રિફ્લેક્શન:સૂફી નાઈટ્સ ટ્રેન્ડ

Magazine6/3/2026, 12:35:00 AM
રિફ્લેક્શન:સૂફી નાઈટ્સ ટ્રેન્ડ
નમ્રતા દેસાઈ ભારત દેશમાં સનાતનની વ્યાખ્યા સામાન્ય લોકો માટે અલગ, રાજકારણીઓ માટે અલગ, ધર્મગુરુઓ માટે અલગ અને ‘ઝેન ઝી (જનરેશન ઝેડ)’ માટે અલગ! કોવિડ પછી મંદિરો અને ધર્મસ્થાનો પર આખું વરસ સખત ભીડ રહે છે. ખાસ કરીને નાનાં નાનાં મંદિરોમાં પણ 17 વર્ષથી 40 વરસ સુધીનાં યુવક યુવતીઓ જ વધુ જોવા મળે. અચાનક આ યુવા વર્ગ ધર્મ તરફ વળી રહ્યો છે. આધ્યાત્મ અને સૂફીનો એક નવો જ ટ્રેન્ડ લોકપ્રિય થઇ રહ્યો છે, જેમાં દરેક મેટ્રો સિટીમાં દર અઠવાડિયે સૂફી નાઈટ્સ યોજાય છે. અલગ અલગ યંગીસ્તાન બેન્ડ પોતાની આ સૂફી નાઈટ્સ માટે ભારેભારેખમ ચાર્જ લે છે. વળી એની ટિકિટ્સ પ્રોગ્રામ શરૂ થાય એ પહેલાં જ ઓનલાઇન વેચાય એમાં બ્લેકમાં 15થી 25હજાર સુધીના ખર્ચ કરનારા પણ છે! સૂફી સંગીત માત્ર સંગીત નથી. એ આત્માને ઈશ્વર સાથે જોડવાનો એક આધ્યાત્મિક માર્ગ માનવામાં આવે છે. તેનો ઇતિહાસ પ્રેમ, ભક્તિ, એકતા અને આંતરિક શાંતિની શોધ સાથે જોડાયેલો છે. સૂફી પરંપરાનો આરંભ એટલે તસ્સવુફનો ઉદભવ આશરે 8મી સદીમાં ઇસ્લામિક દુનિયામાં થયો. સૂફીઓ માનતા હતા કે ઈશ્વરને માત્ર નિયમો કે વિધિઓથી નહીં, પરંતુ પ્રેમ, કરુણા અને આત્માની શુદ્ધતા દ્વારા પણ અનુભવી શકાય. જ્યારે સૂફી સંતો લોકોમાં આધ્યાત્મિક સંદેશ ફેલાવતા હતા, ત્યારે તેમણે કવિતા, સંગીત અને નૃત્યને એક સાધન બનાવ્યું અને ત્યાંથી સૂફી સંગીતની શરૂઆત થઈ. મૂળ સૂફીનું ઉદગમસ્થાન પર્શયાન પણ એનો વિકાસ હાલ શાંતિ અને કરુણાનો જ્યાં સંદેશ આપે એને બદલે ડ્રોન એટેક અને મિસાઇલની જ ચર્ચા થાય છે એવા ઈરાન, તુર્કી, અફઘાનિસ્તાન પાકિસ્તાન જેવા દેશોમાં થયો. અને ઇન્ડિયામા પણ. દરેક પ્રદેશે પોતાની ભાષા અને લોકસંગીત સાથે સૂફી સંગીતને નવી ઓળખ આપી. ભારતમાં 12મી કે 13મી સદી દરમિયાન સૂફી સંતો આવ્યા. ખાસ કરીને ખ્વાજા મુઆદ્દીન અને ચિશ્તી પરંપરાએ સંગીત દ્વારા પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવ્યો. પછી મોગલ સમ્રાજ્યમાં એ સૂફી સંગીતને નવી ઊંચાઈ આપી આમિર ખુશરોએ! દરેક પ્રદેશમાં ફારસી, ઉર્દૂ, હિન્દી અને સ્થાનિક સંગીતનું અદભુત મિલન કર્યું. સૂફી સંગીતનો સૌથી લોકપ્રિય સ્વરૂપ ‘કવ્વાલી’ છે. બોલિવૂડમાં મોગલે આઝમ, બરસાત કી એક રાત, અમર અકબર એન્થની, બોબી, અને રોકસ્ટાર જેવી હિન્દી ફિલ્મોની લોકપ્રિય કવ્વાલી હજી આજે પણ લોકોનાં હૃદયમાં રાજ કરે છે, જેમાં તબલા, હાર્મોનિયમ, તાળી, સમૂહગાન અને ઈશ્વરીય પ્રેમની કવિતાઓનો ઉપયોગ થયો છે. આ કવ્વાલીનો હેતુ મનોરંજન નહીં, પરંતુ શ્રોતાને આધ્યાત્મિક ભાવસ્થિતિ સુધી પહોંચાડવાનો હોય છે. ચંચલ, આબિદા પરવીન, નુસરત ફતે અલી, કૈલાસ ખેર, એ. આર. રહેમાન, આતીફ અસલમ અને શુભા મુદગલ જેવા મંજાયેલા કલાકારોએ આ સૂફી સંગીતને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી. જ્યાં શારીરિક પ્રેમ, મોહ, આસક્તિ નહીં પણ ઈશ્વર સાથે આત્માનો પ્રેમ વ્યક્ત