અમેરિકાએ 657 કળાકૃતિ ભારતને પરત કરી:ભારતની મૂલ્યવાન મૂર્તિઓ પરદેશમાં પહોંચે છે કઈ રીતે?
‘વિવિધ તપાસ દરમિયાન અમને આ મૂર્તિ, કળાકૃતિ, શિલ્પ-સ્થાપત્ય વગેરે સામગ્રી મળી હતી. કુલ સંખ્યા 657 થાય છે. આજના હિસાબે કિંમત 14 મિલિયન ડૉલર (અંદાજે 133 કરોડ રૂપિયા) થાય છે. અમે એ સામગ્રી ભારતને પરત કરીએ છીએ.’
મેનહટ્ટન (ન્યૂયોર્ક નગરનો એક ભાગ) ડિસ્ટ્રિક્ટ એટર્નીએ આપેલી ઘણી વિગતોમાં ઉપરોક્ત માહિતીનો સમાવેશ થાય છે. સોંપણીની વિધિ ન્યૂયોર્કમાં આવેલી ભારતીય એમ્બેસી ઑફિસ ખાતે યોજાઈ હતી. કોઈ બીજો દેશ ભારતને તેમની મૂલ્યવાન કળાકૃતિ પરત કરે એવા ઘણા કિસ્સા બનતા રહે છે. એવા કિસ્સા બનવાનાં બે કારણ છે.
એક તો એ કે બ્રિટિશરોએ બસ્સો વર્ષના શાસન દરમિયાન ભારતમાંથી જે હાથ લાગ્યું ઉપાડી લીધું હતું. કોહિનૂર હીરાને આપણે ઓળખીએ છીએ, પણ એ સિવાયની સંખ્યાબંધ સામગ્રી છે. એમાં પ્રાચીન સમયનાં માટીનાં વાસણો પણ છે અને તાંબા-પિત્તળની મૂર્તિઓ પણ છે. એ બધું જો બ્રિટિશરો પરત કરવા જાય તો તેમનાં મોટાભાગનાં સંગ્રહાલયો ખાલી થઈ જાય.
બીજું કારણ એ છે કે ભારતની વિવિધ કળાસામગ્રી એક-યા બીજી રીતે દાણચોરી પામીને પરદેશ પહોંચતી રહે છે. એક વખત દેશ બહાર નીકળી ગયા પછી તેનાં મૂળ-કુળની તપાસ કરવી અઘરી પડે. સુભાષ કપૂર જેવા આંતરરાષ્ટ્રીય દાણચોરો એ સામગ્રી એક દેશમાંથી બીજા દેશમાં ફેરવી તેની હરાજી કરતા રહે છે. જેમ કે એપ્રિલના અંતે અમેરિકાએ જે સામગ્રી પરત કરી એ 1982માં દાણચોરી દ્વારા અમેરિકા પહોંચી હતી.
કપૂર તો અત્યારે ભારતની જેલમાં છે. અમેરિકામાં પણ તેના અને તેના સાથીદારો સામે ગુના નોંધાયા છે. માટે અમેરિકી તપાસ એજન્સીઓ જ્યારે જરૂર પડે ત્યારે દરોડા પાડે, તપાસ કરે. એમાં કળાકૃતિ પણ મળી આવે અને ચોર પણ ઝડપાઈ જાય. એમ જ આ સામગ્રી મળી આવી હતી.
ભારતને કળાકૃતિઓ 2026માં મળી રહી છે, પણ એ મળવાની શરૂઆત તો ઘણા સમય પહેલાં થઈ હોય. આવી કળાકૃતિ મળે એટલે સૌથી મોટો પ્રશ્ન તેની ખરાઈ કરવાનો હોય. સામાન્ય નાગરિકોને અત્યારની મૂર્તિ અને બે-પાંચ હજાર વર્ષ પહેલાંની મૂર્તિ સરખી જ લાગે. કળાકૃતિના નિષ્ણાતો એ બધું તપાસે, તેને પ્રમાણપત્ર આપે, તેનું મૂલ્ય આંકે. એ પછી બન્ને દેશો વચ્ચે આપ-લે માટે કરાર થાય. કોઈ કાનૂની અડચણો હોય તો દૂર કરવામાં આવે. એ પછીના તબક્કે સામગ્રી ખરેખર પરત થાય. એ લાંબી ચાલતી અને સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે.
ભારતને અમેરિકાએ મૂર્તિ-કળાકૃતિ પરત કરી હોય એવો આ કંઈ પહેલો બનાવ નથી. 2016ના જૂનમાં વડાપ્રધાન મોદી અમેરિકા ગયા ત્યારે પણ અમેરિકાએ 200 જેટલી આવી ચોરી પામેલી કળાકૃતિ પરત કરી હતી.
અમેરિકાએ ચોરીની સામગ્રી રાખી લેવાને બદલે પરત કરી દીધી છે. પણ બ્રિટિશરો પરત ન કરવા માટે બદનામ છે. યોગાનુયોગે અમેરિકાએ ભારતને સામગ્રી પરત આપી એ દિવસોમાં બ્રિટિશરોના રાજા ચાર્લ્સ અમેરિકા હતા. તેને મળતી વખતે ન્યૂયોર્કના (ચૂંટાયેલા) મેયર જોહરાન મદદાનીએ સળી કરી. રાજાને કહ્યું કે તમારે ભારતનો કોહિનૂર હીરો પરત આપી દેવો જોઈએ.
