આંતરમનના આટાપાટા:શત્રુઓ જ સ્વજન સુધી લઈ જાય છે

Magazine5/13/2026, 12:35:00 AM
આંતરમનના આટાપાટા:શત્રુઓ જ સ્વજન સુધી લઈ જાય છે
ડૉ. જય નારાયણ વ્યાસ આપણે બધાં જ સમાજજીવનનો એક ભાગ છીએ અને એટલા જ માટે માણસને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. સમાજના એક સભ્ય તરીકે આપણે ઘણા બધા પ્રસંગે આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ છીએ અથવા અન્ય લોકો આપણા વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ જે કંઈ કહે તે આપણા સુધી પહોંચે છે. અર્થશાસ્ત્રનો એક સામાન્ય સિદ્ધાંત છે કે, ‘બેડ કરન્સી ડ્રાઈવ્ઝ આઉટ લીગલ ટેન્ડર ફાસ્ટર’ એટલે કે બનાવટી નાણું સાચા ચલણને ચલણમાંથી દૂર કરે છે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે. અર્થશાસ્ત્રનો આ નિયમ માણસનાં વર્તન અને વ્યવહારને પણ એટલો જ લાગુ પડે છે. તમારા વિશે કોઈ સારું કહે અથવા તમારી પીઠ પાછળ તમારાં વખાણ થાય તે વાત ઘણી વખત તમારા સુધી પહોંચતી નથી, કારણ કે કોઈને એમાં રસ નથી પડતો, પણ તમારા વિશે કોઈ ઘસાતું બોલતું હોય અને નિંદા કે કૂથલી કરતું હોય તો ઘણાં બધાંનાં દિલમાં ગલગલિયાં થાય છે અને એક છૂપો આનંદ તેમના મનમાં ઉભરાઈ આવે છે. હોઈ શકે કે આવી વ્યક્તિને તમે કદાચ ક્યારેય મળ્યાં પણ ન હો, છતાં તમારા વિશે ક્યાંય નબળી વાત કરવામાં આવે તો એ મોટાભાગે કોઈ ને કોઈ તમારા કાનમાં નાખવાનો ‘નિર્મળ આનંદ’ પણ લૂંટે છે. ક્યાંક એંઠવાડ અથવા ગંદવાડ પડ્યો હોય તો જોજો, થોડાક સમયમાં માખીઓ એના ઉપર બણબણવા માંડશે. માખીનો આ સ્વભાવ છે; એ ગંદકીમાં જ બેસે છે અને સાથોસાથ ઊડીને જ્યાં જાય છે ત્યાં ગંદકી અથવા રોગચાળાના જંતુઓનું વહન કરે છે. આજે વાત કંઈક આ જ વિષયને લઈને કરવી છે. માનવ મન અતિ સંવેદનશીલ છે, એટલું જ નહીં આળું પણ છે. એને પોતાનાં વખાણ અને ચાપલૂસી ચોક્કસ ગમે, પણ કોઈ પોતાના વિશે ઘસાતું બોલે કે ટીકા કરે એ જરાય નથી ગમતું. કોઈ એવો માણસ નથી થયો જેના કોઈ ટીકાકાર જ ના હોય, એટલે તમારા ટીકાકારો છે તેનાથી વિચલિત ના થશો. ગની દહીંવાલાની નીચેની પંક્તિઓ યાદ રાખવા જેવી છે: ‘દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.’ આમાં સૌથી અગત્યની પંક્તિ છે, ‘મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.’ એટલે કે કોઈની ટીકાથી વિચલિત થવાનું હવે બંધ કરો. તમારી કોઈ ટીકા કરે છે એમાં શું સાચું અને શું ખોટું તે તમે તો જાણો જ છો. જો એમાં તથ્ય નથી, તો કોઈની ટીકા અથવા અપમાન તમને વળગી જતું નથી. તમારું મૌન અને નિજાનંદની મસ્તી આવા ટીકાકારને પરાસ્ત કરી દે છે. આવી વ્યક્તિને જવાબ આપવાની પણ જરૂર નથી. ધીરજ રાખો, કારણ કે આવા પ્રસંગે રદિયો આપવો, સામે આક્ષેપબાજી કરવાથી તમે નીચા દેખાશો, મોડાં-વહેલાં સાચું બહાર આવે જ છે, જેને એ સમજવું જ નથી અને બસ તમારી ટીકા જ કરવી છે, તો એની ચિંતા કરવાને બદલે એના અસ્તિત્વને જ નકારો, એનાથી અંતર રાખો. એની બેજવાબદાર ટીકાઓ અથવા અપમાનને કારણે જો તમે વિચલિત થશો કે મનમાં બળ્યા કરશો તો નુકસાન તમને જ છે. તમારી સ્વસ્થતા અને ચહેરા પરની શાંતિ એ જ આનો સાચો જવાબ છે. તમને જે વ્યક્તિ ચાહે છે, તમારી હિતચિંતક છે, એ જ્યારે કંઈક કહે ત્યારે ચોક્કસ આ બાબતે વિચારવું અને ગુણદોષના આધારે એમાંથી બોધ ગ્રહણ કરવો. કહેવાય છે કે, એક એકથી ચડિયાતા સુભટોથી શોભતી રાવણની સભામાં જ્યારે ગુપ્તચરોએ આવીને નિવેદન આપ્યું કે, ‘બે વનવાસીઓ વાંદરા અને રીંછડાની સેના લઈને સમુદ્ર ઉપર સેતુ બાંધી લંકા ઉપર ચઢી આવે છે,’ ત્યારે અભિમાન જેમનું આભૂષણ હતું એવા કુંભકર્ણ, મેઘનાદ અને બીજા અનેકોએ પેલા જાસૂસોની ખીલ્લી ઉડાવીને કહ્યું, ‘આવવા દો... એમને ચપટીમાં ચોળી નાખીશું નાખીશું.’ ત્યારે જ એક ડાહ્યા માણો રાવણને અભિપ્રાય આપ્યો, ‘મહારાજ, એક વાંદરાએ અશોકવાટિકામાં કચ્ચરઘાણ વાળ્યો, લંકામાં આગ લગાડી. આપણે એને કશું જ ના કરી શક્યા. જ્યારે આટલાં બધાં રીંછ અને વાનરો આવી રહ્યાં છે ત્યારે આ માહિતીને હળવાશથી ના લેવી જોઈએ.’ એની કદર કરવી તો દૂર રહી, પણ સમગ્ર સભાએ એમને ‘કાયર’ કહીને સભા છોડી જવા જણાવી દીધું. છેવટે પરિણામ શું આવ્યું? ‘રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી, દસ મસ્તક છેદાઈ ગયાં, રૂડી લંકા રોળાણી.’ તમે દુનિયામાં છો, સમાજમાં રહો છો; ક્યારેક વખાણ પણ થશે અને ક્યારેક ટીકા પણ. ટીકા જો સાચી હોય તો સુધરજો, પણ તથ્યહીન હોય તો આવા ટીકાકારોથી એક સુરક્ષિત અંતર બનાવી લેજો. નિજાનંદની મસ્તીમાં મસ્ત અને સુખી રહેવાની ‘ગુરુચાવી’ તો તમારા જ ગજવામાં છે.
Read Original Article →