આ વર્ષનો સુપર અલ નીન્યો:150 વર્ષ પછી આવી રહેલો સમુદ્રી પ્રવાહ સુપર અલ નીન્યો કેવી આફત સર્જશે?

Magazine5/20/2026, 12:35:00 AM
આ વર્ષનો સુપર અલ નીન્યો:150 વર્ષ પછી આવી રહેલો સમુદ્રી પ્રવાહ સુપર અલ નીન્યો કેવી આફત સર્જશે?
19 83નો સમય. પ્રશાંત મહાસાગરમાંથી નિયમિત રીતે સેંકડો જહાજો આમ-તેમ સફર કરતાં પસાર થતાં હતાં. દક્ષિણ-મધ્ય અમેરિકાના પશ્ચિમ કાંઠે પનામાથી લઇને આઘે આવેલા તાહિતી ટાપુ વચ્ચે પસાર થઈ રહેલાં જહાજોને કંઈક અજબ અનુભવ થયા. સમુદ્રનું પાણી જે દિશામાં વહેવું જોઇએ તેના બદલે ઉલટી દિશામાં હતું. સમુદ્રની સપાટી પણ સામાન્ય કરતાં અડધો મીટર ઊંચી નોંધાઈ રહી હતી. જહાજોની મશીનરીને ઠંડી રાખવા માટે નિયમિત રીતે સમુદ્રનું પાણી ખેંચીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ પાણી પણ ઠંડું હોવાને બદલે ગરમ હતું. આવું કોઈ એક-બે-ચાર જહાજ સાથે બન્યું હોત તો એ તપાસનો વિષય ન બનત. પરંતુ સંખ્યાબંધ જહાજોને દિવસો સુધી આવા અનુભવો થયા, માટે અમેરિકી હવામાન વિભાગ સહિતના પક્ષકારોએ પાણીમાં ઝંપલાવ્યું અને તપાસ કરી. તપાસમાં જે જવાબ મળ્યો એનું નામ અલ નીન્યો. *** સમુદ્રમાં આમ તો પાણી જ હોય પણ પાણી પાણીમાંય ફેર છે. પાણી ઉપર વહેતું પાણી સમુદ્રી પ્રવાહો તરીકે ઓળખાય છે. એવો જ એક સમુદ્રી પ્રવાહ અલ નીન્યો છે. સંશોધકોની આગાહી મુજબ 1877 પછી આ વર્ષે પહેલી વાર અલ નીન્યો સુપર એટલે કે વિકરાળ રૂપ ધારણ કરે એવી શક્યતા છે. પેરુના કાંઠે 2 વર્ષથી લઈને 11 વર્ષના સમયગાળે ગમે ત્યારે ફૂટી નીકળતો અલ નીન્યો હવે સાવ અજાણ્યો નથી. અજાણ્યો નથી એમ જાણીતો પણ નથી કેમ કે તેનું પ્રાગટ્ય થાય ત્યારે ભલભલા હવામાન વિજ્ઞાનીઓની આગાહી ખોટી ઠરે છે. પેરુના માછીમારો તો સદીઓથી તેને જાણે છે. 1600ની સાલથી તો તેના વિશેની આછી-પાતળી નોંધ પણ મળે છે. પરંતુ આખા જગતની આંખે 1983ના ઘટનાક્રમ પછી ચડ્યો છે. સમુદ્રમાં પસાર થતાં જહાજોના અનુભવો જાણ્યા પછી એ વિસ્તારનાં પાણીની વૈજ્ઞાનિક તપાસ થઈ. જણાઈ આવ્યું કે સમુદ્રી સપાટી ઉપર એક બીજો જળ પ્રવાહ ‘તરતો’ હતો. પ્રવાહ આસપાસની સમુદ્રી સપાટી કરતાં 10 સેન્ટિમીટરથી લઈને અડધા મીટર એટલે કે 50 સેન્ટિમીટર સુધી ઊંચો હતો. તાપમાન ખાસ્સું પાંચ-સાત ડિગ્રી વધારે હતું. સમુદ્રી પ્રવાહનો આવો બાયોડેટા જાણ્યા પછી સ્પેનિશ શબ્દ ‘અલ નીન્યો’ નામ તેને અપાયું. એ શબ્દનો અર્થ તો ‘ઈસુનું બાળક’ એવો થાય છે. બાળક તોફાની છે, માટે જ્યારે જ્યારે આ પ્રવાહ ઉદભવે ત્યારે જગતના ડઝનથી વધારે દેશોનાં વાતાવરણની પથારી ફેરવી નાંખે છે. ક્યાંક અતિવૃષ્ટિ થાય તો ક્યાંક અનાવૃષ્ટિ. ત્રણેય ઋતુને એ રીતે અસર થાય. એટલે આ વખતના અલ નીન્યોને કારણે શિયાળો અતિ આકરો થવાની સંભાવના વ્યક્ત થઈ છે. 