બુધવારની બપોરે:જાસૂસ શેરલોક ભોમ્સનું એક નવું કારનામું
શેરલોક ભોમ્સ ઈંગ્લેન્ડના સુવિખ્યાત જાસૂસ હતા.
ડૉ. ખોટસન એમના દોસ્ત અને કાયમી સાથીદાર. ભલભલા ગુન્હા ઉકેલવામાં અને ઘણી વાર તો ઉકલી ગયેલા ગુન્હાને વધુ ગૂંચવવામાં ભોમ્સનું બડું નામ હતું. અનેકવાર એવું બનતું કે, લંડનની પોલીસે વર્ષોની ગધ્ધામજૂરી કરીને કોઈ ખૂનનો ભેદ ઉકેલ્યો હોય ત્યારે ભોમ્સ અજબની જાસૂસી કરીને જાણી લાવે કે, સદરહૂ હત્યા તો થઈ જ નથી. આરોપી અને જેનું ખૂન થયું છે, એ તો રોજ સાંજે પીટરની કીટલી પર દારૂ પીવા ભેગા થતા, પણ છાપાંમાં ભોમ્સના ફોટા ચમકતા, એ નહિ થયેલી હત્યાનો ભેદ રહસ્યમય રીતે ઉકેલી કાઢવામાં!
લંડનના વયોવૃદ્ધ અબજોપતિ કૅન્સિંગ્ટન ઉર્ફે કૅનીની અચાનક સાઈકલ ચોરાય છે. આમ તો, સાઈકલ વેચવાની જ હતી, પણ ભંગારવાળો જીદ પકડે કે, સાઈકલની સાથે બીજું શું આપશો? કૅનીએ નવી નક્કોર પ્લેમાઉથ આપવાની ઓફર કરી, પણ ભંગારવાળો કહે, ‘આવા આઠ-દસ ડબ્બાઓ તો મારા કમ્પાઉન્ડમાં ય પડ્યા છે. સાઈકલની સાથે આવા ડબ્બા નહિ, મને ઊંધાલાલની તમાકુ અપાવો.’
કૅની ચમકી ગયો. આટલી મોંઘી માંગણી કરવાની એની હિમ્મત કેમ થઈ? એ વાતે ય સાચી હતી કે, પૂરા યુરોપમાં એ જમાનામાં ઊંધાલાલની કે સીધાલાલની... કોઈની તમાકુ મળતી નહોતી. કૅની બદલામાં પોતાની ઘરવખરી આપવા તૈયાર થયો, પણ ભંગારવાળો કહે, ‘ઘરવખરીમાંથી તમારી વાઈફ કાઢી નાંખો, તો હજી વિચાર કરું!’
એ ન માન્યો એટલે કંટાળેલો કૅની શેરલોક ભોમ્સના ઘેર ગયો, જે ડૉ. ભોટસનની સાથે બે અડધી મંગાવીને પીતા હતા. ‘સર... જોઈએ તો મારી બધી પ્રોપર્ટી લઈ લો, પણ મારી સાઈકલ પાછી અપાવો.’
ભોમ્સે એની પાઈપમાં ઊંડો કશ લઈને ધુમાડો કાઢતા કહ્યું, ‘હંહ.... સાઈકલના બંને વ્હીલ્સ હતા? આઈ મીન, ગવર્નર સાથે હતું?’
‘ડૉ. ભોટસન મને આમાં નકરી ચોરીનો કેસ લાગે છે..... તમને?’
‘સર ભોમ્સ.... શું એવું ન બને કે, પડોસનો કોઈ ટેણિયો આમની સાઈકલનો આંટો મારવા લઈ ગયો હોય?’
ભોમ્સ જરાક નારાજ થઈને પણ ધીમેથી બોલ્યા, ‘ડૉન્ટ બી અ ડૉક્ટર.... આઈ મીન, ડૉન્ટ બી સ્ટુપિડ! મેં ગઈ કાલે રાત્રે પોણા ત્રણ વાગે કૅનીની પોળમાં આંટો મારી જોયો તો ખબર પડી કે, ચોરાયેલી મનાતી સાઈકલ સીટ વગરની હતી, એનો મતલબ સમજ્યા ડૉ. ભોટસન? ચોરે બાહોશીથી સાઈકલના કૅરિયર ઉપર બેસીને સાઈકલ ઉઠાવી છે.’ ડૉ. ભોટસનનો આકાશમાં જોઈને મૌન ઈશારો એવો હતો કે, ડોહાનું છટકી ગયું છે. સાઈકલની પાછળ કૅરિયર-બૅરિયર કાંઈ નહોતું ને માત્ર પંખા ઉપર બેસીને કોઈ લાંબા પગે સાઈકલ ચલાવી શકે, એ સાઈકલ-સાયન્સના તમામ નિયમોની વિરુદ્ધ હતું.
