ઈમિગ્રેશન:H-1B ધારક માતા-પિતાને અમેરિકા બોલાવી શકે?
રમેશ રાવલ સવાલ : મારો પુત્ર અમેરિકામાં H-1B વિઝા ઉપર રહે છે. તેના એમ્પ્લોયરે તેનું ગ્રીનકાર્ડ પણ એપ્રૂવ કરાવ્યું છે. હવે મારે અને મારી પત્નીને ત્યાં જઈને સેટ થવું છે. તો શું અમારો પુત્ર અત્યારે અમારાં બંને માટે ઇમિગ્રેશન પિટિશન ફાઈલ કરી શકે?- પરેશ શાહ, વડોદરા
જવાબ: ના, H-1B વિઝા ધારક કે ગ્રીનકાર્ડ પ્રોસેસમાં રહેલી વ્યક્તિ તેનાં માતા-પિતા માટે ઇમિગ્રેશન પિટિશન ફાઈલ કરી શકતી નથી. જ્યારે તમારો પુત્ર અમેરિકાનો સિટીઝન બને, ત્યારે જ તે તમારા માટે IR-5 કેટેગરીમાં પિટિશન કરી શકે. અત્યારે તમે માત્ર વિઝિટર વિઝા (B1/B2) પર ત્યાં મુલાકાત માટે જઈ શકો છો.
સવાલ : હું અને મારો પરિવાર કેનેડાના વિઝિટર વિઝા પર અત્યારે ટોરન્ટોમાં છીએ. શું અમે અહીંથી જ અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરી શકીએ? અને ઇન્ટરવ્યૂ માટે ભારત આવવું પડે? - નિમિષા મહેતા, કેનેડા
જવાબ: હા, તમે કેનેડામાં રહીને અમેરિકાના વિઝિટર વિઝા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ત્યાંના અમેરિકન કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ માટે એપોઈન્ટમેન્ટ લઈ શકો છો. તમારે ભારત આવવાની જરૂર નથી, પરંતુ અત્યારે કેનેડામાં અમેરિકન વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂ માટે લાંબું વેઈટિંગ હોઈ શકે છે, જેની તપાસ કરી લેવી હિતાવહ છે.
સવાલ : મને અમેરિકાના H-1B વિઝા મળ્યા છે. મારો પ્રશ્ન એ છે કે જો હું ત્યાં વિઝિટર વિઝા પર જાઉં અને પછી ત્યાં જઈને સ્ટેટસ ચેન્જ કરાવું તો તે કાયદેસર ગણાય? - આકાશ પટેલ, મહેસાણા
જવાબ: કાયદેસર રીતે વિઝિટર વિઝા માત્ર ફરવા માટે કે ટૂંકા રોકાણ માટે હોય છે. જો તમે વિઝિટર વિઝા ઉપર જઈને તરત સ્ટેટસ ચેન્જ કરાવો, તો ભવિષ્યમાં ઇમિગ્રેશન ઇન્ટેન્ટ (રહેવાનો ઈરાદો) છુપાવવા બદલ તકલીફ પડી શકે. એટલે તમે ભારતમાં જ સ્ટેમ્પિંગ કરાવીને H-1B સ્ટેટસમાં જ અમેરિકામાં પ્રવેશ કરો એ વધારે સારું રહેશે.
સવાલ : મારી પુત્રી અમેરિકામાં F-1-સ્ટુડન્ટ વિઝા ઉપર છે. તેને ભણતાં-ભણતાં ત્યાંના સિટીઝન છોકરા સાથે પ્રેમલગ્ન કરવા છે. તો શું લગ્ન પછી તેને તરત ગ્રીનકાર્ડ મળી જશે? તે તેનો અભ્યાસ ચાલુ રાખી શકશે?
- એક વાચક, આણંદ
જવાબ: હા, અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યાં પછી તે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઈલ કરી શકે છે. આ દરમિયાન તે તેનું ભણવાનું ચાલુ રાખી શકે છે. પિટિશન ફાઈલ કર્યાના થોડા સમયમાં તેને વર્ક પરમિટ મળી જશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ ક્લીયર થશે એટલે ગ્રીનકાર્ડ મળી શકે છે. જોકે, આ માટે કોઈ નિષ્ણાત ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી જરૂરી છે.
