આંતરમનના આટાપાટા:સંસ્કારનાં ‘મશીન’ ખોટકાય તો શું કરવું?

Magazine5/20/2026, 12:35:00 AM
આંતરમનના આટાપાટા:સંસ્કારનાં ‘મશીન’ ખોટકાય તો શું કરવું?
ડૉ. જય નારાયણ વ્યાસ ભણેલા-ગણેલા ભદ્રવર્ગમાં સવારે ચાની ચુસ્કી સાથે છાપું ફંફોળવાનો નિત્યક્રમ હવે બદલાયો છે. છાપાનું સ્થાન લગભગ મોબાઈલે બથાવી પાડ્યું છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર મળતા ‘ગુડ મોર્નિંગ’ના બીબાંઢાળ સંદેશાઓ વચ્ચે ક્યારેક કોઈ અનુભવનું ભાથું પીરસતું લખાણ મળી જાય છે. આવું જ એક ચિંતન જેવું પ્રેરણાદાયી લખાણ મને પ્રાપ્ત થયું, જે એક સંઘર્ષશીલ વ્યક્તિના જીવનની અને બદલાતા સમયની કરુણતાની વાત છે. વાત છે એક એવા યુવાનની છે જેના માટે પેટિયું રળવા રોજ 8-10 કિ.મી. ખખડધજ સાઈકલ ચલાવી ફેક્ટરીએ કામે જવા સિવાય છૂટકો નહોતો. આખો દિવસ શેરડીના સાંઠાની જેમ નિચોવાઈને કામ કર્યા બાદ તે ઘરે પહોંચતો ત્યારે થાકીને લોથપોથ હોય, પણ એણે મનોમન પરિસ્થિતિ બદલવાની ગાંઠ વાળી હતી. જે ગરીબી અને અવહેલના એણે વેઠી છે, તે એના ભાઈ-ભાંડુ કે ભવિષ્યનાં સંતાનોએ ન વેઠવી પડે તેવા દૃઢ નિર્ધાર સાથે તે જીવતો હતો. સમય જતા એની મહેનત રંગ લાવી. એ જે કારખાનામાં મજૂરી કરતો હતો, તેની બાજુમાં જ તેણે મશીન રિપેરિંગનું કામ શરૂ કર્યું અને જાત-મહેનતથી તે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે મશીનો બનાવતો થયો. મહેનત, ગુણવત્તા અને એના મશીન ક્યારેક ખોટકાય તો વરસતો વરસાદ કે મધરાત જોયા વગર તાબડતોબ એની મરામત કરી આપવાની અસરકારક આફ્ટર સેલ સર્વિસને કારણે એની પ્રતિષ્ઠા જામી. પહેલાં જે બારણા પર એ ટકોરા મારતો અને ભોગળ ભીડાઈ જતી, જે વડીલોની આંખમાં એના માટે ઊજળો આવકાર નહોતો, એ જ દુનિયા આજે એની સફળતાને સલામ કરે છે. સમય પલટાયો છે અને પલટાતા સમયની સાથે આખીય આબોહવા પલટાઈ છે. ત્રિભોવન હવે મોટો ઉદ્યોગપતિ—શેઠ ત્રિભોવનદાસ બની ગયો છે. તેમની કંપની ‘મિસ્ત્રી બ્રધર્સ’ આજે બજારમાં મોટી શાખ ધરાવે છે. ત્રિભોવનદાસનો એક જ સિદ્ધાંત હતો: ‘ગ્રાહકને મશીન વેચો એટલે સંબંધ પૂરો નથી થતો, પણ શરૂ થાય છે.’ આજે વૈભવ હોવા છતાં તેઓ પોતાની મોટરમાં હંમેશાં ટૂલકિટ રાખતા. જ્યારે એ કોઈ ગ્રાહકની ફેક્ટરીની મુલાકાતે જાય અને જો મશીનમાં ખામી દેખાય, તો પોતે પાનું-સ્ક્રૂડ્રાઈવર લઈને રિપેરિંગ કરવા બેસી જતા. ગ્રાહક એમના માટે ભગવાન હતો અને મશીન એમનું માનસ-સંતાન. ત્રિભોવનદાસે સંતાનોને ઉત્તમ શિક્ષણ આપ્યું અને ધંધામાં સ્થિર કર્યા. એક દિવસ બંને દીકરાઓ તેમની કેબિનમાં આવ્યા અને પિતાના પાયાના સિદ્ધાંતો સામે જ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું, ‘પપ્પા, તમે જાતે નાની ફેક્ટરીઓમાં મશીન રિપેર કરવા જાઓ છો એમાં અમારી ઇજ્જત ઓછી થાય છે. લોકો અમારા વિશે શું ધારણા બાંધશે? હવે તમારે શાંતિથી બેસવાનો સમય છે.’ બંને દીકરાઓની વાત સ્પષ્ટ હતી, એમની ઇજ્જત એટલી મોટી હતી કે હવે એને બચાવવા ત્રિભોવનદાસે એમની કેદમાં પુરાઈ જવાનું હતું. ફેક્ટરી એમનો જીવ હતો. ગ્રાહક એમના માટે ભગવાન હતા. એને કદીય નાના કે મોટા ગ્રાહકમાં એમણે વિભાજિત નહોતો કર્યો. મશીન એમનું માનસ-સંતાન હતું. આજે એમના જૈવિક સંતાનો ત્રિભોવનદાસને એમના ભગવાન અને માનસ-સંતાનથી છૂટા પાડવા માંગતા હતા. એક વર્ણવી ન શકાય એવી વેદના સો-સો વીંછીના ડંખ બનીને એમને ડંખી રહી હતી. કોઈ સલાહ આપનારે ચોક્કસ કહ્યું હોત કે ત્રિભુવનદાસે સમય સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા રાખવી જોઈશે, પણ આવું કહેવા માટે તમારે ત્રિભુવનદાસના પેંગડામાં પગ નાખવો પડે. એમના દિલમાં ઊંડા ઉતરીને એમની દૃષ્ટિથી આ સમગ્ર પ્રસંગને સમજવો પડે, એ શક્ય નહોતું. જે સંતાનો માટે તેમણે લોહીનું પાણી કર્યું હતું, એ જ સંતાનો આજે તેમને એમના કામ અને ગ્રાહકથી છૂટા પાડવા માંગતા હતા. દીકરાઓ માટે ‘ઇજ્જત’ એટલે માત્ર દેખાડો અને મોભો હતો, જ્યારે પિતા માટે ઇજ્જત એ વર્ષોની મહેનત અને લોકોનો ભરોસો હતો. આ આખીય વાત ચાલતી હતી તે દરમિયાન તેઓ સતત પોતાની કેબિનમાં છત સામે જોઈ રહ્યા હતા. એમની વાત પૂરી થઈ. ત્રિભુવનદાસ હજુ પણ ખુરશીમાં અઢેલીને છત તરફ જાણે કે જોઈ રહ્યા હતા પણ એમની આંખોનાં પોપચાં બિડાયેલાં હતાં. થોડી વાર રાહ જોયા પછી પોતાની વાતનો કોઈ જવાબ ન મળ્યો ત્યારે એક દીકરાએ ઊભા થઈને એમને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો અને ત્રિભુવનદાસનું માથું એક તરફ ઢળી પડ્યું. દીકરાઓની વાત સાંભળતા ત્રિભોવનદાસ સ્થિર થઈ ગયા અને કાયમ માટે પોઢી ગયા. તેમની સ્મશાનયાત્રા નીકળીત્યારે માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ નહીં, પણ સેંકડો મિકેનિક્સ અને મશીન ઓપરેટરો રડતી આંખે હાજર હતા. આ એ લોકો હતા જેમને ત્રિભોવનદાસે માત્ર મશીનો જ નહીં, પણ નિષ્ઠા અને માણસાઈના પાઠ શીખવ્યા હતા. દીકરાઓ જે આબરૂ સાચવવા માંગતા હતા, તેનાથી અનેકગણી આબરૂ ત્રિભોવનદાસે લોકોનાં દિલમાં કમાઈ હતી. આ માત્ર એક વાર્તા નથી, પણ સમાજની વરવી વાસ્તવિકતા છે. આજે પણ અનેક ઘરોમાં આવા ↔‘ત્રિભોવનદાસ’ હયાત છે, જેમને પોતે જ આકાશ જેવડું ગજું આપ્યું છે, એ જ સંતાનો આજે એમને પાંખો કાપીને ઘરના એક ખૂણે બેસી રહેવાની સલાહ આપે છે.
Read Original Article →