ઈમિગ્રેશન:B-1, B-2 વિઝિટર વિઝા મેળવવા શું કરું?
રમેશ રાવલ સવાલ : મને 2010માં અમેરિકાના વિઝિટર વિઝા B-1, B-2 મળ્યા પછી તે જ વર્ષમાં J-1 વિઝા માટે એપ્લાય કરેલું અને હું 2011માં ઇન્ડિયા પાછો આવેલો. J-1 વિઝા મળ્યા પછી હું, મારી પત્ની અને મારી પુત્રી 2012માં અમેરિકા ગયેલાં. ત્યાર પછી મારો J-1 વિઝા રિન્યૂ નહીં થવાથી મેં ફરીથી એપ્લાય કરેલું તો તે પણ રિજેક્ટ થયેલું, તેથી અમે ઓક્ટોબર 2016માં ઇન્ડિયામાં પાછાં આવેલાં. મારી દીકરી અમેરિકામાં સ્ટડી કરે છે. હવે મને અમેરિકાના B-1, B-2 વિઝિટર વિઝા મળે?
- શશીકાંત ભટ્ટ, જૂનાગઢ
જવાબ : ના. તમે આ વિઝા મળ્યા પછી પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા હો તેવું લાગે છે. જો તમે વિઝાની મર્યાદાથી એક પણ દિવસ વધારે રહ્યા હો અથવા બીજી વારના રિજેક્શન પછી પણ અમેરિકામાં વધુ રહ્યા હો તો તમે ઓવરસ્ટે કર્યો ગણાય અને તે કારણે વિઝિટર વિઝા મેળવવામાં પ્રોબ્લેમ થઈ શકે.
સવાલ : મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે પાંચ વાર એપ્લાય કરેલું અને પાંચેય વાર વિઝા રિજેક્ટ થયેલા છે. એજન્ટની સલાહથી બે વાર મેં એકલાએ, એકવાર મારા ફેમિલી સાથે, એકવાર મારી પુત્રી સાથે અને છેલ્લી વાર મારાં પેરેન્ટ્સ સાથે વિઝા માટે એપ્લાય કરેલું. ત્યાર પછી મેં કેનેડાના ટુરિસ્ટ વિઝા માટે મારી પત્ની સાથે એપ્લાય કરેલું તે પણ રિજેક્ટ થયેલું, કારણ કે મારા એજન્ટે વિઝા ફોર્મમાં ઘણી ભૂલો કરેલી. હવે તમારી સલાહ માગું છું કે હું ફરીથી નવી અરજી કરું?
- રાજીવ પટેલ, સુરત
જવાબ : ના. કેટલાક લોકો મને કહે છે કે મેં ચાર, પાંચ કે સાત વાર વિઝા માટે એપ્લાય કરેલું તે દરેકવાર રિજેક્ટ થયું છે. આમ કહે ત્યારે લાગે કે જો વારંવાર એપ્લાય કરવાથી અમેરિકાના વિઝા મળી જતા હોય તો તે રીતે વારંવાર એપ્લાય કરવાની રીત અપનાવીને કે લાખ-દોઢ લાખ ખર્ચીને પણ વિઝા મેળવવાની કોશિશ હજારો માણસો કરતા હોત, પણ ખરેખર તેમ બનતું નથી. મારા મતે વિઝા પહેલી વાર રિજેક્ટ થાય ત્યાર પછી બીજી વાર તેના માટે એપ્લાય કરીને નાણાંનો દુર્વ્યય કરતાં પહેલાં દસ વાર વિચારવું જોઈએ. વિઝા રિજેક્ટ થયા પછી તરત જ એપ્લાય કરવું કે નહીં તેનો નિર્ણય બહુ વિચારીને અને ઇમિગ્રેશન નિષ્ણાંતને કન્સલ્ટ કરીને લેવો. પહેલી વખત વિઝા ફોર્મમાં અને ઇન્ટરવ્યૂમાં શું ભૂલો થઈ હતી તેનો વિચાર કરી લેવો પણ બહુ જરૂરી છે. વિઝા એપ્લિકેશન ફોર્મ અને ઇન્ટરવ્યૂ નિષ્ણાત લોયર મારફતે જ તૈયાર કરાવવા જોઈએ. હવે તમે છઠ્ઠી વાર એપ્લાય કરવા માગતા હો તો નિષ્ણાતની સલાહ લેવી તમારે જરૂરી છે. વિઝા મળવાની શક્યતા મને જણાતી નથી.
સવાલ : મારે અમેરિકાના વિઝિટર વિઝા માટે અરજી કરવી છે. હું બે વર્ષ માટે U.K. WHM વિઝા ઉપર જઈને સમયસર ઇન્ડિયા પાછો આવ્યો છું. હું મારા યુ.કે. વિઝાની કોપી અમેરિકાના વિઝાની ફાઇલ સાથે મૂકું તો મને વિઝિટર વિઝા મેળવવામાં બેનિફિટ મળે?