અચાનક સર ભોમ્સ એવા ચમક્યા કે ચીરૂટનો બહાર કાઢેલો ધુમાડો એમના મ્હોંમાં પાછો ખેંચાઈ ગયો. પીટરની કીટલીના અર્ધગોળ મૂડા ઉપર પગ લંબાવતા તે બોલ્યા, ‘ડૉ. ભોટસન, શહેરના તમામ સાઈકલ-ચોરોનું મારી પાસે લિસ્ટ છે. એમાંનો સૌથી બાહોશ સાઈકલ ચોર પેલો કીટલીવાળો પીટર જ છે, જે ચાની ભૂકીમાં નશીલું કંઈ કંઈ ઉમેરીને ઘરાકોને અડધી ઊંઘમાં નાંખી દેતો અને એમની અર્ધ-બીડેલી આંખોની સામે જ સાઈકલ ચોરી લેતો.’
‘તો તો આ હિસાબે શહેરમાં આજ સુધી ચોરાયેલી બધી સાઈકલો પીટરના ઘરમાંથી જ મળવાની!’ ડૉ. ભોટસન તદ્દન ભોટ નહોતા, પણ થોડા તો હતા. ભોમ્સ અકળાઈને ડૉક્ટરની સામે જોઈને ગરમ થયા, ‘તમે ય શું ડૉક્ટર, સાવ ડૉક્ટરો જેવી દલીલો કરો છો? કાનમાં દુ:ખતું હોય ત્યાં પેટ દબાવી જોવાનો શું અર્થ? પાછા ઊંડા શ્વાસો લેવડાવો છો! હવે એક સારા સમાચાર આલું?’ ડૉક્ટર અકળાયા કે, શેરલોક જેવો બાહોશ જાસૂસ મહેસાણાની ભાષામાં ‘આપું’ને બદલે ‘આલું’ બોલે છે! ‘ડૉ. ભોટસન, ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો…’ ડૉક્ટર ઊંચા થઈ ગયા. ‘ઓહ વાહ.... કેવી રીતે? કેવી રીતે?’
‘આમાં બે વાર ‘કેવી રીતે?’ બોલવાની જરૂર નથી. ભેદ એક જ ઉકેલાયો છે.... બે નહિ!’
શેરલોક ભોમ્સે એ રાત્રે અઢી વાગે એ પોળના એક છુપા ઓટલા ઉપર આડા પડીને કાઢી. એ ઓટલા પાસે કોઈ આઠ-દસ સાઈકલો પડી હતી. એ જાગતા જ હતા અને અધખુલી આંખે સાઈકલ-ચોરની રાહ જોવા માંડ્યા. કંઈ થાય તો ચોરને ફટકારવા માટે ભોમ્સે પોતાની પાસે સાઈકલમાં ‘ફીસ....ફીસ...’ હવા ભરવાનો પમ્પ રાખ્યો હતો. લાઇફમાં એમણે મારામારીઓ તો બહુ કરી હતી, પણ સાઈકલનો પમ્પ આજ સુધી કોઈને ફટકાર્યો નહોતો. કદાચ, એમને વહેમ હતો કે જે તે માણસને પમ્પ ફટકાર્યા પછી એ જ પમ્પથી એના બોડીમાં હવા ભરવાની હોય તો પાઇપનો છેડો આરોપીના મ્હોંમાં સીધો નાંખવો. ઓટલે સૂતેલા ભોમ્સના કાન સળવળ્યા. કંઈક અવાજ જેવું થયું.
સૉરી, ‘જેવું’ નહિ...અવાજ જ સાંભળ્યો. એમણે પમ્પ જોર કરીને પકડી રાખ્યો. એ ચમકી ગયા કે, સાઈકલ-ચોર બીજો કોઈ નહિ, પેલો પીટરીયો જ હતો. ભોમ્સે કૂદકો મારીને ગળાથી એને પકડી લીધો, ‘બોલ....તું જ સાઈકલ-ચોર છે ને? બોલ નહિ તો આ પમ્પ તારા માથામાં ફટકારીશ…’
પેલો ઢીંચણ પર યાચનાભરી દૃષ્ટિએ બેસી પડ્યો. આંખોમાં આંસુ સાથે એણે ભોમ્સને આજીજી કરી, ‘સર....સાઈકલો તો હું જ ચોરતો હતો, પણ ચોરેલી સાઈકલો પાછી મૂકવા જતા પકડાઈ જતો ને આજે ય પકડાયો. સાહેબ, આમાંની એકે ય સાઈકલ વેચાય એવી નથી ને હું રીપેર કરાવી કરાવીને અધમૂવો થઈ ગયો..સર, હું ચોરતા કદી પકડાયો નથી. ચોરેલો માલ પાછો મૂકવા જતા ઝડપાયો છું....મને પકડી લો સાહેબ...! હું આજેય આ સાઈકલ પાછી મૂકવા આવ્યો છું.’
‘કુછ સમજે, ભોટસન...? પીટરનું નામ વાપરીને કૅની ઉર્ફે કૅન્સિંગ્ટન જ આ સાઈકલો ચોરી જતો હતો ને એમાં એ કરોડો પાઉન્ડ કમાયો...!’ હવે સિગારના ધુમાડા શેરલોક નહિ ડૉ. ભોટસન કાઢતા હતા....! સિક્સર
મારી પાસે બેકારોને લગતા હજારો જોક્સ છે, પણ એમાંનો એકે ય નોકરી કરતો નથી.
Read Original Article →