આઠમી અજાયબી:ટ્રમ્પે વિશ્વના સૌથી મોટા ‘બલિ’ સ્થળની મુલાકાત કેમ લીધી?
માયા ભદૌરિયા પશુબલિની પ્રાચીન વેદી ગણાતા આ સ્થળની ટ્રમ્પની મુલાકાતે ઇતિહાસનાં લોહિયાળ રહસ્યો અને આધુનિક રાજકીય વ્યૂહરચનાને ફરી જીવંત કરી છે રસપ્રદ રહસ્યો
શાહી ગુપ્ત રસ્તો : સંકુલની અંદર 360 મીટર લાંબો વિશાળ પથ્થરનો માર્ગ છે, જે તમામ મુખ્ય ઇમારતોને જોડે છે. આ માર્ગ જમીનથી થોડો ઊંચો છે. ચીની માન્યતા અનુસાર આ રસ્તો પૃથ્વી પરથી સ્વર્ગ તરફ જાય છે. સમ્રાટ પોતે પણ આ રસ્તાના ડાબી બાજુના ભાગ પર જ ચાલતા, કારણ કે વચલો મુખ્ય ભાગ ‘સ્વર્ગના દેવતાઓ' માટે ખાલી રાખવામાં આવતો હતો!
વાદળી રંગની ટાઈલ્સ: પ્રાચીન ચીનમાં પીળો રંગ રાજાનો સર્વોચ્ચ રંગ ગણાતો, પણ ટેમ્પલ ઓફ હેવનની ઇમારતો પર ઘેરી વાદળી ટાઇલ્સ છે કારણ કે ચીની રાજાઓ માનતા કે બ્રહ્માંડ અને સ્વર્ગના દેવતાઓ તેમના કરતાં સર્વોપરી છે, અને વાદળી રંગ એ સ્વર્ગનું પ્રતીક ગણાય.
ઝેરી જંતુઓથી મુક્ત લાકડું: ઝેરી જંતુઓથી મુક્ત ‘ધ હોલ ઓફ પ્રેયર' ઇમારત જે લાકડાંના સ્તંભ પર ટકેલી છે. તે ખાસ પ્રકારનાં કિંમતી Kalopanax-કેલોપેનક્સનાં વૃક્ષોમાંથી બની છે. આ લાકડાંની ખાસિયત છે કે તેની સુગંધને કારણે સદીઓ સુધી તેમાં કોઈ કીડી, ઊધઈ કે ઝેરી જંતુઓ લાગતાં નથી, જેને કારણે વર્ષો પછી પણ આ માળખું અડીખમ છે. ચીનના ઐતિહાસિક વારસામાં જેનો સમાવેશ થાય છે એ ‘ટેમ્પલ ઓફ હેવન’ ભવ્યાતિભવ્ય રહસ્યમય સ્થળ છે એની ના નહીં. એને જોતાં જ વિશ્વભરના પ્રવાસીઓ સહિત મોટાં માથાંઓને પણ આશ્ચર્ય થયા વિના રહેતું નથી. હમણાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટેમ્પલ ઓફ હેવન’ની મુલાકાત લીધી અને ફરી આ સ્થળ ચર્ચામાં આવ્યું.
ટ્રમ્પ ભલે તેની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ જોઈને નવાઈ પામ્યા હોય, પણ દુનિયાની નજર તો ત્યાં જ ખોડાઈ ગઈ કે વિશ્વના સૌથી મોટા બલિ સ્થળની મુલાકાત લઈને ટ્રમ્પ કોઈનો ‘બલિ’ તો નહીં ચડાવે ને? જેમ પ્રાચીન સમયમાં સમ્રાટો પોતાની સત્તા અને દેવતાઓને પ્રસન્ન કરવા પશુબલિ આપતા, તેમ આ ટ્રમ્પ સમ્રાટ કોનો ‘રાજકીય ભોગ’ લેશે (કોની વિરુદ્ધ કડક નિર્ણય લેશે), એ બાબતે લોકોમાં ચણભણાટ ચોક્ક્સ છે. શું છે ‘ટેમ્પલ ઓફ હેવન?’
