ઓક્સિજન:બધું અહીં ને અહીં

Magazine6/3/2026, 12:35:00 AM
‘શું કહ્યું? તમે ભગવાન છો?’ સવારની મેટ્રોમાં ક્ષેત્રજ્ઞ હંમેશાં પહેલો પેસેન્જર હોય, પણ આજે એક વયસ્ક તેની પહેલા આવીને બેઠા હતા. તેમણે પોતાનો પરિચય ભગવાન તરીકે આપ્યો એટલે ક્ષેત્રજ્ઞ હસ્યો અને કહે, ‘હું જ મળ્યો, સવાર સવારમાં?’ ભગવાન કહે, ‘હું નક્કી કરીને આવ્યો હતો કે જે પ્રથમ મળે તેને મારો પરિચય આપીશ, માનવું કે નહીં એ તારા ઉપર છે.’ ક્ષેત્રજ્ઞને રસ પડ્યો એટલે બાજુમાં બેસી મજાક કરવા માંડ્યો કે પોતે ગયા ભવમાં સારાં કર્મો કર્યાં હશે તો મનુષ્યનો અવતાર મળ્યો અને ભગવાનનો સાક્ષાત્કાર થયો. મુશ્કેલીથી ઊભેલા વૃદ્ધને જોઈ ભગવાને તેને પોતાની સીટ આપવા કહ્યું. તે કહે, ‘તમે જ કહ્યું છે ને કે કર્મમાં માનો. એમના ગયા ભવનાં કર્મો સારાં નહીં હોય તો એમને ઊભા રહેવું પડ્યું.’ પોતાનું સ્ટેશન આવતા ઉતરી રહેલા તેને ભગવાને કહ્યું, ‘તમે કંઈ લઈને આવતા નથી અને કંઈ લઈને જતા નથી. જ્યાં એક દેશના પાસપોર્ટ, ભણતર બીજા દેશમાં નથી ચાલતા ત્યાં તમે એક ભવનાં કર્મો બીજા ભવમાં ચલાવવાની વાત કરો છો? મારા એકેય અવતારમાં કશું ‘કેરી ફોરવર્ડ’ નહોતું થયું. બધું અહીં ને અહીં જ છે.’ દિવસ પસાર થયો. સાંજની મેટ્રોમાં ક્ષેત્રજ્ઞ ચઢ્યો. શર્ટનું ઇન નીકળી ગયું હતું, પાછળનો ભાગ બેગથી ઢાંક્યો હતો. પેલા વયસ્કને એ જ સીટ ઉપર બેઠેલા જોઈ તે એમની પાસે પહોંચ્યો. ભગવાન કહે, ‘આ શું?’ તે કહે, ‘દોડીને મેટ્રો પકડવામાં પેન્ટ ફાટી ગયું. બેસવાની જગ્યા કરો ને!’ ભગવાન મલકાયા, ‘સવારે તું સીટ છોડવા તૈયાર નહોતો, સાંજે સીટ માટે વલખાં મારે છે? બધું અહીં ને અહીં જ છે.’ નારાજ ક્ષેત્રજ્ઞએ છેલ્લું સ્ટેશન આવતા જ ગાર્ડને પેલા વયસ્ક વિશે વાત કરી. ગાર્ડે બદતમીજીથી વયસ્ક્ને નીચે ઉતાર્યા. ‘મેટ્રોની મજા લેવામાં આખો દિવસ એક સીટ પકડી રાખી? એમાં બીજા પચાસેક માણસોને થોડું થોડું બેસવા મળત ને?’ ક્ષેત્રજ્ઞ કહે, ‘જોયું? કહેવાતા ભગવાનને પણ ઠપકો સાંભળવો પડ્યો.’ ભગવાન હસીને બોલ્યા, ‘યોગ્ય થયું. હું કે તું, બધું અહીં ને અહીં જ છે.’
Read Original Article →