1983ના અલ નીન્યો પછી અમેરિકા, પેરુ, ભારત એમ આખા જગતના દેશો હડફેટે ચડ્યા અને જગતને 800 કરોડ ડોલરથી વધારેના ખાડામાં ઉતારી દીધું હતું. આપણું ભારતીય ઉપખંડનું ચોમાસું વિવિધ સોએક પરિબળો પર આધારિત છે. એમાંથી 16 પરિબળો એવાં છે, જેને ગણતરીમાં લઈને હવામાન નિષ્ણાતો વરતારો કાઢે છે. એ 16 પૈકી 2 પરિબળ એવાં છે, જેના પર નીન્યોની અસર થાય છે. પરિબળ ભલે 2 જ હોય પણ અસર બેગણી કરી શકે છે. હવે આ વખતે અલ નીન્યો વધારે કદાવર બને એવી સંશોધકોની આગાહી છે. એ માટે અંગ્રેજીમાં સુપર અલ નીન્યો શબ્દ વપરાયો છે (જે રીતે વાવાઝોડા માટે સાયકલોન અને મહાવિનાશી વાવાઝોડા માટે સુપર સાયકલોન વપરાય એમ). જો આ વખતનો અલ નીન્યો સુપર બનશે તો 1877 પછીની એ પહેલી ઘટના હશે. 1877ના અલ નીન્યોએ ભારે તારાજી મચાવી હતી. એ પછી પડેલા દુકાળે જગતની 140 કરોડની વસ્તીમાંથી 5 કરોડને સાફ કરી નાખ્યા હતા. એ મૃત્યુ અલ નીન્યોની આફ્ટર ઇફેક્ટ તરીકે પડેલા દુકાળથી થયાં હતાં. અલ નીન્યો બે-ચાર દિવસ દેખાઈને શાંત થતો પ્રવાહ નથી. એ સામાન્ય રીતે વરસ સુધી સક્રિય રહેતો હોય છે. એટલે વાતાવરણ પર તેની અસર તો વર્ષોવરસ થતી રહે છે. સુપર અલ નીન્યો ત્રાટકશે તો ગમે તેવી સુપર તૈયારી વચ્ચે પણ જગત લાચારીનો અનુભવ કરશે એ વાત નક્કી છે. દોઢસો વર્ષ પહેલાં ભારતને અસર કુદરતી આફત અને માથે બ્રિટિશરોનો ત્રાસ 1877ના સુપર અલ નીન્યોને કારણે ચોમાસું નબળું પડ્યું. ભારતમાં વરસાદ સાવ ઓછો પડતાં પાક ધોવાઈ ગયો. આખો દેશ દુકાળમાં ધકેલાયો. કરોડો મૃત્યુ થયાં અને ભારતની 20 ટકા વસ્તી ભૂખમરાનો ભોગ બની. એ કુદરતી આફત હતી. ઉમેરો બ્રિટિશરોએ કર્યો. ભારતમાં પેદા થતા ઘંઉ એ વખતે ભારતમાં રહે એ જરૂરી હતું. તત્કાલીન વાઈસરોય લિટને જોકે ભારતમાંથી બ્રિટન નિકાસ થતા ઘઉંને રોકવાની ના પાડી દીધી. એટલે ભારતમા દુકાળ હતો અને બંદરો પરથી જહાજમાં ભરાઈને 3.2 લાખ ટન ઘંઉ બ્રિટન પહોંચ્યા. બ્રિટિશરોને લૂંટારાની ઓળખ મળે એવું પગલું એ પછી આવ્યું. એ હતું લગાનનું. એટલે કે ગમે તેવો દુકાળ, ગમે તેવી નબળી ખેતી અને ખાવાં ધાન ન હોય તો પણ કર ભરવાનો હતો એ ભરવાનો જ.
Read Original Article →