પ્રસંગકથા:રાષ્ટ્રના ઘડવૈયા : સુભાષચંદ્ર બોઝ
નટવર આહલપરા સુભાષબાબુનું સર્વોત્તમ સર્જન ‘આઝાદ હિંદ ફોજ’ અને ‘આઝાદ હિંદ સરકાર’ હતાં. આઝાદ હિંદ ફોજનું આયુષ્ય બહુ અલ્પ હતું- જુલાઈ 1943થી જુલાઈ 1945 સુધી, માંડ 2 વર્ષ. પરંતુ માથે કફન બાંધીને દેશદાઝ અને રાષ્ટ્રભક્તિથી છલકતા એ યુવાનોએ આલેખેલો ઇતિહાસ તવારીખી ઘટના બની રહ્યો છે. આઝાદ હિંદ સરકારના રાષ્ટ્રગીતની બે પંક્તિઓ નીચે પ્રમાણે છે:
શુભ સુખ ચૈન કી બરખા બરસે ભારત ભાગ્ય હૈ જાગા,
પંજાબ સિંઘ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગા.
1944ની 22મી સપ્ટેમ્બરના એ યાદગાર દિવસનો પ્રસંગ યાદ આવે છે. બ્રહ્મદેશના પાટનગર રંગૂનમાં શહીદ દિવસની ઉજવણી નિમિત્તે નેતાજીનું પ્રવચન યોજાયું હતું. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ખુદીરામ બોઝ, વીર જતીનદાસ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ વિશે એક પછી એક વક્તાઓ વક્તવ્ય આપતા હતા. ક્રાંતિકારીઓ ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારોનાં વર્ણન થયાં ત્યારે હોલમાં ઉપસ્થિત કેટલાંય લોકોની આંખો ભરાઈ આવી હતી.
છેલ્લો વારો નેતાજીનો આવ્યો. સુભાષબાબુએ ટૂંકું પણ ચોટદાર પ્રવચન આપ્યું. તેમણે કહ્યું, ‘વતન આઝાદી માગે છે અને આઝાદી કુરબાની વગર શક્ય નથી. ભૂતકાળના ક્રાંતિવીરોની જેમ તમારે પણ સુખ-સગવડ અને ભોગ-વિલાસનો ત્યાગ કરીને આહુતિ આપવી પડશે.’
તેમણે સૂત્ર આપ્યું: ‘તુમ હમકો ખૂન દો, મૈં તુમકો આઝાદી દૂંગા.’ શ્રોતાવૃંદમાંથી આટલું સાંભળતા જ એકસાથે અવાજો ઊઠ્યા: ‘અમારું લોહી લો, અમે તૈયાર છીએ!’
નેતાજી હરહંમેશ કહેતા: ‘હું સ્વપ્નદૃષ્ટા છું. હું બાલ્યાવસ્થાથી જ સ્વપ્નદૃષ્ટા રહ્યો છું અને મારું સૌથી વહાલું સ્વપ્ન માતૃભૂમિની આઝાદીનું છે. જગતની પ્રગતિનો આધાર સર્વદા સ્વપ્નદૃષ્ટાઓ અને એમનાં સ્વપ્નો ઉપર જ રહ્યો છે. શોષણ, સ્વાર્થ અને સામ્રાજ્યવાદનાં સ્વપ્નો ઉપર નહીં, પણ પ્રગતિ, લોકકલ્યાણ અને જગતની સમગ્ર પ્રજાઓની સ્વાધીનતાનાં સ્વપ્નો ઉપર.’ નેતાજીના શબ્દોમાં કેટલી દેશભાવના અને દેશપ્રેમ છે! તેઓ કહેતા:
આપ માનો ન માનો, ખુશી આપકી,
હમ મુસાફિર હૈં, કલ અપને ઘર જાયેંગે.
દેશ સેવા મેં કોઈ દો-ચાર નહીં,
દેખ લેના હજારોં કે સર જાયેંગે.
એકવાર નેતાજીએ ટોકિયો રેડિયો પરથી કહેલું, ‘મારા દેશબાંધવો અને દોસ્તો! આઝાદીના યુદ્ધને દેશની ધરતી પર અને દેશની સરહદ બહાર, આપણી પાસે છે તેટલી શક્તિ અને સામર્થ્યથી આપણે આગળ ધપાવવાનું છે. બ્રિટિશ શાહીવાદના ભુક્કા બોલે અને ભસ્મભંગારમાંથી હિંદી પ્રજા ફરીથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રગટે ત્યાં સુધી અનન્ય શ્રદ્ધાથી આપણે સંગ્રામ ચાલુ રાખીએ. પરાજય કે પીછેહઠને આ સંગ્રામમાં સ્થાન જ નથી. વિજય અને સ્વાધીનતા મળે ત્યાં સુધી આગેકૂચ ચાલુ જ રાખવાની છે.’
નેતાજીના ‘ચલો દિલ્હી'ના નારાએ અને તેમની પ્રખર રાષ્ટ્રભક્તિએ લાખો ભારતીયોનાં હૃદયમાં આઝાદીની જ્યોત જગાવી હતી.
Read Original Article →