક ઈરાની સૈનિક ‘શહીદ’ ગણાશે. વતનના રક્ષણ માટે જાનની કુરબાની આપનાર. પણ માર્યો ગયેલો દરેક અમેરિકન એના દેશનું રક્ષણ કરતા શહીદ થયો નથી. એક માનસિક બીમારીથી પીડાતા પ્રેસિડેન્ટના અહમના, ઈગોના રક્ષણ માટે મરી જશે. કિસન મહારાજ ઈગોની એસીતેસી કરતા અર્જુનને કહે છે, ‘તને ઠીક લાગે તે કર– યથેચ્છસિ તથા કુરુ.’ ગીતા આખી જ્ઞાનનો કુંભ છે, પણ એમાં એક જબરજસ્ત ટ્રેડ ડીલ છે જે સાવ સસ્તામાં, પિઝાની એક નાની સ્લાઈસની કિંમતમાં તમને કૃષ્ણ ભગવાનના પરમ દોસ્ત બનાવશે. ગીતાના 18મા અધ્યાયના શ્લોક નં. 68 અને 69માં કિસન મહારાજ ગેરંટી આપે છે કે જે એમનો સંદેશો અન્ય લોકોને આપશે તે એમનો પરમ મિત્ર કહેવાશે. બજારમાં, પિઝાની સ્લાઈસની કિંમતમાં ગીતાજીની કિતાબો મળે છે. મેં આઠ ચીતરી મારી છે. તમને પરવડે એવી બે-પાંચ ખરીદી દોસ્તોને ભેટ કરો અને કૃષ્ણ ભગવાનના દોસ્ત બનો. રૂપિયાના ચાર અડધા. થોરામાં ઘનું.
Read Original Article →