‘ટેમ્પલ ઓફ હેવન’ કોઈ એક મંદિર નથી, પણ વિશાળ ધાર્મિક સંકુલ છે. તેને ચીની ભાષામાં ‘તિયાનતાન (Tiantan)’ કહે છે. 15મી સદીમાં મિંગ રાજવંશ દરમિયાન તેનું નિર્માણ થયું હતું. આ સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે સંતુલન જાળવવાનો હતો. મિંગ અને કિંગ વંશના સમ્રાટો વર્ષમાં બે વાર અહીં આવીને વિશેષ પૂજા કરતા હતા. તેઓ માનતા હતા કે આ પૂજા-વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો તેમના દેશ પર કોઈ આફત નહીં આવે. એટલે આ સ્થળ પર આવીને તેઓ પ્રાર્થના કરતા કે દેશમાં સારો વરસાદ થાય, પાક સારો ઉતરે કે જેથી પ્રજા સુખી રહે. ચીનની રાજકીય અને ધાર્મિક સત્તાનું સર્વોચ્ચ પ્રતીક મનાતું ‘ટેમ્પલ ઓફ હેવન' ફક્ત આસ્થાનું કેન્દ્ર નથી, પણ તે રાષ્ટ્રીય સ્થિરતા અને વૈશ્વિક સદભાવનાના સેતુ તરીકે પણ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. શાહી શુદ્ધિકરણ
આ સંકુલ સાથે જોડાયેલી એક રોચક વાત એ પણ છે કે વાર્ષિક પૂજાના ત્રણ દિવસ પહેલાંથી સમ્રાટ ‘પેલેસ ઓફ એબ્સ્ટિનન્સ'માં કડક ઉપવાસ શરૂ કરતા. આ સમય દરમિયાન તેઓ કોઈ પણ ભોગ-વિલાસ, સંગીત કે શણગારથી દૂર રહેતા. સૂર્ય અને આકાશના પ્રતીક સમાન ઘેરા વાદળી કે લાલ રંગનાં રેશમી વસ્ત્રો પહેરીને આવતા સમ્રાટ, પૂજાના દિવસે દેવતાઓ સમક્ષ પોતાનો અહંકાર ઓગાળી સંપૂર્ણ શરણાગતિ દર્શાવવા, રાજવી મુગટ વિના વિખરાયેલા વાળે એક સામાન્ય સેવક તરીકે જતા અદભુત સ્થાપત્યકલા
‘ટેમ્પલ ઓફ હેવન’ની સૌથી વિશિષ્ટ બાબત તેની અદભુત સ્થાપત્યકલા અને ઊંડી પ્રતીકાત્મક ડિઝાઇન છે. તે પ્રાચીન ચીની માન્યતાઓ પર જ આધારિત છે. આ આખું સંકુલ બ્રહ્માંડ અને પ્રકૃતિના સંતુલનને પ્રતિબિંબિત કરે છે. તેના માળખામાં ‘ગોળ’ અને ‘ચોરસ’ આકારોનો સંગમ છે. એમાં ગોળ આકાર સ્વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ચોરસ આકાર પૃથ્વીનું પ્રતીક છે. તેની ઇમારત પરની ઘેરા વાદળી રંગની ટાઇલ્સ આકાશ અને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. લગભગ 270 હેક્ટરમાં ફેલાયેલું આ ભવ્ય સંકુલ આજે વિશ્વની શ્રેષ્ઠ પ્રાચીન સ્થાપત્યકલાઓમાં મોખરે છે.
આ સંકુલની સૌથી મહત્ત્વની ઇમારત ‘ધ હોલ ઓફ પ્રેયર ફોર ગુડ હાર્વેસ્ટ્સ’ છે. આ ભવ્ય ગોળાકાર ઇમારતનું આશ્ચર્ય એ છે કે તેના નિર્માણમાં એક પણ લોખંડની ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આખું માળખું માત્ર લાકડાંનાં જોડાણો પર જ ટકેલું છે. 28 વિશાળ સ્તંભો પર ઊભેલી આ ઇમારતના સ્તંભ પણ ચીની કેલેન્ડરના મહિનાઓ અને કલાકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પ્રાચીન ચીની લોકોની ખગોળશાસ્ત્ર પ્રત્યેની સમજ દર્શાવે છે. સ્થાપત્યની આ અદભુત શૈલી અને ઐતિહાસિક મહત્ત્વને કારણે જ યુનેસ્કોએ તેનો ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ'માં સમાવેશ કર્યો છે. ધ્વનિ વિજ્ઞાનની અજાયબી
પ્રાચીન ધ્વનિ વિજ્ઞાનનો આ અદભુત અને જીવંત નમૂનો છે. ‘ઇકો વોલ’ એન્જિનિયરિંગની એક એવી કરામત છે કે જો તમે ગોળાકાર દીવાલના એક છેડે ઊભા રહીને ધીમેથી કંઈ પણ બોલો, તો તેના ધ્વનિ તરંગો દીવાલની સપાટી સાથે અથડાઈને બીજી બાજુએ ઊભેલી વ્યક્તિને સ્પષ્ટપણે સંભળાય છે.
આ ઉપરાંત, સંકુલમાં આવેલા ‘થ્રી ટ્રિપલ ઇકો સ્ટોન્સ’ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં અવાજનો પડઘો ચોક્કસ ક્રમમાં સંભળાય છે. પ્રાચીન ચીની સ્થાપત્યકારોએ આ વિશિષ્ટ રચના પાછળ એક ગૂઢ આધ્યાત્મિક હેતુ રાખ્યો હતો. તેમની માન્યતા હતી કે જ્યારે સમ્રાટ અહીં ઊભા રહીને પ્રાર્થના કરે, ત્યારે આ ધ્વનિ તરંગો સીધા સ્વર્ગ સુધી પહોંચે. હજારો વર્ષ જૂની આ ધ્વનિ ટેકનિક આજે પણ આધુનિક એન્જિનિયરો અને વિજ્ઞાનીઓને હેરાન કરે છે. લાખો પ્રવાસીઓનું પ્રિય સ્થળ
આજે ટેમ્પલ ઓફ હેવન મુખ્ય પ્રવાસનસ્થળ બની ગયું છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ આ સ્થાપત્ય જોવા ઊમટી પડે છે. જોકે, આ સંકુલની સાચી રોનક તો વહેલી સવારે જોવા મળે છે. આખું પરિસર સ્થાનિક લોકોની પ્રવૃત્તિઓથી ગુંજી ઊઠે છે. વયસ્ક લોકો અહીં પરંપરાગત ‘તાઈ ચી’ની મુદ્રાઓમાં લીન હોય છે, તો ક્યાંક નૃત્ય, સંગીત અને શારીરિક વ્યાયામનાં દૃશ્યો જોવા મળે છે.
ઇતિહાસમાં ટેમ્પલ ઓફ હેવન સૌથી મોટા ‘બલિ’ સ્થળ તરીકે જાણીતું છે, પણ આજે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતાઓ આ સ્થળની મુલાકાત લે છે, તો તેની પાછળ માત્ર પ્રવાસન નહીં પણ રાજકીય વ્યૂહરચના પણ છુપાયેલી છે.
Read Original Article →