મેંદી રંગ લાગ્યો:વડતાળે ફૂલવાડી હિંડોળો આંબાની ડાળ…

Magazine4/29/2026, 12:50:00 AM
મેંદી રંગ લાગ્યો:વડતાળે ફૂલવાડી હિંડોળો આંબાની ડાળ…
વડતાળે ફૂલવાડી હિંડોળો આંબાની ડાળ, રુપાં કડાં બે ચાર વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે નાંગર્યો હિંડોળો આંબાની ડાળ, રુપાં કડાં બે ચાર વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. માથે મેવાડી મોળિયાં હિંડોળો આંબાની ડાળ, ખંભે ખંતીલો ખેસ રે વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. બાંયે બાજુબંધ બેરખાં હિંડોળો આંબાની ડાળ, દસે આંગળીએ વેઢ રે વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. કેડે કટારાં વાંકડાં હિંડોળો આંબાની ડાળ, મરગલડી તરવાર્ય રે વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી હિંડોળો આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ રે વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ. ઝવેરચંદ મેઘાણીજીએ પોતાના ઉત્તમ લોકગીત સંપાદન ‘રઢિયાળી રાત’માં આ લોકગીત સમાવ્યું છે. મેઘાણીજીએ ગીત ઉપર અડધી લીટીની નોંધ મૂકી છે કે ‘સહજાનંદ સ્વામીને સંબોધાયેલું લાગે છે. ’ અર્થાત્ આ લોકગીત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી માટે કોઈ હરિભક્તે રચ્યું-ગાયું હોય એવું તેમનું માનવું હતું. આપણે પણ એમ માનીને જ ચાલીએ. સહજાનંદ સ્વામીનો જન્મ ઈ. સ. 1781માં ઉત્તર પ્રદેશના છપ્પૈયામાં થયો હતો. બાલ્યાવસ્થામાં જ પૂર્વજન્મના સંસ્કાર જાગૃત થયા ને તેમણે હિમાલયની વાટે પ્રયાણ કર્યું. યુવાવસ્થામાં કદમ માંડે ત્યાં જ તેમણે 12, 000 કિલોમીટરની તીર્થયાત્રા કરી ને ‘નીલકંઠવર્ણી’ તરીકે ખ્યાત થયા. ગુજરાતના સંત રામાનંદ સ્વામીજી પાસે દિક્ષા ગ્રહણ કરીને સ્વામી સહજાનંદ બન્યા. સ્વામીજી સમાનતા, વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજ નાબૂદી, વ્યસનમુક્તિ સહિતનાં અનેક સુધારાવાદી કાર્યો અને ‘શિક્ષાપત્રી’ જેવો ઉત્તમ ગ્રંથ આપી કરોડો લોકોનાં મનમંદિરમાં ભગવાન સ્વામીનારાયણ તરીકે સ્થાન પામ્યા. અમદાવાદ, વડતાલ, ભૂજ, ધોલેરા ગઢડા (સ્વામીના), જૂનાગઢમાં શિખરબદ્ધ મંદિરો બંધાવી પોતે જ મૂર્તિ સ્થાપિત કરીને સ્વામીનારાયણ સંપ્રદાયને ખૂબ પ્રચલિત કર્યો. રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે તેઓ પધાર્યા ત્યારે બનેલી એક ઘટના આજે પણ જીવંત છે. શ્રી હરિની ઉપસ્થિતિમાં સ્વામી ગોપાળાનંદ સ્વામીની પાઘમાં બોરડીનો કાંટો ફસાતાં ગોપાળાનંદ સ્વામીએ બોરડીને મીઠો ઠપકો આપ્યો ને કહેવાય છે કે બોરડીના કાંટા ખરી ગયા. આજે પણ આ બોરડી નિષ્કંટક છે! હરિભક્તો તેને ‘પ્રસાદીની બોરડી’ કહે છે ને તેને પ્રદક્ષિણા, સ્પર્શ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આવા યુગપુરુષ વડતાલમાં ફૂલવાડીએ હિંડોળે હિંચકતા હતા ત્યારે તેમણે ધારણ કરેલા અલંકારોનું વર્ણન કરતું આ લોકગીત છે. આંબાની ડાળે રુપાંનાં કડાં, સોનાની સાંકળે હિંડોળો બાંધ્યો છે પણ રચયિતાએ ‘નાંગર્યો’ જેવો દેશાણ શબ્દપ્રયોગ કર્યો છે. સ્વામીનારાયણ ઝૂલે છે ત્યારે માથે મોળિયાં, ખભે ખેસ, બાજુબંધ બેરખાં, દસેય આંગળીએ વેઢ એમ વાલો પોતાના તેજ અને આભૂષણો થકી દીપી ઊઠ્યા છે. આ લોકગીતના મુખડામાં વડતાલનો ઉલ્લેખ છે એટલે સહજાનંદ સ્વામી માટે ગવાયેલું હશે એવું મેઘાણીભાઈએ ઉલ્લેખ્યું છે બાકી આ પ્રકારનાં હિંડોળાંગીતો અન્ય પણ મળે છે ને વસ્ત્રાભૂષણોનું વર્ણન કૃષ્ણગીતો અને રાજાઓ કે વીરપુરુષોનાં લોકગીતોમાં પણ મળી આવે છે.
Read Original Article →