રેઈનબો:ટાઈટેનિક અને વીજળી: ડૂબી જવાની ઘટના ઉર્ફે…
રક્ષા શુક્લ દ રિયામાં તોફાન આવ્યું તો સાધુ હોડીમાં પાણી ભરવા લાગ્યા. તોફાન શમી ગયું તો સાધુ પાણી પાછું દરિયામાં નાખવા લાગ્યા. નાવિકે આવું કરવાનું કારણ પૂછ્યું તો સાધુ કહે કે ‘તોફાન આવ્યું મતલબ ઈશ્વરને આપણને ડૂબાડવા છે, તો હું ઈશ્વરની મરજી પ્રમાણે હોડીમાં પાણી નાખવા લાગ્યો અને તોફાન શાંત થયું મતલબ આપણને જીવાડવા છે, તો હું પાણી બહાર કાઢવા લાગ્યો.’
જહાજના ડૂબવાની વાત આવે અને કોઈના પણ મનમાં ‘ટાઈટેનિક’ની ઘટના ન ઝબકે તો જ નવાઈ! એ સમયનું સૌથી ભવ્ય અને મોટું સમુદ્રી જહાજ ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનથી ન્યુયોર્ક સિટી (US) જઈ રહ્યું હતું ત્યારે તેની પ્રથમ સફરમાં જ એ 15 એપ્રિલ, 1912માં ડૂબી ગયું. 14 એપ્રિલની રાત સુધી ટાઇટેનિકને આઈસબર્ગ (દરિયાઈ બરફ)ની 7 ચેતવણીઓ મળી હતી, પરંતુ તે લગભગ 22 નોટ (25 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે આગળ વધી રહ્યું હતું. ત્યારે હિમશિલા જોઈ, પણ ઝડપથી પાછી ફરી ન શકતા, જહાજને એક ઝટકો લાગ્યો. જહાજ પાણીના અદમ્ય ધસારાથી ભરાવા લાગ્યું. આઇસબર્ગ સાથે અથડાયા પછી પાણી પ્રતિ સેકન્ડ 7.1 ટનની ઝડપે વહેવા લાગ્યું, જે તેને બહાર કાઢી શકાય તેના કરતાં 15 ગણું ઝડપી હતું.
કેપ્ટન સ્મિથ અનિર્ણાયકતાથી જાણે લકવાગ્રસ્ત થઈ માનસિક રીતે તૂટી પડ્યા હતા. જોકે પછીથી તેમણે જવાબદારી સંભાળી અને કટોકટી દરમિયાન શાંતિથી વર્ત્યા. ટાઇટેનિકના બિલ્ડર એન્ડ્રુઝ દ્વારા જહાજ ડૂબી રહ્યું હોવાનું જણાવાય તે પહેલાં, તેણે પોતાના ક્રૂને લાઇફબોટ લોડ કરવા માટે તૈયાર કરવાનો અને મુસાફરોને તેમના લાઇફબેલ્ટમાં બેસાડવાનો આદેશ આપ્યો. પાદરી થોમસ બાયલ્સ મુસાફરોની કબૂલાત સાંભળી રહ્યા હતા અને મુક્તિ આપી રહ્યા હતા. સંગીતકારોના ગ્રૂપ્સ સાથે મળી ધાર્મિક ગીતો વગાડી રહ્યા હતા.