મમદાનીના વિધાનથી કોઈ ફાયદો નથી પણ ઘમંડી બ્રિટિશ રાજાનો ચહેરો વધારે લાલ જરૂર થયો છે. કેમ કે કોહિનૂર અમેરિકાના કબજામાં નથી, બ્રિટિશરોના કબજામાં છે. એ પરત કરવો, ન કરવો અ મમદાનીનું કાર્યક્ષેત્ર નથી. પણ કહેવામાં શું જાય છે?
2026માં જ ઈજિપ્તે જગતના સૌથી ભવ્ય પૈકીનું એક એવું ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમ ખુલ્લું મુક્યું. એ વખતે ઈજિપ્તે પોતાની મૂલ્યવાન (અને બ્રિટિશરોએ ચોરેલી) સામગ્રી પરત આપવા કહ્યું હતું.
દાણચોરો બરાબર જાણતા હોય છે કે આવી મૂલ્યવાન સાગમ્રી ક્યાંથી ચોરવી. મોટેભાગે અવાવરૂ અને ઓછી અવરજવરવાળાં સ્થાપત્યો પસંદ કરવામાં આવે છે. ભારતમાં આવાં સ્થળોની કોઈ કમી નથી. એક વખત એ સામગ્રી ભારતની સરહદ બહાર નીકળી જાય પછી ભારતીય કાનૂનના ગમે એટલા લાંબા હાથ પણ તેને પહોંચી શકતા નથી.
ભારતમાં એન્ટિક્વિટી એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ (1972) અમલમાં છે. એ હેઠળ 100 વર્ષથી જૂની કળાકૃતિઓ, 75 વર્ષથી જૂની હસ્તપ્રતો વગેરે પરદેશમાં લઈ જવા પર પ્રતિબંધ છે, પણ સવાલ એ છે કે એ જતી હોય ત્યારે કોને ખબર પડે કે એ સામગ્રી કેટલી જૂની છે?
આવી સામગ્રી મોટે ભાગે વિમાન દ્વારા નથી મોકલાતી, કેમ કે એરપોર્ટ પર તુરંત પકડાઈ શકે. સમુદ્રી રસ્તો અપનાવાય છે. સામગ્રીને વિવિધ દેશોમાં વાયાવાયા પણ કરાય છે. જેથી તેનું પગેરું શોધવું વધારે કઠિન થાય.
પરદેશમાં તેના માલિકો બદલાતા રહે, હરાજી થાય અને મૂલ્ય વધતું જાય. તપાસ કરવાની દરેક દેશની રીત અલગ છે. અમેરિકા નિયમિત રીતે દરોડા પાડે છે એટલે ત્યાંથી આવી સામગ્રી પરત આવતી રહે છે.
મોદી સરકાર આવી કળાકૃતિઓ પરત આવે એ માટે વધારે સક્રિય છે. એટલે જે દેશમાંથી જે સામગ્રી મળી શકે એમ હોય મેળવવા પ્રયત્નશીલ છે જ. અગાઉની સરકારોએ એમાં ખાસ ધ્યાન આપ્યું ન હતું. તો પણ ભારતે મેળવવાની સામગ્રીનું લિસ્ટ બહુ મોટું છે.યુનેસ્કોના અંદાજ મુજબ આઝાદી પછી ભારતની 50 હજારથી વધારે કળાકૃતિઓ દાણચોરી દ્વારા દુનિયાભરમાં પગ કરી ગઈ છે. એ બધી ભારતમા ફરી પગ કરે એમાં વાર તો લાગશે જ. ગણેશની આ નૃત્યમુદ્રા પણ દુર્લભ છે. સુભાષ કપૂરના ચોર સાથીદારોએ 2000ની સાલમાં મધ્ય પ્રદેશના મંદિરમાંથી તેને ઉઠાવી હતી. ન્યૂયોર્ક પહોંચી. 2012માં તેની હરાજી થઈ અને ખરીદનારે સરકારને સોંપી દીધી. 36 અમેરિકાનો ધ એન્ટિક્વિટિઝ ટ્રાફિકિંગ યુનિટ (એટીયુ) નામનો વિભાગ દેશભરમાં આવી તપાસ કરતો જ રહે છે. આ વિભાગે કુલ તો 6200 કળાકૃતિ મેળવી છે, જેમાં દુર્લભ ચિત્રો, પુસ્તકો, કળાકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે. એ બધી સામગ્રી એકલા ભારતની નથી, વિવિધ 36 દેશોની છે. એમને પણ પરત કરાઈ છે. 1939માં રાયપુર પાસેથી મળી આવેલી ભગવાન બુદ્ધની અવલોકિતેશ્વર સ્વરૂપની મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી છે. આ મૂર્તિ રાયપુરના ઘાસીદાસ મ્યુઝિયમમાં હતી. 1982માં ત્યાંથી ચોરાઈ અને પછી અમેરિકા પહોંચી.
Read Original Article →