નીલે ગગન કે તલે:રાંચો કૂકામુંગા?
એ હાલો હાલો, મીઠાઇયું લાવો, ઢોલી બોલાવો ને ભૂંગળ વગાડો! ઢનનનન ઢનનનન ફરી એક વાર એક ઇન્ડિયન અમેરિકન કિશોર અમેરિકાની વિખ્યાત સ્પેલિંગ બીનો ચેમ્પિયન બને છે. ને ગગનવાલનું ગરવું ગુસ્મુજરાતી હઇયું સિક્રેટલી સિક્રેટલી સોચે છે કે પરીખ મીન્સ કે ગુજરાતી જ હશે ને? 28મી મેના રોજ અમેરિકાની રાજધાની વિશિંગ્ટન ડી.સીની એક ‘સ્પેલિંગ બી’ (Scripps National Spelling Bee) નામક વિશ્વવિખ્યાત ઇંગ્લિશ જોડણીની હરીફાઈમાં 14 વર્ષનો કેલિફોર્નિયા નિવાસી ચિ. શ્રેય પરીખ 90 સેકન્ડમાં (વાંચો તે માથે ઢીમડાં થાય એવા) 32 અઘરા શબ્દોના સ્પેલિંગ ફડફડાટ બોલીને સ્પેલિંગ બી ચેમ્પિયન બને છે!
ગયા વર્ષે વિજેતા ઇન્ડિયન નહોતો તેથી હમો ઝંખવાણા હતા, કેમકે તેની પહેલાંના વર્ષ ચેમ્પિયન બનેલો હમો જે ગામમાં રહીએ છીએ તે ફ્લોરિડાના ગામનો જ હતો બૃહદ સોમા! અને હવે ફરી નૂપુર લાલાએ 1998માં શરૂ કરેલી પરંપરા સંધાઈ જાય છે ને આમ, આ વિદ્યાર્થીઓમાં ખેલાતા બૌદ્ધિક ખેલોનો 2026નો તાજ શ્રેય પરીખ પહેરે છે. જીતનો શબ્દ છે Bromocriptine.
આ લોકપ્રિય હરીફાઈ 1925થી આ હરીફાઈ ચાલે છે. અમાં છેલ્લાં 35 વર્ષમાં 29 હરીફાઈમાં આપણા ભારત દેશ મહાનનાં ફરજંદ ચેમ્પિયન બન્યાં છે. અમેરિકામાં ઇન્ડિયનોની વસતી બાવન લાખ જેટલી છે, યાને કુલ વસતીના ફક્ત 1.5%. તો આવું કેમ? કારણો ઘણાં છે, એ તો તે કે ભારતીયો પહેલેથી આંક પલાખાં, પાઠ્યપોસ્તકોના પાઠ વગેરે ગોખીને યાદ કરવાના આદી છે. બીજું એ કે ખાસ અમેરિકન ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે આ પરંપરાને જાળવી રાખવા મુખ્ય સ્પેલિંગ બીની જેમ જ નાનેથી મોટી હરીફાઈઓ ગોઠવી વિદ્યાર્થીઓનું ‘કોચિંગ’ કરે છે એક વિશેષ સંસ્થા. એક બીજી મહત્ત્વની વાત તે છે કે ઇન્ડિયન અમેરિકન પરિવારો અન્ય અમેરિકન જનતા કરતાં ઘણા વધુ સમૃદ્ધ છે. અને તેમને ભણતરની કદર છે. માતાપિતા એમનાં બાળકોને સતત સાબદા રાખે છે. અને એમને શ્રદ્ધા છે કે મહેનતનાં ફળ મીઠાં હોય છે
શ્રેયની આ ફતેહ સહેલી નહોતી. બે વર્ષ પહેલાં પણ તેણે આ હરફાઈમાં ભાગ લીધેલો પણ એનો નંબર ત્રીજો આવેલો. ગયા વર્ષે હરીફાઈના સમયે જ તે બીમાર થયો હતો. પણ તે પછી તે ઓનલાઇન આવતી હરીફાઈઓમાં જીતતો આવ્યો છે. 2024માં ત્રીજા સ્થાને કે તે પછીની બીમારીએ એણે ધીરજ ગુમાવી નહીં અને શબ્દો સાથેનો, શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથેનો નાતો ખંતથી નિભાવ્યો અને આખરે એ ચેમ્પિયન બનીને રહ્યો. ઇન્ડિયન અમેરિકન કિશોરોની આ ‘ડાયનેસ્ટી’ની શરૂઆત કરી 1999માં નૂપુર લાલાએ. એની અદ્વતીય ફતેહની એક મુગ્ધકર ફિલ્મ પણ બની છે, Spellbound. અને ત્યારથી આ સતત ભારતીય માતાપિતાનાં સંતાનોએ ગગન ગજાવ્યું છે.
