આજ-કાલ:ધ બિબી ફાઈલ્સ કૂટનીતિ કે સત્તાનો મોહ?

Magazine5/6/2026, 12:35:00 AM
આજ-કાલ:ધ બિબી ફાઈલ્સ કૂટનીતિ કે સત્તાનો મોહ?
‘ધ એપ્સ્ટિન ફાઈલ’ની સોશિયલ મીડિયા પર જ વૈભવ સૂર્યવંશી સ્ટાઈલ ધુંઆધાર બેટિંગ વચ્ચે એક વધુ ફાઈલે અતીતમાંથી હાઉકલી કરીને દેખા દીધી છે. નામ છે ‘ધ બિબી ફાઈલ્સ.’ એ વળી શું છે ભાઈ? ‘ધ બિબી ફાઇલ્સ’ એ 2024ની અમેરિકન ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. વર્તમાનમાં એલેક્સીસ બ્લુમ દિગ્દર્શિત આ ફિલ્મ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે નહીં કે એમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામેના ખટલાના લીક થયેલા પૂછપરછના સ્ફોટક વીડિયો ફૂટેજ છે, પણ આમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ, એની મર્યાદા, લાચારી અને કૂટનીતિનો અણસાર છે. ઊંડાણપૂર્વક વિચારવાથી આ ફિલ્મમાં નીતિ, સલામતી, રાજકારણ અને અનિશ્ચિત પરિણામોનું કોકટેલ મળે છે. જગજાહેર છે કે ઇઝરાયેલના વર્તમાન વડાપ્રધાન દક્ષિણપંથી લિકુડ પાર્ટીના નેતા છે અને ઇઝરાયેલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ પર રહેનારા છે. 2026માં, તેઓ ઈરાન અને ગાઝા સંઘર્ષો વચ્ચે ઇઝરાયેલના યુદ્ધ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે, જે અગાઉના સમયથી ચાલતા સંઘર્ષોનો એક ભાગ છે. નેતન્યાહૂ વિરુદ્ધ લાંચ અને છેતરપિંડીના આક્ષેપોની તપાસમાં ઇઝરાયેલી પોલીસે 2016થી 2018 દરમિયાન હજારો કલાકોની પૂછપરછનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન ઉપરાંત તેમના પરિવાર, મિત્રો અને સહયોગીઓની પૂછતાછ થઈ હતી. આટલું જ નહીં, નેતન્યાહૂ વિશે ખુલ્લેઆમ વાત કરવા તૈયાર રહેલા ઇન્સાઇડર્સના ઇન્ટરવ્યૂ પણ થયા હતા. શરૂઆતમાં પૂછપરછના ઓડિયો રેકોર્ડિંગ બહાર આવ્યા હતા. 2023ની શરૂઆતમાં વીડિયો ફૂટેજ ફિલ્મમેકર એલેક્સીસ સુધી પહોંચ્યા અથવા પહોંચાડાયા. તેમના કહેવા મુજબ, ‘આ રેકોર્ડિંગ્સ બેન્જામિન નેતન્યાહૂના સ્વભાવને અનોખી અને અસાધારણ રીતે બહાર લાવે છે. આ તેમના ભ્રષ્ટ અને લોભી સ્વભાવના સબળ પુરાવા છે અને આપણે આજની પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા તેનો ચિતાર છે.’ અલબત્ત, એક રાજકારણીની જેમ નેતન્યાહૂએ અપેક્ષિત રક્ષણાત્મક વલણ અપનાવીને પૂછપરછને ભ્રામક અને તપાસને અસંગત અને પાગલપણું ગણાવ્યું હતું. આ બધા આરોપ અને બચાવનામામાં સૌથી આવકાર્ય ને આનંદદાયક બાબત એ છે કે સત્તાનશીન વડાપ્રધાન પર આક્ષેપ થાય, તેમની સાથે અનેકની પોલીસ પૂછપરછ થાય ને એ પણ વીડિયો રેકોર્ડિંગ સાથે. એ વીડિયો ફૂટેજના લીકેજ પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ બિબી ફાઇલ્સ’ 2024ના ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વર્ક ઇન પ્રોગ્રેસ ફિલ્મ’ તરીકે બતાવાઈ હતી. 14 નવેમ્બર, 2024ના રોજ ન્યૂ યોર્કના વિખ્યાત ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વર્લ્ડ પ્રીમિયર થયું હતું. એ જ વર્ષના અંતે અમેરિકાના ફિલ્મ પ્લેટફોર્મ ‘જોલ્ટ’ પર તે રિલીઝ કરાઈ હતી. અત્યારે ‘ધ બિબી ફાઇલ્સ’ વધુ પ્રાસંગિક બની છે. એમાં ઈશારો છે કે નેતન્યાહૂ વ્યક્તિગત રીતે અથવા નિયમિતપણે હમાસને આર્થિક મદદ કરતા હતા. અલબત્ત, સીધી રીતે એવું કહેવાયું નથી, પણ ફિલ્મમાં કરાયેલા દાવા ને અભિપ્રાય વધુ સૂક્ષ્મ છે. કેટલાક માને છે કે નેતન્યાહૂની નીતિએ છેલ્લાં વર્ષો દરમિયાન ગાઝામાં હમાસને પરોક્ષ રીતે મજબૂત બનવા દીધું. ફિલ્મમાં આ માત્ર એક વિચાર કે આક્ષેપ રૂપે છે, પુરાવા તરીકે નહીં. ટૂંકમાં, આ દાવાઓ ફિલ્મમાં રજૂ થયેલા લોકોના અભિપ્રાય છે. આ કાનૂની રીતે સાબિત થયેલાં તારણો નથી, અને આ વિષય ખૂબ રાજકીય રીતે વિવાદાસ્પદ છે. શક્ય છે કે ‘ભાગલા પાડો ને રાજ કરો’ને સહેજ ટ્વિસ્ટ આપીને ઇઝરાયેલે પોતાના બે દુશ્મનો હમાસ (ગાઝા) અને પેલેસ્ટાઇન (વેસ્ટ બેન્ક)ને એકમેકથી નજીક આવતા રોકવા કે પોતાના હિતમાં એકને મજબૂત બનાવવા મદદ કરી હોય. આ નીતિ પાછળનો તર્ક એવો હતો કે ગાઝામાં તાત્કાલિક શાંતિ જાળવવી ને મોટાં યુદ્ધોને ટાળવા, પણ વિરોધીઓ બરાડા પાડે છે કે આથી લાંબા ગાળે હમાસ વધુ મજબૂત બન્યા કે નહીં? ટૂંકમાં, બે વિરોધી જૂથોને એકબીજા સામે સંતુલિત રાખવાથી ટૂંકા ગાળે શાંતિ રહે પણ લાંબા ગાળે એક જૂથ અનાયાસે મજબૂત થઈ જાય. વર્તમાન શાંતિ માટે આ લાંબા ગાળાનું ગણતરીપૂર્વકનું જોખમ તો ખરું જ. પોતાના રાજકીય કે રાષ્ટ્રના હિતમાં આવા નિર્ણયો ચૂપચાપ લેવાતા હોય પણ એના ગળે ઉતરે એવા ખુલાસા ન કરી શકે ત્યારે નેતા બરાબરનો ભેરવાઈ જ જાય છે. અરે હા, બેન્જામિન નેતન્યાહૂ ‘બિબી’ તરીકે ઓળખાય છે, એના પરથી જ ડોક્યુમેન્ટરીનું ટાઇટલ ‘ધ બિબી ફાઇલ્સ’ રાખવામાં આવ્યું છે. ઓનલાઈન-ઓફલાઈન કૂટનીતિ એટલે સૌથી કડવી અને કઠોર વાતોને સૌથી નરમ અને સૌમ્ય રીતે કરવી અને કહેવી. - ઈસાક ગૉલ્ડબર્ગ (અમેરિકન લેખક, સાહિત્ય સમીક્ષક અને અનુવાદક)
Read Original Article →