ટાઈટેનિક ડૂબવાના થોડો સમય પહેલાં ઘણા બચી ગયેલા લોકોએ સ્મિથને પુલ પરથી પાણીમાં કૂદકો મારતા જોયો હતો. ટાઇટેનિક 1,000થી વધુ મુસાફરો અને ક્રૂ સાથે ડૂબી ગયું. સબમરીનનો કાટમાળ ટાઇટેનિક જહાજના કાટમાળથી લગભગ 488 મીટર દૂર સમુદ્રના તળ પર મળી આવ્યો હતો. પ્રખ્યાત ફિલ્મ ‘ટાઈટેનિક’ના નિર્માતા જેમ્સ કેમરોને આ ઘટના બાદ કહ્યું હતું કે, 1912માં ઐતિહાસિક જહાજ ટાઈટેનિકના ડૂબવાની ઘટના અને તેનો ભંગાર જોવા માટે ટાઈટન સબમરીન પરના મુસાફરોનાં મૃત્યુ વચ્ચેની સમાનતા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શાંત અને ધીરગંભીર મુદ્રા ધારણ કરેલો દરિયો કોઈ ધ્યાનસ્થ ઋષિની યાદ આપે. ધીમી ગતિએ આવી કિનારે ટકરાઈને પળવારમાં ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં મોજાં જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવી જાય. માણસનું ડામાડોળ થતું મન દરિયાનો મર્મર ધ્વનિ સાંભળી અસીમ શાંતિ પામે છે. પરંતુ આ જ દરિયો જો રૌદ્ર રૂપ ધારણ કરે તો ભલભલા નાવિકોને નાની યાદ આવી જાય એવા ભયાનક અનુભવો કરાવે છે. દુનિયામાં કંઈ કેટલાય લોકો એવા પણ છે જે દરિયાના પ્રેમમાં પાગલ છે. ઘણા સાહસિકો વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર્સના શોખીન હોય છે. જેમાં રોમાંચ છે. સ્કૂબા ડાઈવિંગ, જેટ સ્કીઈંગ, પેરાસેલિંગ, બોટિંગ, બનાના રાઈડ, બીચ વોલિબોલ વગેરે જેવી રમતો અને દરિયાઈ સફર અદભુત થ્રિલ આપે છે. પરંતુ આ જ દરિયા સાથે સંકળાયેલી અનેક જહાજો ડૂબ્યાની ઘટનાઓ વિશે જાણીએ કે વાંચીએ ત્યારે હૃદયમાં એક ટીસ ઊઠે છે.
ક્યારેક દરિયામાં પવનનું જોર વધતા દરિયો ગાંડોતૂર બને છે અને તેનું સંતુલન ખોરવાતાં બોટમાં પાણી ભરાતાં વહાણ ડૂબવા લાગે છે. બોટની ક્ષમતા કરતાં વજન ભરી દેવાથી બોટનું સંતુલન બગડે છે અને તે ડૂબી જાય છે.
પ્રખ્યાત ગુજરાતી લોકગીત ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ’ ઝવેરચંદ મેઘાણી દ્વારા ‘રઢિયાળી રાત’માં સંગ્રહિત છે. વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હોવાથી ‘વીજળી’ (વૈતરણા) નામથી ઓળખાતી એક આગબોટના અકસ્માતની અને તેમાં સવાર સેંકડો લોકોના ડૂબવાની કરુણ કથા આ લોકગીત વર્ણવે છે. જહાજ 8 ડિસેમ્બર, 1888ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડામાં એની 11મી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઈ જતી વખતે મહુવા નજીક ખોવાઈ ગયું હતું. જહાજના દેશી ટંડેલ હાજી કાસમનો માભો ગજબનો હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઈને જ એણે ‘વીજળી’ને પાછી ન વાળી.
ગુણવંતરાય આચાર્યએ ‘હાજી કાસમ તારી વીજળી’ (1954)ના નામે આ ઘટના પરથી નવલકથા લખી હતી. આ ગીત જ્યારે રાવણહથ્થાવાળા નાથબાવાઓના કંઠે ગવાય ત્યારે શ્રોતાજનો હીબકે ચડે છે. ગીતમાં ‘વીજળી’ જેવી શક્તિશાળી આગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉત્સાહ, શેઠિયા-મહાજનોનાં સહેલગાહ કરવાનાં મનોરથો, વળી મુંબઇ પરણવા જતા 13 કેસરિયા વરરાજાઓ સહિત અન્ય ખારવા અને મુસાફરોના જીવ બચાવવા માટે દોડાદોડી, મુંબઇના કિનારે પીઠીભરી કન્યાઓનું હૃદયભેદક આક્રંદ, મધદરિયે વાવાઝોડાંનું અધધ પાણી, દેવદેવીઓની બાધા-આખડી માનતા રઘવાયા મુસાફરો, ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ કલ્પાંત વગેરેનાં ચિત્રો આબેહૂબ ઉપસ્યાં છે. આ અગણિત આંસુઓની દર્દનાક પીડા પાસે મોતીઓ પણ ઝાંખાં પડતાં હશે. ઇતિ
વગર લેવેદેવે કોઈને કંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. – શ્રી મોટા
Read Original Article →