ઈમિગ્રેશન:કોન્વોકેશન માટે વિઝા મળે?

Magazine4/15/2026, 12:50:00 AM
ઈમિગ્રેશન:કોન્વોકેશન માટે વિઝા મળે?
સવાલ : અમે 2026માં 6 મહિના માટે અમેરિકાની વિઝિટ કરવા માંગીએ છીએ. આ પહેલાં અમે બે વાર 2021માં અને 2023માં એમ બંને વાર 6 મહિના અમેરિકામાં રહ્યાં છીએ.- બિપિન ગુપ્તા, અમદાવાદ જવાબ : હાલમાં અમેરિકાના તમામ પ્રકારના વિઝાના નિયમોમાં ઘણા મહત્ત્વના સુધારા થયા હોવાથી અમેરિકામાં અનેકવાર કે 6 મહિના દર વર્ષે કે બીજા-ત્રીજા વર્ષમાં રહેવું સલાહભર્યું નથી. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારો ફોન ચેક થાય છે, જેમાં સોશિયલ કે બીજી કોઈ એડવર્સ માહિતી મળે તો પ્રોબ્લેમ થઈ શકે. તેથી હવે જવું હોય તો ચાર વીક માટે જવું જોઈએ, 6 મહિના નહીં. સવાલ : મારી ઉંમર 84 વર્ષની છે. મારા દીકરો તથા દીકરી બંને અમેરિકામાં છે. હું માર્ચ 2025માં અમેરિકા જઈને જૂન 2025માં ભારત પાછી આવી ગઈ હતી. તે દરમિયાન માર્ચ 2025માં મારા પતિનું અવસાન થયું. હું ભારત પાછી આવી પછી મારા દીકરાએ મારા ગ્રીનકાર્ડ માટે પિટિશન ઇન્ડિયાથી ફાઇલ કરેલી છે. મારા વિઝિટર વિઝા ફેબ્રુઆરી 2029 સુધીના જ છે. તો મારાથી ફેમિલીને વિઝિટ કરવા સમર વેકેશનમાં અમેરિકાની વિઝિટ કરી શકાય? - એક વાચક, સુરત જવાબ : હા, વિઝિટ કરી શકાય. તમારો પાસપોર્ટ 6 મહિનાથી વધુ વેલિડિટીવાળો હોવો જોઈએ, પરંતુ અમેરિકાના એરપોર્ટ ઉપર તમને ઘણા સવાલો પૂછાશે તેના સંતોષકારક જવાબો તૈયાર કરવા જોઈએ, કારણ કે ઓફિસરને શંકા પડશે કે તમારી સ્ટ્રોંગ ફેમિલી ટાઈઝ ભારતમાં રહેતી નથી અને ફેમિલી ટાઈઝ અમેરિકામાં જ છે. બીજું, તમારી ઇમિગ્રેશન પિટિશન પેન્ડિંગ છે તેમ આ બે કારણોને લીધે તમે ભારત પાછા આવશો નહીં અને સ્ટેટસ ચેન્જ કરાવશો. તમારી પિટિશન તમારા દીકરાએ ઇન્ડિયામાં નહીં પરંતુ અમેરિકાથી જ કરી હશે. અને હા, તમારી પિટિશનની કઈ કેટેગરી છે તે તો તમે જણાવ્યું પણ નથી. તેથી તમારી પરિસ્થિતિ જોતા તમારો ફોન નંબર મને ઈમેલ કરવાથી હું પૂરી માહિતી આપી શકું, કારણ કે તમારી મુશ્કેલીઓનો સામનો તમારે એકલાએ જ કરવો પડે નહીં તેથી જ મદદ કરવા કોશિશ કરવા માંગું છું. હું કોઈ ફી લેતો નથી. સવાલ : અમારી F-4ની પિટિશનમાં અમારા 24 વર્ષના પુત્રને એજીંગ આઉટની અપીલને લીધે ઈમિગ્રન્ટ વિઝા મળેલા છે, પરંતુ બીજો પુત્ર 27 વર્ષનો છે, જેને અમેરિકામાં H-1B વિઝા મળ્યા છે અને તે પાંચ વર્ષથી ત્યાં જ રહે છે. તો અપરિણીત છે તો તેના માટે કોઈ પ્રોસેસ થઈ શકે? - મહેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ જવાબ: તમારા પુત્ર માટે ગ્રીનકાર્ડ સારું F-2B કેટેગરીમાં પિટિશન ફાઇલ કરી શકાય જે ગ્રીનકાર્ડ ધારકના 21 વર્ષ ઉપરાંતનાં અપરિણીત પુત્રો તથા પુત્રીઓ માટે છે. સવાલ : અમારો પુત્ર માસ્ટર્સ ડિગ્રી માટે સપ્ટેમ્બર 2025માં અમેરિકા ગયો છે. તેના કોન્વોકેશનમાં જવા માટે અમે તેનાં પેરેન્ટ્સ તરીકે વિઝિટર વિઝા લેવા પતિ-પત્નીએ એકસાથે કે અલગ-અલગ એપ્લાય કરવું કે પછી જુદાં-જુદાં એપ્લાય કરવું જોઈએ? - નિરવ ભટ્ટ, અમદાવાદ જવાબ: કોન્વોકેશન