- સુરેશ જાની, અમદાવાદ
જવાબ : ના, એમ ન થઈ શકે, કારણ કે અમેરિકાના ટુરિસ્ટ-વિઝિટર વિઝાના ફોર્મ સાથે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ, લેટર કે એટેચમેન્ટ મોકલી શકાતાં નથી. માત્ર વિઝા ફોર્મ જ ઓનલાઇન ફાઇલ કરવાનું હોય છે. વિઝાના ઇન્ટરવ્યૂમાં માત્ર પાસપોર્ટ જોવાય છે અને તે પહેલાં તમારા ફોર્મનો સ્ટડી થાય છે. વિઝા ફોર્મમાં છેલ્લાં પાંચ વર્ષમાં તમે ઇન્ડિયાની બહાર જે ફોરેન કન્ટ્રીમાં ગયા હો તેની વિગત આપવી પડે છે. તમે યુ.કે. પાંચ વર્ષની અંદર ગયા હોય તો ફોર્મની એક કોલમમાં તમે વિઝિટ કરેલા કન્ટ્રીનું નામ લખવું પડે. એટલે ખાસ સલાહ છે કે તમે વિઝા ફોર્મ પરફેક્ટ તૈયાર કર્યા પછી જ એપ્લાય કરજો અને તમને ઇન્ટરવ્યૂની જે તારીખ મળે તે પહેલાં ઇન્ટરવ્યૂની પૂરેપૂરી તૈયારી કરજો.
સવાલ : 4 હું અમેરિકાના શિકાગો H-4 EAD દ્વારા સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરું છું. મારા પેરેન્ટ્સ વિઝિટર વિઝા મેળવી અહીં આવ્યાં છે. મારી ત્રણ Aunts અમેરિકાનાં સિટીઝન છે. તેઓ મારા પેરેન્ટ્સ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન કરે તો તેમના (મારા પેરેન્ટ્સના) વિઝિટર વિઝાની શું પરિસ્થિતિ થાય?
- મુકુંજ મહેતા, સુરત
જવાબ : તમે Aunts એટલે કે તમારાં ફોઈ, કાકી, માસી કે મામી થાય છે તે જણાવ્યું નથી, કારણ Auntsનો અર્થ આ ચાર સગાંઓનો થાય છે. જો તેઓ ફોઈ અથવા માસી હોય તો F-4માં પિટિશન થઈ શકે. ઇમિગ્રન્ટ વિઝા મળતા ઘણાં વર્ષો લાગી શકે છે. તેના કરતાં વિઝિટર વિઝા દ્વારા અમેરિકા વિઝિટ કરવી વધારે યોગ્ય છે. જોકે, જો તમે ગ્રીનકાર્ડ માટે પ્રીમિયમ ફી ભરી શકો તો ઇમિગ્રન્ટ પિટિશન જલ્દી મંજૂર થઈ શકે.
સવાલ : મને અને મારી પત્નીને 10 વર્ષના અમેરિકાના વિઝિટર વિઝા મળેલા છે. અમે બંને બે વાર અમેરિકા જઈ આવ્યાં છીએ. ત્યાર પછી અમે અમેરિકા ગયાં નથી. અમારા બંને દીકરામાં એક H-1 ઉપર અને બીજો F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં રહે છે. અમે અમેરિકાની વિઝિટ કરીએ એ પહેલાં અમારા વિઝા પૂરા થઈ જાય તો તેને રિન્યૂ કરવા ગાઇડ કરશો? - મહેશ શાહ, અમદાવાદ
જવાબ : તમારા વિઝા જે તારીખે પૂરા થતા હોય તે તારીખ પહેલાં તમારે અમેરિકા જવું હોય તો રિન્યૂ કરવાની જરૂર નથી, કારણ કે તમે કેટલાંક વરસોથી અમેરિકા ગયાં નથી અને તમારી સ્ટ્રોંગ ફેમિલી ટાઈઝ ઇન્ડિયામાં નહીં, પરંતુ અમેરિકામાં છે. તેના કરતાં હાલ ચાલુ છે તે વિઝા ઉપર અમેરિકાના એરપોર્ટ પર પૂછાતા પ્રશ્નો તથા મગાતા ડોક્યુમેન્ટની જાણકારી મેળવીને જ અમેરિકા જવું હિતાવહ છે. વારંવાર વિઝિટર વિઝા ઉપર અમેરિકા જનાર કેટલીક વ્યક્તિઓને ઘણા સવાલો પૂછવામાં આવે છે. એ સંભવિત સવાલો તેમજ તેના અપાવા જોઈતા જવાબો તમારે અગાઉથી જાણી-સમજી લેવા જોઈએ. એ તમને નિષ્ણાત જ કહી શકે, નહીં તો વિઝા રિજેક્ટ થઈ શકે છે.
Read Original Article →