સહજ સંવાદ:આઝાદ હિન્દ ફોજની લેફ્ટનન્ટે લખી સુભાષ-કથા
સંદર્ભો અને મુલાકાતોની મદદથી કોઈનું જીવનચરિત્ર લખવું એ એક વાત છે, પણ પોતાની નજર સામે પ્રચંડ ગુણવત્તા સાથે ઇતિહાસ રચનારા મહાપુરુષની સાથે હોવું, નજીકથી તેમના દરેક નિર્ણયો પારખવા અને પછી તેમનું જીવનચરિત્ર લખવું એ સાવ અલગ જ વિશેષતા છે. તેવા ચરિત્રમાં દરેક શબ્દ અને દરેક પંક્તિમાં અનુભવ તથા અનુભૂતિ વ્યક્ત થાય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે સેંકડો જીવનચરિત્રો લખાયાં છે. દેશ-વિદેશમાં લખાયેલાં આ પુસ્તકો પોતે જ આ વ્યક્તિત્વને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાના પ્રયાસોને મજબૂત જવાબ આપે તેવાં છે. સુભાષબાબુની પોતાની આત્મકથા સમાન ‘એન ઇન્ડિયન પિલગ્રીમ’, ભારતીય સ્વતંત્રતા વિશેની સમીક્ષા આપતું ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’, નેતાજી સંશોધન કેન્દ્ર તરફથી પ્રકાશિત તેમના પત્રો અને લેખો, ફોરવર્ડ બ્લોક વિશેના બે પ્રતિબંધિત ગ્રંથો, તેમના ભારતમાં, જર્મનીમાં, જાપાનમાં અને બર્મામાં આપેલાં પ્રેરક ભાષણો આ મહામાનવના વિચારોનો જીવંત દસ્તાવેજ છે.
ડૉ. ગિરિજા મુખર્જીનું ‘સુભાષ ચંદ્ર બોઝ’ ડૉ. પૂર્વી રોયનું ‘ધ સર્ચ ફોર નેતાજી: ન્યૂ ફાઇન્ડિંગ્સ’, નંદા મુખર્જીનું ‘નેતાજી થ્રૂ જર્મન લેન્સ’, એન. જી. જોગનું ‘ઇન ફ્રીડમ્સ ક્વેસ્ટ’, એન. જી. ગણપુલેનું ‘નેતાજી ઇન જર્મની’, શાંતનુ મુખર્જીનું ‘વ્હાય બ્રિટિશ ફીયર્ડ બોઝ સો મચ?’, ચંદ્રચૂડ બોઝનો દળદાર ગ્રંથ ‘બોઝ: અનટોલ્ડ સ્ટોરી ઓફ એન ઇનકન્વીનિયન્ટ નેશનાલિસ્ટ’, અશોકનાથ બોઝનું ‘માય અંકલ નેતાજી’, દિલીપ કુમાર રાયનું ‘નેતાજી: ધ મેન’, લિયોનાર્ડ ગોર્ડનનું ‘બ્રધર્સ અગેન્સ્ટ ધ રાજ’, રૂડોલ્ફ હર્ટોગનું ‘ધ સાઇન ઓફ ધ ટાઇગર’, જાપાનીઝ લેખક હેશિદાનું ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, હિન્દીમાં ‘આમિ સુભાષ બોલછો’, અમૃતલાલ શેઠે રંગૂન જઈને મેળવેલા દસ્તાવેજો પરથી લખાયેલું અને 19 ભાષાઓમાં પ્રકાશિત થયેલું ‘જય હિન્દ!’ તેમજ સુભાષબાબુની વિમાની દુર્ઘટના વિશે ભારત સરકારે નિયુક્ત કરેલી તપાસ સમિતિઓ અને તપાસ પંચોના અહેવાલો... આ બધું જ સાહિત્ય સુભાષબાબુને સમજવા માટે લખાયું છે.
સુભાષબાબુ સાથેના આઝાદ હિન્દ ફોજ દરમિયાનનાં સંસ્મરણાત્મક પુસ્તકોમાં ‘રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ’ની જાનકી થાવરને તો યાદ કરવી જ રહી. આ સૈનિકાએ રણભૂમિ પર કદમ-કદમ પર સાથે રહીને દૈનંદિની (ડાયરી) લખી છે, જેનું શીર્ષક છે: ‘વિદ્રોહી કન્યાની ડાયરી.’
તેમાં ઉમેરો કરી શકાય તેવું એક અદભુત પુસ્તક છે, ‘પેટ્રિઅટ: ધ યુનિક ઇન્ડિયન લીડર નેતાજી સુભાષચંદ્ર બોઝ.’ જેના લેખિકા છે આઇ.એન.એ.ના લેફ્ટનન્ટ માનવતી આર્ય અને તેની પ્રસ્તાવના કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથને લખી છે. બંનેએ બર્મા મોરચે નેતાજીની આઝાદ હિન્દ ફોજની મહિલા પાંખ ‘ઝાંસીની રાણી રેજિમેન્ટ’નું નેતૃત્વ સંભાળ્યું હતું, અને તે માત્ર નામ ખાતર નહોતું. આરાકાનનાં જંગલોમાં અને ઇરાવતી નદીના કિનારે આ વીરાંગનાઓએ જરૂર પડ્યે હાથમાં રાઇફલ પણ લીધી હતી અને ઘાયલ સૈનિકોની સુશ્રુષા પણ કરી હતી.
