ઓફબીટ:સૂત્રો પાસેથી…

Magazine5/27/2026, 12:35:00 AM
ઓફબીટ:સૂત્રો પાસેથી…
દુનિયા આખી ચાલે છે તથ્યોથી, પણ આજકાલ એને માહિતી ‘સૂત્રો’ પાસેથી મળે છે. ‘સૂત્રોના કહ્યા મુજબ…’ - આવું બોલીએ તો બધાં ધ્યાનથી સાંભળે છે. એક્ચ્યુલી! સૂત્રો- આ બહુ મોટો ગરિમાપૂર્ણ શબ્દ છે. આજકાલ સમાચારને કારણે વારંવાર કાને પડે છે. વળી, સૂત્રો પાસેથી મળેલી માહિતી લગભગ ખોટી જ પડે છે. એકાદ કિસ્સામાં ‘વાઘ આવ્યો રે વાઘ’ની જેમ સાચી પડે છે! સૂત્રો પાસેથી મળતી ખબર લગભગ ખોટી ધારણાની જેમ ખાટી જ હોય છે! ઘણીવાર એમ થાય કે બધું જ સૂત્રો પાસેથી કે મળેલી માહિતી મુજબ જ થવાનું હોય, તો સીધેસીધું જ પ્રાપ્ત ના થવું જોઈએ? વચ્ચે સૂત્રો કે માહિતી કેમ આવે છે? એના મૂળમાં માનવજાત છે. સીધી વાત કોઈપણ કાળમાં કોઈને પણ સાચી લાગતી જ નથી! ‘કોઈના દ્વારા’ કહેવાય તો જ ભરોસો પડે છે, લગભગ ચમત્કાર જેવું! જેને ચમત્કાર થયો હોય એ તો પિક્ચરમાં જ ન હોય, પણ એના વિશે બોલવાવાળાઓનો સાક્ષાત્કાર સહન કરવો જ પડે! વળી, સૂત્રો પાસેથી મળેલી માહિતી આપણા સુધી પહોંચતાં સુધીમાં પાણીપુરીની જગ્યાએ ‘મસાલાપુરી’ બની જાય છે. જેમને કોઈ જ લેવાદેવા ન હોય એવા લોકો પણ ‘સૂત્રો પાસેથી’ કે ‘માહિતી મળી છે તે મુજબ...’ એવું વાતવાતમાં બોલ્યા કરે છે. એમાં ખરેખર કહેવાની વાત ગુલાલમાંથી ધૂળ બની ગઈ હોય છે! ખરેખર તો માણસને ‘મસાલો’ જોઈએ છે. પછી એ માવાનો હોય કે કાવાદાવાનો! મોઢું ભરવાની અને પોતાના જ દાંતથી જડબાને થકવી નાખવાની આદતને કારણે જ પંચાતને ફાવતું મળે છે! દરેક સમયમાં ‘પંચાત’ સમયથી આગળ જ રહી છે. ‘નિંદા’ અને ‘પંચાત’માં ફેર છે, પણ ઘણાને રસોઈની દરેક વાનગીમાં બધા જ મસાલા નાખીને બનાવવાની આદત હોય છે! એમાં ને એમાં પાવભાજી અને પેટીસ બંનેનો સ્વાદ સરખો થઈ જાય છે. નિંદા અને પંચાતનું આવું જ છે. પણ પંચાત હંમેશા સમય કરતાં આગળ જ જીવે છે. અતિશય કામમાં વ્યસ્ત માણસના કાનને પણ પંચાતના ફૂલની સુગંધ સ્પર્શે જ છે. અતિશય ભલો, અજાતશત્રુ માણસ પણ પંચાતની પંચાયતથી દૂર નથી રહી શકતો! સહભાગી ન થાય પણ સાંભળવાનો ‘બડભાગી’ તો હોય જ. સૂત્રો પાસેથી ભાગ્યે જ સાચી ખબર પ્રાપ્ત થાય છે, એમાં સૂત્રો પણ શું કરે? એમને પણ સમય ભરવાનો અને સાંભળનારે પણ સમય કાઢવાનો હોય છે! ખોટા પડવાની વિશ્વસનીયતા સાથે બોલાતાં સૂત્રોને સાંભળવાની ઓર મજા છે. વળી, પોતે ખોટા પડે પછી વળી પાછાં ‘સૂત્રો’ સાવ બદલાઈ જાય! એમની જીભને સૂત્રોનાં કપડાં ટૂંકાં જ પડે છે! દિવસનો કોઈ સમય એવો નહીં હોય જ્યાં ‘સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે…’ આવી રીતે વાક્યની શરૂઆત સાંભળવા ન મળતી હોય! સીધું નિવેદન સાંભળ્યું હોવા છતાં ત્રીજી-ચોથી વ્યક્તિ સુધી પહોંચતાં પોતાની સગ્ગી જીભથી એ નિવેદન ‘સૂત્રો પાસેથી’ બની જાય છે. જેટલા વાનાં એટલા વાંક! આમાં સાંભળવાનું અને જોવાનું બંધ થોડું કરાય? ગાંધારીને આંખો હોવા છતાં આંખે પટ્ટી બાંધી અને... એમાંય અત્યાર સુધીમાં ‘સૂત્રો પાસેથી’ જ બાતમી મળે છે. ખરેખર વાંચવા જેવા ગ્રંથ આજકાલ ફોરવર્ડ કરી શકાય એવાં સૂત્રો બની ગયા છે! સમય પસાર કરવા ટૂંકા રસ્તા શોધવામાં એવા વળાંક પર ગાડી ઊભી રહે છે, જ્યાંથી ડિવાાઇસમાં આગળ નકશો જ નથી દેખાતો! જોકે, સૂત્રો બહુ સારા છે, આપણને જાગતા રાખે છે. આંચકો આવતા પહેલાં એટલા ગંભીર કરી નાંખે છે કે પછી આંચકાનો ડર જ જતો રહે છે. સૂત્રો અને પંચાત બંને અલગ વિષયો છે, પણ આજકાલ બધામાં ‘ગોટાળો’ લોકપ્રિય છે. સાચાં સૂત્રોમાં ‘જીવ’ આવે તો આજકાલનાં સૂત્રોનું શું થાય? જીવન ચાલે છે. રોજ નવાં-નવાં સૂત્રોથી સમય પસાર થાય છે. જ્યાં મૌનથી ઉત્તર સંભળાતો હોય ત્યાં પણ શબ્દોની અપેક્ષા રખાય છે. જ્યાં શબ્દોની જરૂર છે ત્યાં શાંતિનો ઘોંઘાટ કરીએ છીએ. સૂત્રો પાસેથી માહિતી મળે ત્યારે ખરેખર તપાસવાની જરૂર છે કે જેમની માહિતી છે એમણે ખરેખર આવું કહ્યું છે? કહી શકે? પોતાના પરનો ભરોસો તૂટે છે ત્યારે અંધશ્રદ્ધાનું વર્ચસ્વ પોતાનું સામ્રાજ્ય વિસ્તારે છે.
Read Original Article →