સરસ. પણ કોઈને થાય કે આવા અજાણ્યા અઘરા શબ્દોના અળવીતરા સ્પેલિંગ આટલી મહેનતે ગોખીએ તેનો ફાયદો શો? તમને ખબર હોય કે ન હોય કે કાજુ એક દૂધીનો પ્રકાર કહેવાય કે bromocriptine ઔષધિથી પાર્કિનસન્સ ડીઝીઝનો ઇલાજ થઈ શકે છે, તેથી રોજિંદા જીવનમાં શો ફરક પડે છે?
સૌથી પહેલાં તો આ વર્ષના ચેમ્પિયનને $5000નું રોકડ ઇનામ અને દર વર્ષની માફક મિરિયમ ડિક્શનરી ને એનસાઇકલોપીડિયા બ્રિટાનિકા તરફથી તથા ડેલ્ટા એરલાઇન તરફથી નાનીમોટી સોગાદો મળશે. આગળ ઉપર જુઓ તો છેલ્લા છ વિજેતાઓ યેલ, હાર્વર્ડ, કોર્નેલ, એમઆઇટી વગેરે દેશની ઉત્તમોત્તમ યુનિવર્સિટીઓમાં સાયન્સ અને ટેક્નોલોજી કે દાક્તરી ક્ષેત્રમાં પ્રવીણ થયાં છે. નૂપુર લાલા ખુદ એમઆઇટીની ન્યુરોસાયંસ લેબમાં કેન્સર બાયોલોજીમાં કાર્યરત છે. પરંતુ અસલી વાત શબ્દોની નથી, સાહેબ, અસલી વાત તે છે કે આ સ્પર્ધા તમારું કાર્ય તમે ઝનૂનથી કરો, અને સામે હરીફોની રસ્સીખેંચ હોય ત્યારે ઠંડા મિજાજથી કાર્ય નિભાવો તેની તાલીમ આપે છે.
વળી કેટલાક પૂર્વ વિજેતાઓ તો આ સ્પેલિંગ બી સાથે જોડાયેલા છે. 1980નો ચેમ્પિયન ઝાક બેઇલી સ્પર્ધામાં આવતા શબ્દોના સાચા ઉચ્ચાર કરનાર તરીકે ઉપસ્થિત હોય છે. 1981ની ચેમ્પિન પેઇજ બેઇલી તેની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની છે. 2015ની કો–ચેમ્પિયન વાન્યા શિવશંકર દર વર્ષે ઉદઘોષક તરીકે અને 2009ની ચેમ્પિયન તેની મોટી બહેન કાવ્યા હરીફાઈમાં ક્યા શબ્દો મૂકવા તેના નિર્ણયમાં સામેલ હોય છે.
ગગનવાલાને મન તો બેશક છે જ, પરંતુ આ ચેમ્પિયન ગુજરાતીમાં જેમને ‘સેલેબ્સ’ કહેવાય છે તે નથી. કોફીશોપમાં કે પેટ્રોલના સ્ટોલ ઉપર એમને જુઓ તો કોઈ ઓળખે નહીં. પણ તમે એમાનું કોઈ નામ ગૂગલ કરો તો પહેલી લાઇનમાં તે કહેશે કે તેવણ સ્પેલિંગ બી વિજેતા હતા! શ્રેય પરીખ કેલિફોર્નિયાના કયા ગામમાં રહે છે, જાણો છો? રમૂજની વાત તે છે કે તેના ગામનું નામ પણ જીભને હિંચકે ઝુલાવે તેવું છે: રાંચો કૂકામુંગા! અને શ્રેયના માતાપિતા ગુસ્મુજરાતી તો છે જ, પણ રહેવાસી હતા તેલંગણાના, અને હાલ વસે છે કેલિફોર્નિયાના કૂકામંગામાં!
જય બ્રોમોક્રિપ્ટાન!
Read Original Article →