થાય અને આપણે એમનાં ગીતો ફક્ત હેડફોનમાં સાંભળીએ તો પણ પ્રેમ, વિયોગ અને આત્માની તડપ અનુભવાય. આ સૂફી સંગીતની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ધર્મની સીમાઓથી પર છે. એ માનવીને માનવી સાથે જોડે છે, કારણ કે એમાં કરુણા છે. વિરહ છે અને એક આંતરિક શાંતિ છે. સૂફી સંગીત ઝેન ઝી જનરેશનમાં તો પરંપરાગત દરગાહોથી લઈને ફિલ્મો, કોન્સર્ટ અને વૈશ્વિક મંચ સુધી પહોંચી ગયું છે અને જહાને ખુસરો જેવા ઉત્સવો આ આ સૂફી પરંપરાને યુવા વર્ગમાં જીવંત રાખે છે. આજની પેઢી ઝડપ, સ્પર્ધા, સોશિયલ મીડિયા અને સતત માનસિક દબાણ વચ્ચે જીવી રહી છે. બહારથી બધું ચમકતું દેખાય છે, પરંતુ અંદર ઘણી વખત ખાલીપો, એકલતા અને શાંતિની શોધ ચાલતી જ રહે છે. એવી સ્થિતિમાં સૂફી સંગીત એમને માત્ર ગીત નહીં, પણ ભાવનાત્મક સલામતી જેવું લાગે છે. એનો ધીમો તાલ, ઊંડા શબ્દો અને આધ્યાત્મિક ભાવ ભીતરની એકલતાને ઈશ્વર સાથે સીધું જોડાણ કરે એટલે માનસિક થાકને થોડા સમય માટે શાંત કરે. આજની તૂટતી માનવીય જોડાણોની દુનિયામાં આ પ્રકારની ઊંડાઈ યુવાવર્ગને ખાસ સ્પર્શી રહી છે. મોટાભાગનાં બોલિવૂડ સોંગ્સ ઝડપી બીટ અને ટ્રેન્ડ પર આધારિત છે. જ્યારે સૂફી સંગીત તેનો વિપરીત અનુભવ આપે છે. ધીરજ, ઊંડાણ અને આત્માની ભાષા! તેથી યુવાવર્ગ આખા અઠવાડિયાનો કાર્યસ્થળનો બોજ અને સ્ટ્રેસ દૂર કરવા દર અઠવાડિયે સૂફી નાઈટ્સમાં જવાનુ પસંદ કરે છે. આજની પેઢી માત્ર ધર્મના નિયમો નહીં, પણ જીવનનો અર્થ શું? જેવા પ્રશ્નો પણ પૂછે. પરંતુ સૂફી સંગીત કોઈ ધર્મનો ઉપદેશ કે ફેલાવો નથી કરતું એ તો પ્રેમ, એકતા અને માનવતાની વાત કરે છે. કોક સ્ટુડિયો અને મોડર્ન ફ્યુઝન જેવાં પ્લેટફોર્મ્સે સૂફી સંગીતને નવી પેઢી સુધી પહોંચાડ્યું છે. પરંપરાગત કવ્વાલી અને સૂફી શબ્દો સાથે ગિટાર, પિયાનો અને આધુનિક સંગીતનું મિશ્રણ થતા યુવાનોને તે વધુ રિલેવન્ટ લાગે છે. ઈમોશનલ હીલિંગ થેરાપી તરીકે પણ ઘણાં લોકો હાર્ટ બ્રેક, સ્ટ્રેસ અને એકલતા દરમિયાન સૂફી સંગીત તરફ વળે છે. આપણા કેટલાક ગુજરાતી લોકગાયકો પણ હવે મીરાંનાં ભજન, કબીરના દોહા, પાનબાઈ અને ગંગાસતીનાં પદ અને ભક્તિ સંગીત વડે આ સૂફી મહેફિલોને શોભાવી રહ્યા છે. સૂફી સંગીત કદાચ આજની ઝડપથી દોડતી પેઢી માટે એક નાનો વિરામ છે. આ સૂફી નાઈટ્સ ન્યૂ જનરેશનને રૂહાની સંગીત તરફ તો લઇ જાય છે પણ એમાં નકલ અને દેખાદેખી પણ એટલી જ! મોંઘી ટિકિટ્સ, ફેન્સી સૂફી ડ્રેસ, મેક અપ, આલ્કોહોલ, ડ્રગ, વેપ ઈ સિગરેટ, ગાંજા હુક્કા,અને બિઝનેસ ડીલ, હાઈફાઈ લાઈફસ્ટાઇલનું પ્રદર્શન વધારે છલકાય છે. ખરેખર તો સફેદ અને આછો બદામી કે વાદળી રંગ શાંતિ અને આધ્યાત્મનો ભાવ પ્રદર્શિત કરે છે ત્યારે સૂફી નાઇટનો લુક હળવો અને સાદગીસભર હોય અને આપણો આત્મા સંપૂર્ણપણે પારદર્શક રીતે પરમાત્મા, અલ્લાહ, જિસસ કે ગુરુ મહારાજ઼ સાહેબ પ્રત્યે નતમસ્તક થાય ત્યારે સૂફીનું વર્ચસ્વ આપણાં આભામંડળની ફરતે ચોક્કસ અનુભવાય. નહીં કે ગ્લેમર અને દેખાદેખીથી!
Read Original Article →