સવાલ : મારી પુત્રી અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર માસ્ટર્સ કરી રહી છે. તેને હજુ નોકરી મળી નથી અને તેના વિઝા પૂરા થવા આવ્યા છે. શું તે તેના વિઝા સ્ટેટસને વિઝિટર - B1/B2માં ફેરવી શકે કે જેથી તેને જોબ શોધવા માટે થોડો વધુ સમય મળે?- મનસુખભાઈ, રાજકોટ
જવાબ: હા, કાયદેસર રીતે ચેન્જ ઓફ સ્ટેટસ દ્વારા F-1 માંથી B-1/B-2માં ફેરવવાની અરજી કરી શકાય છે, પણ યાદ રાખજો કે વિઝિટર વિઝા ઉપર તમે નોકરી કરી શકતા નથી. જો તેને આ દરમિયાન કોઈ સ્પોન્સર મળે, તો તેણે ફરીથી સ્ટેટસ ચેન્જ કરાવવું પડે. આ પ્રક્રિયા થોડી અઘરી છે. તેથી કોઈ એટર્નીની સલાહ લેવી જરૂરી છે.
સવાલ : મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે અરજી કરી છે, પણ મને ઇન્ટરવ્યૂની તારીખ 2027ની બતાવે છે. મારે મારા સગાંનાં લગ્નમાં જવાનું છે. શું તારીખ વહેલી મેળવવાનો કોઈ રસ્તો છે?- કિરણ પટેલ, મહેસાણા
જવાબ: હાલમાં ઇન્ડિયામાં વિઝિટર વિઝાના વેઇટિંગ પીરિયડ ખૂબ લાંબા છે. જો તમારા સગાંનાં લગ્ન હોય અથવા કોઈ ફેમિલી ઇમરજન્સી (જેમ કે માંદગી કે મૃત્યુ) હોય, તો તમે ‘Expedited Appointment’- તાત્કાલિક એપોઈન્ટમેન્ટ માટે વિનંતી કરી શકો છો. જોકે, લગ્ન માટે આવી વિનંતી સ્વીકારવામાં આવશે જ તેની કોઈ ખાતરી નથી. તમારે વારંવાર પોર્ટલ ચેક કરતા રહેવું જોઈએ, ક્યારેક સ્લોટ ખાલી થતા હોય છે.
સવાલ : મારો પુત્ર અમેરિકામાં H-1B વિઝા પર છે અને તેનું ગ્રીનકાર્ડ (I-140) એપ્રૂવ થયેલું છે. શું તે તેના સગા નાના ભાઈ માટે અમેરિકા આવવા પિટિશન ફાઈલ કરી શકે?- વિષ્ણુભાઈ પટેલ, ગાંધીનગર
જવાબ: ના, અમેરિકામાં ભાઈ-બહેનને સ્પોન્સર કરવા માટે અરજી કરનાર વ્યક્તિ પાસે અમેરિકાનું નાગરિકત્વ હોવું અનિવાર્ય છે. ગ્રીનકાર્ડ હોલ્ડર કે H-1B વિઝા ધારક પોતાનાં ભાઈ-બહેન માટે ઇમિગ્રેશન પિટિશન ફાઈલ કરી શકતા નથી. તમારો પુત્ર જ્યારે અમેરિકન સિટીઝન બને ત્યારે જ તે તેના ભાઈ માટે F-4 કેટેગરીમાં અરજી કરી શકે, જેમાં અત્યારે ઘણું લાંબું વેઇટિંગ ચાલે છે.
સવાલ : અમે પતિ-પત્ની અમેરિકામાં ગ્રીનકાર્ડ પર છીએ. અમારો પુત્ર 21 વર્ષથી ઉપરનો અને અપરિણીત છે. શું અમે તેના માટે ગ્રીનકાર્ડની પિટિશન ફાઈલ કરી શકીએ? તેને વિઝા મળતા કેટલો સમય લાગે?- રમેશચંદ્ર શાહ, ભાવનગર
જવાબ: હા, ગ્રીનકાર્ડ ધારક માતા-પિતા તેમના 21 વર્ષથી મોટી ઉંમરના અપરિણીત સંતાનો માટે F-2B કેટેગરીમાં પિટિશન ફાઈલ કરી શકે છે. અત્યારના વિઝા બુલેટિન મુજબ આ કેટેગરીમાં અંદાજે 7થી 8 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો આ દરમિયાન તમારો પુત્ર લગ્ન કરી લે, તો તેની અરજી રદ થઈ શકે છે, કારણ કે ગ્રીનકાર્ડ ધારક પરિણીત સંતાનોને સ્પોન્સર કરી શકતા નથી.
Read Original Article →