માટે સામાન્ય રીતે બંનેએ એક સાથે જ એપ્લાય કરવું જોઈએ, કારણ પેરેન્ટ્સને વિઝા અપાય છે, પરંતુ તમારા પુત્રને ડિગ્રી મળવાનો હજુ ઘણો સમય બાકી છે. તેથી તેની ડિગ્રી મળ્યા પછી તેની કોલેજ કે યુનિવર્સિટીમાંથી તમને કોન્વોકેશનમાં હાજર રહેવાનું આમંત્રણ મંગાવ્યા પછી એપ્લાય કરી શકાય. વિઝા ફોર્મ, ઇન્ટરવ્યૂ તેમજ ડોક્યુમેન્ટ્સ વગેરેની પૂરેપૂરી તૈયારી કર્યા પછી જ ઇન્ટરવ્યૂ આપવો જોઈએ. સવાલ : અમારી F-4ની પિટિશન 2007માં મારા માટે અને મારાં મધર-ફાધર માટે મારાં ફોઈએ ફાઇલ કરી હતી. એ પછી મારા નાના ભાઈનો 2009માં જન્મ થયો હોવાથી તેનું નામ હવે એમાં દાખલ કરવા માટે શું કરવું? મારા નામમાં સ્પેલિંગની ભૂલ છે તે સુધારી શકાય?- અભિષેક શાહ, સુરત જવાબ: હા, બંને કાર્ય N.V.C.માંથી વેલકમ લેટર આવે તે પહેલાં જ તમારી પિટિશન કરનારે અમેરિકન એટર્ની મારફતે તમારા નાના ભાઈનું બર્થ સર્ટિફિકેટ સાથે તેમજ તમારું સાચું નામ પુરવાર કરવાના સર્ટિફિકેટ એમ બે જુદા જુદા પત્રો સાથે અરજી તાત્કાલિક કરવી જોઈએ. સવાલ : અમે પતિ-પત્નીને 10 વર્ષ માટે ગ્રીનકાર્ડ મળ્યાં પછી અમે બંને બે વાર 6-6 મહિના અમેરિકામાં રહ્યાં હતાં. ત્યારબાદ કોરોનાના બે વર્ષને લીધે અમે ગયાં નથી. આ વર્ષે પણ અમારી શારીરિક માંદગીને લીધે અમે અમેરિકા જઈ શકીએ તેમ નથી. તો હવે કોઈ ફોર્માલિટી કરવી પડે?- રાજેશ પંડ્યા, અમદાવાદ જવાબ: તમારાં ગ્રીનકાર્ડ હવે સુરક્ષિત નથી, કારણ કે તમે 3 વર્ષ સુધી ભારતમાં રહ્યાં છો. તમે ગ્રીનકાર્ડ સરેન્ડર કરીને વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી શકો છો અથવા મુંબઈ કોન્સ્યુલેટમાં રી-એન્ટ્રી પરમીટ માટે એપ્લાય કરી શકાય છે, પરંતુ તે મળશે જ તેવું ચોક્કસ નથી કારણ કે 3 વર્ષ ભારત કેમ રહેવું પડ્યું તેના પુરાવા રજૂ કરવા મુશ્કેલ છે. તેથી વિઝિટર વિઝા એ વિકલ્પ છે. જો અરજી કરવી હોય તો DS-117 નંબરનું ફોર્મ ફાઈલ કરવું પડે. સવાલ : અમારી ફેમિલીની F-3 કેટેગરીની પિટિશનની પ્રાયોરિટી ડેટ 21-12-2011 છે, જેનો N.V.C.માં ડોક્યુમેન્ટરિલી ક્વોલિફાઈડ (D.Q.)નો લેટર તારીખ 4-2-2025ના રોજ ઇમેલ આવી ગયો છે. તો અમારો વિઝા કોલ ઇન્ટરવ્યૂ 2026માં ક્યારે આવશે? - ધવલ પટેલ, અમદાવાદ જવાબ: સૌ પ્રથમ તમારે N.V.C.માં તમારી પિટિશન કરનારે ઈમેલ કરવાથી આનો જવાબ મળી શકે, કારણ કે એક વર્ષ ઉપરાંત થઈ જવા છતાં ઇન્ટરવ્યૂ આવ્યો નથી. તેમ છતાં આ વર્ષના અંત સુધીમાં કોલ લેટર આવવાની શક્યતા છે. એટલે તમારા કેસમાં એટલું કહી શકાય કે જો અનેક પિટિશન પેન્ડિંગ વિઝા કોલ માટે હશે તો 2027 સુધી રાહ જોવી પડશે. સવાલ : મારા અમેરિકાના વિઝિટર વિઝા ડિસેમ્બર 2026માં પૂરા થાય છે, તો તે રિન્યૂ કરવા ડ્રોપ બોક્સમાં એપ્લાય કરવું જોઈએ?- ધીરજ તિલવા, વડોદરા જવાબ: હા, ડ્રોપ બોક્સ અમદાવાદમાં એપ્લાય કરી શકાય છે. જો તમે વારંવાર વિઝા પર અમેરિકા જઈને ઘણા સમય સુધી ત્યાં રહ્યા હો નહીં તો ડિસેમ્બર 2026 સુધીમાં અમેરિકા જઈ શકો. તમારો પાસપોર્ટ ટ્રાવેલ કરો ત્યારે 6 મહિનાની વેલિડિટીનો હોવો જોઈએ.
Read Original Article →