પ્રસંગકથા:વગડાઉ ફૂલોના માળી શંભુભાઈ યોગી

Magazine4/15/2026, 12:50:00 AM
પ્રસંગકથા:વગડાઉ ફૂલોના માળી શંભુભાઈ યોગી
નટવર આહલપરા શંભુભાઈ યોગી ઉચ્ચ કોટિના એક સાધુચરિત સજ્જન હતા. અંગત જીવન અતિસંયમી, સાદગીભર્યું, મીતાહારી ને નિર્વ્યસની હતું. નાગરિકતાના સંસ્કાર એવા જ બળવાન હતા. ન કદી જૂના સંબંધો કે કરેલી સેવાઓ યાદ કરી, કરાવીને કશો અંગત લાભ મેળવવાની ઈચ્છા રાખી ન હતી. સ્મરણશક્તિ તો જીવનના અંતિમ પડાવ સુધી અકબંધ રહી હતી. વિચરતી-ભટકતી જાતિનાં બાળકોનાં શિક્ષણ માટે પાટણ જીલ્લા પાસે આશ્રમરોડ ઉપર મણુંદ ગામે નવજીવન આશ્રમશાળા હતી. એના સ્થાપક સંચાલક ગાંધીવાદી શંભુભાઈ યોગી હતા. તેઓને મહેન્દ્રભાઈ મેઘાણીએ ‘ખૂણામાં પડેલો જાગતો જીવ’ કહ્યા હતા. જીવનના અંત સુધી એટલે કે 90 વર્ષ સુધી પત્રો લખતા. એમને મળવાનું થયું એ પ્રસંગ આજે પણ ઊર્જા પૂરી પાડે છે. તેઓએ પાઠશાળાના શિક્ષક બનીને કહ્યું હતું, ‘આપણે છીએ તો બધું જ છે. પછી પરીક્ષા તો હોય જ ને? જીવનની કસોટીઓ પરીક્ષા જ છે. આપણી ઉજ્જવળ કારકિર્દી એ પણ ઉન્નતિ સાથે ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર છે.’ 1963માં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા થયેલા શંભુભાઈને ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણના વરદ્હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળ્યો હતો. તા. 30-11-2012ના રોજ માનભાઈ ભટ્ટ સ્મારક શીર્ષક અંગત શ્રેષ્ઠ નાગરિક સન્માન સમારોહ પહેલાં શિશુવિહાર, ભાવનગર મળવાનું થયું ત્યારનો પ્રસંગ આજેય બળ પૂરું પાડે છે. ‘એક ફણગાનો સહારો વડલો બની જાય અને એ વડલાનો છાંયો મીઠો લાગે છે. અન્યના જીવનમાં બદલાવ લાવે, રંગ પૂરે અને સુંદર ઘાટ ઘડે છે. માતા-પિતાએ આપણને ઘણું-બધું આપ્યું છે ને આશીર્વાદની હેલી વરસાવી છે. એમણે પુણ્ય પાથર્યાં તે પાંગર્યાં છે ને તે પાંગરતા રહે છે. શંભુભાઈ પૂ. રવિશંકર મહારાજના સંપર્કમાં આવ્યા પછી તેમણે ગૌરવ સાથે એક પ્રસંગ નોંધ્યો છે, ‘પૂ. રવિશંકર મહારાજે મારી જનજાગરણ પ્રવૃત્તિમાં, ગામની સફાઈ કરાવવામાં, ગ્રામસભા યોજવામાં, પછાત-દલિત વર્ગના લોકોને માનભેર સૌથી આગળ બેસાડવામાં ખૂબ બળ પૂરું પાડ્યું હતું. તેના હિસાબે ગામ કૂવેથી સૌ સાથે પાણી ભરતાં થયાં. ખાનગી માલિકીની બસમાં મુસાફરી કરવાની છૂટ મળી. ચોરીની રંજાડ દૂર થઇ, દારૂનિષેધના કાર્યક્રમોથી બહેનોને રાહત થઇ હતી.’ તેઓ વારંવાર કહેતા કે ‘જેનામાં નમ્રતા છે, વિનમ્રતા, વિનય છે અને જરા પણ મોટાઈ નથી એવી વ્યક્તિને સૌ કોઈ માન આપે છે, પૂજે છે અને આદર કરે છે.’ મણુંદ ગામે શિયાળે પાછલી રાતે આભનું ઝાકળ ઊતરે છે, ને ઊંઘતી દુનિયાથી અણદીઠ રહી શંભુભાઈ જાણે પોતાની ભીનાશ વડે ધરતીને ભીંજવી તેના પાકોમાં રસકસ પૂરે છે, માત્ર ને માત્ર પોતાના નિર્વ્યાજ જીવનની સંસ્કારિતા અને સુગંધ પોતાની પાછળ મૂકતા ગયા છે. શંભુભાઈના વ્યક્તિત્વ માટે દુહો પ્રસ્તુત છે, કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના, અંશી કોક અલભ્ય.
Read Original Article →