આ રેજિમેન્ટમાં કામ કરનારી દેશની અનેક વીરાંગનાઓના નામ આજે આપણે ભૂલી ગયાં છીએ. ડૉ. લક્ષ્મી એટલે આપણા ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવ મૃણાલિની સારાભાઈનાં સગાં બહેન. આ સિવાય આ આ ફોજનાં બીજાં અનેક અદૃશ્ય રત્નો છે.
આવાં જ એક ગુજરાતી હીરાલક્ષ્મી બેટાઈ હતાં. તેમના પતિ હેમરાજ બેટાઈ હતા. બેટ દ્વારકામાં ‘રંગૂનવાલાનો બંગલો’ છે. એ બંગલો આ બેટાઈ દંપતીનું મકાન હતું. અહીંથી તેઓ રંગૂન ગયાં, પુરુષાર્થ કર્યો અને પોતાની તમામ સંપત્તિ – મંગળસૂત્ર સહિત – નેતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી! બેટ દ્વારકામાં જ લોકો આ ઇતિહાસ વિશે અજાણ હતાં, તો પછી શાળાનાં પાઠ્યપુસ્તકોમાં તો તેનો નિર્દેશ ક્યાંથી હોય?
એવા જ બીજા એક દેશભક્ત એટલે પોરબંદરના લક્ષ્મીદાસ દાણી. તેઓ નેતાજીને કોલકાતાથી છૂપા વેશે કાબૂલ ભગાડવાની યોજનામાં સામેલ હતા. તેમણે પોતાની ભાંગી-તૂટી ભાષામાં લખેલી ‘મારી જીવનકથા’માં આ વાત નોંધી છે. તેમના અંતિમ દિવસો એટલા આકરા હતા કે તેઓ અમદાવાદની ‘ચંદ્રવિલાસ’ હોટેલમાં થાળીઓ સાફ કરીને ગુજારો કરતા હતા અને અંતે ભાવનગરના એક વૃદ્ધાશ્રમમાં તેમણે આંખો મીંચી.
આઝાદ હિન્દ ફોજના મહાનાયક નેતાજીની જીવની લખનારા માનવતી પાંડે (આર્ય)નો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ નજીકના બરડાંડા ગામથી બર્મા પહોંચેલા શ્યામપ્રસાદ પાંડેને ત્યાં થયો હતો. 99 વર્ષની ઉંમરે કાનપુરમાં તેમનું અવસાન થયું. તે પહેલાં તેમણે બર્માના મેકટીલા નગરમાં શિક્ષણ લીધું હતું અને વિશ્વ ભારતી એકેડેમીમાં આચાર્ય બન્યા હતાં. નેતાજીની આઝાદ હિન્દ સરકાર રચાઈ એટલે આ યુવતીએ નેતાજી પાસે જઈને શુદ્ધ હિન્દીમાં કહ્યું, ‘મારે ફોજમાં જોડાવું છે અને દેશભક્તિના રસ્તે બલિદાન આપવું છે.’ સુભાષબાબુએ બંગાળીમાં જવાબ આપ્યો અને તેમને કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનના હાથ નીચે સોંપી દીધા.
15 મહિના સુધી માનવતીજીએ નેતાજી સાથે રહીને કામ કર્યું. વિશ્વયુદ્ધના અંતે નેતાજી રંગૂનથી નવા જંગ માટે નીકળ્યા. બ્રિટિશરો વીણી-વીણીને આઝાદ હિન્દ સરકાર અને ફોજમાં સક્રિય લોકોને પકડી રહ્યા હતા. આ જંગમાં ફોજના લગભગ 30,000 સૈનિકો રણભૂમિ પર શહીદ થયા હતા. સિંગાપુરમાં સુભાષબાબુએ આ વીરોની સ્મૃતિમાં એક ભવ્ય સ્મારક સ્થાપિત કર્યું હતું.
પછીનાં વર્ષોમાં જ્યારે બ્રિટિશ સત્તા ફરીથી ત્યાં સક્રિય થઈ અને જવાહરલાલ નેહરુ સિંગાપુરની મુલાકાતે ગયા, ત્યારે રિચાર્ડ હફના પુસ્તક ‘એડવીના: કાઉન્ટેસ માઉન્ટબેટન ઓફ બર્મા’માં એ ઘટનાની નોંધ છે કે લોર્ડ અને લેડી માઉન્ટબેટનના કહેવાથી જવાહરલાલે આ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો.
નેતાજી વિશેની આટલી વિગતવાર માહિતી, સંદર્ભો અને સમીક્ષા આપતું પુસ્તક ખરેખર વિરલ છે. તેમના બીજા પુસ્તકમાં સુભાષબાબુના મૃત્યુના રહસ્ય વિશેનું આલેખન છે. 99 વર્ષ સુધી જીવિત રહેલાં માનવતીજી બર્માથી કાનપુર આવ્યાં, કૃષ્ણચંદ્ર આર્ય સાથે લગ્ન કર્યાં અને ઉત્કૃષ્ટ બાળસાહિત્ય પણ લખ્યું. એક ફૌજી મહિલાની કલમે આવા મહાન સેનાપતિનું જીવનચરિત્ર દેશને મળે, એ કોઈ નાની ઘટના નથી.
Read Original Article →