ઓક્સિજન:શકોરું

Magazine5/20/2026, 12:35:00 AM
‘આ તો મને ખબર હતી.’ આચાર્યએ જ્ઞાનની વાત કરી તો તુરંત જ ચેલાએ આમ મમરો મૂક્યો. સમય તો જાણે પૌરાણિક હતો, પણ મુદ્દો આજે પણ એટલો જ લાગુ પડે છે. એ સમયે, ગામથી દૂર, એક આચાર્ય પોતાનો આશ્રમ સ્થાપીને રહેતા. તેમની સાથે તેમના ચેલાઓ પણ રહે. સમયાંતરે તેઓ નગરોનું ભ્રમણ કરે. દિવસે ભિક્ષા માંગી સીધું-સામગ્રી એકઠાં કરે અને સાંજે જ્ઞાનની વાતો કરે, જેને સાંભળવા નગરજનો એકઠાં થાય. આચાર્યનો એક ચેલો હતો જે પોતાને અતિ ચતુર ગણતો. તેનો અભિગમ હંમેશાં ‘મને બધું આવડે’વાળો રહેતો. આચાર્ય કોઈ નવી વાત કરે તો એ કહેતો ‘આમ ના હોય’ અથવા ‘હું જાણું છું.’ તેના આવા અભિગમથી અન્ય ચેલાઓ પણ ત્રાસ પામતા. કોઈએ તો આચાર્યને ફરિયાદ પણ કરી. એક દિવસ આચાર્ય એક શકોરું લાવ્યા અને પેલા ચતુર ચેલાને આપ્યું. ચેલો આશ્ચર્ય પામ્યો. આચાર્ય કહે, ‘તું તો જ્ઞાનથી છલોછલ ભરેલો છે. મારું આપેલું જ્ઞાન તું ક્યાં રાખીશ? એટલે આજથી તારે આ શકોરું સાથે રાખવાનું અને મારું જ્ઞાન એમાં ભરવાનું.’ ચેલાને સ્વાભાવિક રીતે આ અજુગતું લાગ્યું પરંતુ સામું પૂછાય એમ તો નહોતું, કારણ કે તેને તો બધી સમજણ પડતી હતી! આચાર્ય નગરજનોને સંબોધતા બોલ્યા, ‘જુઓ, અત્યારે આટલી ગરમી છે તો પાણી સુકાઈ જશે, માણસો, પશુ-પંખીઓ તરસ્યાં મરશે. માટે, તળાવ ખોદી રાખજો જેથી ચોમાસામાં વધુ પાણી સમાવી શકાય. પાત્રતા કેળવીશું તો વધુ પામી શકીશું.’ બીજા દિવસે આચાર્ય ચતુર ચેલાને મળ્યા તો તેની પાસે શકોરું નહોતું. પૃચ્છા કરી તો તે કહે, ‘મેં એમાં પાણી ભરીને પેલા ઝાડ પાસે મૂક્યું છે જેથી પંખીઓ તરસ છીપાવી શકે.’ આચાર્ય મલકાયા અને બોલ્યા, ‘તને આવો વિચાર પહેલાં કદી આવ્યો?’ ચેલાએ કહ્યું, ‘ના. કાલે તમારી વાત સાંભળ્યા પછી જ આવ્યો.’ આચાર્ય કહે, ‘આ ખાલી શકોરામાં ભર્યું છે તે પાણી નહીં તારું જ્ઞાન છે.’ ચેલાને શકોરાનો મર્મ સમજાઈ ગયો. નવું જ્ઞાન મેળવવું હશે તો જિજ્ઞાસાનું શકોરું હાથમાં રાખવું પડશે.
Read Original Article →