ઓફબીટ:પડછાયો સૂરજનો મિસ્ડકોલ છે

Magazine6/10/2026, 12:35:00 AM
ઓફબીટ:પડછાયો સૂરજનો મિસ્ડકોલ છે
બાળપણમાં આપણે આપણા જ પડછાયાને પકડવાની રમત રમતાં હતાં. મોટાં બની ગયા પછી કામની વ્યસ્તતામાં એ રમત માંડ યાદ આવે. ભૂલી જવાનો ભાર ન લાગે એવી સ્મૃતિ જ જીવનની તરસ છીપાવે છે. બપોરે બાર વાગે જ્યારે સૂરજ માથે આવે, ત્યારે પડછાયો અને શરીર એક બની જાય! હવે ગરમી જ એટલી પડે છે કે પડછાયાને એસીના વાતાવરણમાં પણ પરસેવો વળી જાય! પડછાયા વિશે વિચારવા જેવું તો છે જ. જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી જે ચૂપચાપ આપણી સાથે સફર કરે છે તે પડછાયો છે. શરીર હોય એ બધાંને પડછાયો હોય. રંગ વગરનો તોય કાળા રંગનો ઢોળ એની ઉપર બિરાજમાન થાય. આપણે ખુશ તો એ પણ ખુશ, આપણે ઉદાસ તો એ પણ નાસીપાસ! પડછાયો એવો જ હોય જેવા આપણે. દિવસ દરમિયાન એ લાંબો-ટૂંકો થયા કરે. ખરેખર પડછાયાની ભાષા ખબર પડે તો આપણું શું થાય? દિવસના અજવાળામાં આપણે બહાર નીકળવાનું ઓછું કર્યું છે. વિટામિન-ડીની ગોળીઓથી બધાં ચલાવી લેવા માંડ્યાં છે. લાઈટના અજવાળામાં પડછાયાની આખી પેઢી ગોથું ખાય છે. પડછાયાની ભાષા લાઈટને સમજાય તો લાઈટ ચાલુ કર્યા પછી પણ અજવાળું ઓલવી નાંખીને ઇલેક્ટ્રિક બિલ વધાર્યાં કરે! ભાષામાં એક શબ્દપ્રયોગ છે: ‘પડછાયાની જેમ રહે છે’ એટલે કે સાથે ને સાથે રહે છે. આજકાલ કોઈ પડછાયાની જેમ રહેતું નથી! અરે! પડછાયાને પણ પોતાની પ્રાઇવસી જોઈએ ને! અજવાસ વધુ હોય ત્યાં પડછાયા પોત પ્રકાશે. પડછાયાની જેમ રહેવાવાળા માણસો પણ ઓછા થતા ગયા છે. રાત પડે પડછાયા ક્યાં ગુમ થઈ જાય છે? વિરુદ્ધ વર્તન કરવામાં માહેર હોય છે પડછાયા! જાડાને પાતળો અને ટૂંકાને લાંબો દેખાડે! પણ, બધાને બીજાના પડછાયા જોવાની ટેવ હોય જ એવું ક્યાં જરૂરી છે? ખુદ પોતાને જ અવગણે એવી દશામાં પડછાયાનો નંબર ક્યાંથી લાગે? પડછાયો સૂરજનો મિસ્ડકોલ છે, જે ખરેખર તો અજવાળાએ માણસના ધબકારા જોડે વાત કરવા માટે લગાડેલો મોબાઇલ છે! પડછાયા વિશે ઘણું લખાયું છે. બે ગીત યાદગાર છે. એક અવિનાશ વ્યાસનું છે: પાછલી તે રાતનો પડછાયો બોલે રે, જંપેલા જીવડાને આવી ઢંઢોળે રે. પડછાયો દિવસમાં બોલે ત્યારે અને રાત્રે બોલે ત્યારે સાવ જુદો થઈ જાય છે. એકના એક જ વ્યક્તિનો પડછાયો સૂર્યપ્રકાશ વગર અલગ-અલગ કેમ બોલે છે? જીવનની સાંજ પડી ગઈ હોય ત્યારે પણ શરીરના માપથી એક ઇંચ પણ ઓછો-વત્તો ન થનારો પડછાયો જ્યારે એના માલિકને કહે કે ‘બસ કર હવે, તારા જવાનો અને મારા છૂ થઈ જવાનો સમય નજીકમાં છે.’ પડછાયો જીવનની દરેક અવસ્થામાં રંગ નથી બદલતો! રંગ બદલવાનું માણસને ફાવે છે. ગની દહીંવાલાએ પણ એક ગીત લખ્યું છે: તમે આકૃતિ... હું પડછાયો... તેજ મહીંથી છું સર્જાયો... પડછાયો પ્રકાશથી જન્મે છે. આ ગીતના ઉપાડમાં ‘તમે’ છે એ કોણ? એનો જવાબ શોધતાં-શોધતાં સાંજ આંગણામાં રમવા આવી જાય છે. શ્વાસ ટેકો લઈને આશિકના સહારે પથારીમાં જ ટટ્ટાર થવાનો પ્રયત્ન કરે છે. જીવનની સાંજે પડછાયાના રંગોમાં મેઘધનુષ ઊગે છે પણ એનો સ્વભાવ નથી બદલાતો! રાત્રે લાઈટ ચાલુ રાખીને ઊંઘી જનારા માણસોને કદાચ પડછાયાની વધારે ખબર પડે છે. ગાઢ અંધારામાં કોઈકનો સાથ હોય તો બીક ન લાગે, એવા લોકોની પડછાયાને વધારે ખબર પડે છે! વાદળોમાં ઢંકાઈ ગયેલા સૂરજને કારણે આછો થઈ જતો પડછાયો ક્યાંક તો પડે જ છે. એની આકૃતિના અક્ષરોમાં આપણા જીવનની લિપિ પણ વંચાઈ જાય છે. પડછાયો ક્યાંય જતો નથી, સાથે ને સાથે જ હોય છે. ધુમાડો થઈ ગયા પછીના શરીરમાંથી બહાર નીકળીને એ સ્મૃતિનો વેશ ધારણ કરે છે. ખાલી થયેલા રૂમની વસ્તુઓના સ્પર્શમાં એ એની જાતને ગોઠવી નાંખે છે. પડછાયો કોઈને ઓરમાયો નથી સમજતો! એ સુખમાં સાથે અને દુઃખમાં દૂર એવું માનવાવાળો નથી. એ તો દરેક તબક્કામાં શરીરની સાથે હોય છે. અંધારામાં એ આપણામાં એવો ગુમ થઈ જાય છે કે જ્યારે અંત સમયે અંધારું ઘેરી વળે ત્યારે અજવાળાની આંગળી પકડીને પેલી તરફ આપણને દોરી જાય છે. પડછાયાની પેલી બાજુ એનો રંગ કેવો છે, એ તો જે ગયા છે તેમને જ ખબર! ચશ્માના નંબર અને આંખોના તાકી રહેવાથી પણ પેલી તરફના પડછાયાની બાતમી મળતી નથી. પડછાયો પેલી બાજુના પ્રતિનિધિ તરીકે તો આપણો પડછાયો બનીને નથી રહેતો ને? બાળપણમાં આ જ પડછાયાને પકડવાની રમત રમતાં હતાં ને? ઑન ધ બીટ્સ હો રાજ સમી સાંજના આવજો રે, સામી સડક પર બંગલો. મીઠા મહેમાન આજ આવજો રે, સામી સડક પર બંગલો. - પ્રભુલાલ દ્વિવેદી
Read Original Article →